Columns

હન્ડ્રેડ યર્સ ઓફ હોલીવૂડ : ખૂબ મજા કરાવી પણ હવે?

વરસ 1923માં હોલીવૂડની સ્થાપના એક અદ્યતન રહેણાંકના વિસ્તાર તરીકે કેલીફોર્નિયાના લોસ એન્જેલસ નજીકની ટેકરીઓની માળા અને જંગલો વચ્ચે થઇ હતી. ભારતમાં શરદ પવાર અને અજિત ગુલાબચંદ (ડેવલપર ઉદ્યોગપતિ)નું સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચેનો લવાસા ખાતેનો પ્રોજેકટ લગભગ તૈયાર થયા પછી અધૂરો ત્યજી દેવાયો. આ એક ભવ્ય પ્રોજેકટ હતો અને દેશના લોકોના અબજોના અબજો રૂપિયા તેમાં વેડફાઇ ગયા. પવાર અને ગુલાબચંદે પણ ગુમાવ્યા કે રળ્યા એ તો રામ જાણે! પણ આટલી સંપતિ વેડફાઇ દેવા ન જોઇએ. મહારાષ્ટ્ર સરકારે મુંબઇનો ફિલ્મ ઉદ્યોગ ખસીને ત્યાં જાય એવી તજવીજ અને કોશિશો કરવી જોઇએ જેથી ભારતમાં એક હોલીવૂડ કક્ષાનું બોલીવૂડ વિકાસ પામે. આ થઇ એક આડ વાત. પરંતુ હોલીવૂડને આ 2023નાં વરસમાં 100 વરસ પૂરા થઇ રહ્યા છે.

નવી ટેકનોલોજીએ હોલીવૂડ અને દુનિયાના સિનેમા ઉદ્યોગ સામે નવા પડકારો ઊભા કર્યા છે. આજે છે એટલી દુનિયાના અગાઉ કયારેય વૈચારિક વિભાગો અને વિવાદોમાં વહેંચાયેલી ન હતી. આ જોખમનો તો સામનો થઇ શકે પરંતુ નવા તંત્રજ્ઞાને પ્રેક્ષકો સમક્ષ મનોરંજનના ભરપૂર વિકલ્પો વહેતાં મૂકી દીધાં છે. ફિલ્મ નિર્માણની ટેકનોલોજી વડે કયાંય પણ રહીને ફિલ્મનું નિર્માણ થઇ શકે. માત્ર હોલીવૂડમાં કે બોલીવૂડમાં જ ફિલ્મનું નિર્માણ થઇ શકે તે અગાઉ અનિવાર્ય હતું, હવે રહ્યું નથી. ફિલ્મોના પ્રદર્શનોનો વ્યાપ વધ્યો છે અને ઘટયો પણ છે.

જિલ્લા કક્ષાના મોટા ભાગના શહેરોમાંથી સિનેમા થિયેટરો લુપ્ત થઇ ગયા છે. કયાંક રડયાં ખડયાં છે ત્યાં પ્રેક્ષકો મળતાં નથી. અગાઉ નાના નાના નગરોમાં, સસ્તામાં ફિલ્મો દર્શાવતા થિયેટરો હતા જયાં પડદાની બાજુમાં બેસો તો મનોજકુમારનું મસ્તક કંઇક જૂદાં જ ઘાટનું દેખાતું. આજે મલ્ટીપ્લેકસ છે, આઇમેકસ છે. જોવાનો અનેરો આનંદ ઊંચી કિંમત ચૂકવીને માત્ર એક કે બે અઠવાડિયામાં ઉઠાવવો પડે. ફિલ્મ એટલો સમય જ ચાલે. હજી થોડાં વરસો પૂર્વે તો ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’એ મુંબઇના મરાઠા મંદિરમાં એકધારા પ્રદર્શનના 5 વરસ પૂરા કર્યાં પણ હવે એવી સ્થિતિ ફરી નહીં આવે.

ફિલ્મોનું નિર્માણ ખૂબ ખર્ચાળ બન્યું છે અને આજની ફિલ્મોનો મુખ્ય હીરો તરીકે ટેકનોલોજી પણ હોઇ શકે છે. એ સમયમાં લવાસામાં કેન્દ્રિત (થાય તો) ફિલ્મ ઉદ્યોગ ટકી શકશે? હવે હોલીવૂડ બીજા 100 વર્ષ કે 50 વર્ષ સફળતાના પૂરા કરી શકશે? કારણ કે એક ફિલ્મ નિષ્ફળ જાય તો પણ ઉદ્યોગને મોટી ઠેસ પહોંચે છે અને OTT ઇન્ટરનેટના આગમન, યુ ટયુબ વગેરેએ ઘરે બેસીને જોવાનો પણ વિકલ્પ પૂરો પાડયો છે. નવાયુગના વિશાળ સ્ક્રીનના (3D સાથે કે વગરના) TV સેટોએ તેમાં સાથ આપ્યો છે. સાઉન્ડ કવોલિટી પણ જૂના સમયના સિનેમા હોલની સરખામણીમાં ફાર ફાર બેટર છે.

લોકો OTT પર જૂએ કે હોલમાં, પણ તે માટે ફિલ્મોનું નિર્માણ તો કરવું જ પડે. છતાં OTT ચેનલો એટલું વ્યાપક નિર્માણ કરી રહી છે કે સપ્લાયના પ્રમાણમાં ડિમાન્ડ મેળવવાનું તેઓને મુશ્કેલ બની રહ્યું છે. છતાં થોડી ઘણી બીગ બજેટ પ્રભાવશાળી ફિલ્મો થિયેટરો માટે બનતી રહેશે. જેમ કે ટાઇટેનિકના નિર્માતા જેમ્સ કેમરૂને 2009માં ‘અવતાર’ નામની ફિલ્મ રજૂ કરી હતી તે બંનેએ ખર્ચ અને કમાણીના અગાઉના તમામ રેકર્ડ તોડી નાખ્યા હતા. ટાઇટેનિક 1997માં આવી હતી અને લોકો હજી ભૂલ્યા નથી. તેના નિર્માણમાં ત્યારની શ્રેષ્ઠ ટેકનોલોજી વપરાઇ હતી. હવે તેને 25 વર્ષ પૂરાં થયા ત્યારે 2023માં જેમ્સ કેમેરોન તેને નવી ટેકનોલોજીના જામા પહેરાવીને 2023માં નવેસરથી રજૂ કરશે.

હવેનો આ ફિલ્મનો હીરો જેક ઉર્ફે ડીકેપ્રિયો કે હીરોઇન કેટ વિન્સલેટ નહીં હોય, પણ ટેકનોલોજી જ હશે. ન તો વાર્તા હશે, કારણ કે મોટા ભાગના તે જાણે જ છે. છતાં 14 ફેબ્રુઆરીના આસપાસ રિલિઝ થાય તો આજે 30 વરસના થઇ ગયેલા યુવાનો યુવતીઓ સહિતનાને તે નવેસરથી આકર્ષી શકશે જેમણે તે જોઇ નથી. દરમિયાન હાલમાં કેમેરોનની ફિલ્મ ‘અવતાર ટુ’ પણ જગતભરમાં રિલીઝ થઇ છે અને સફળ રહી છે. પરંતુ આવી બિન બજેટ ચાલવાની હોય તો હોલીવૂડનું કે બોલીવૂડનું ભવિષ્ય શું? લોકો બાહુબલી જેવી પ્રોડકટ પણ સતત કયાં સુધી જોતા રહેશે? પરંતુ હોલીવૂડનાં ભવિષ્ય વિશે જાણીએ તે અગાઉ ભૂતકાળની વાત કરીએ તો હોલીવૂડ, બોલીવૂડ વગેરેએ સો-સો વરસ સુધી ખૂબ ખૂબ મજા કરાવી.

એ સમયમાં સ્થપાયેલાં ડીઝની, પેરેમાઉન્ડ, એમજીએમ (મેટ્રો ગોડવીન મેયર) વગેરે આજે પણ છૂટાછેડા અને ઘરઘરણાંઓ બાદ અસ્થિત્વ ધરાવે છે. યુનિવર્સલ અને ડિઝનીલેન્ડ તો ટેકનોલોજીના પ્રત્યક્ષ મનોરંજનોના સ્ટુડિયો ધરાવે છે જેમાં ડીઝનીના પ્રથમ સ્ટુડિયોનું ઉદ્‌ઘાટન વોલ્ટ ડીઝનીએ 50ના દશકમાં જવાહરલાલ નેહરુના હસ્તે કરાવ્યું હતું. યુવાન ઠસ્સાદાર ઇંદિરા ગાંધી અને જગતના ખેરખાં નેતાઓ ત્યાં હાજર રહ્યા હતા. ટુંકમાં હોલીવૂડ અને બીજા કોલી, મોલી, ઢોલી વૂડોએ જગતને ખૂબ મજા કરાવી છે. અનેક યુગોનું સર્જન કર્યું. જેમ કે ઇલિઝાબેથ ટેલર, ગ્રેગરી પેક, રફીજી, લતાજી, કિશોર દા, એલ્ટન જહોન, એલ્વિસ પ્રેસલી, ગુરુદત્ત, રાજ કપૂર, કે.આસીફ, દિલીપકુમાર, રિચાર્ડ ગેસ, જુલિયટ રોબર્ટસ, હમ્ફ્રી બોગાર્ટ જેવા અસંખ્ય નામી લોકોના પોતપોતાના યુગો હતાં.

લતા યુગ હજી ગયા વરસે જ પૂરો થયો. વરસ 1923માં કેલીફોર્નિયાની એક પ્રોપર્ટી ડીલર વૂડરફ એન્ડ શોલ્ટસ દ્વારા લોસ એન્જેલસની ટેકરીઓ નજીક એક હાઉસિંગ પ્રોજેકટ વિકસાવવામાં આવી રહ્યો હતો. તેને પ્રમોટ કરવા માટે ઊંચી ટેકરી પર 13 વિશાળકાય અક્ષરોથી ત્યાં ‘હોલીવૂડ લેન્ડ’ એવું સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું. તેનો એક-એક અક્ષર 50-50 ફીટની ઊંચાઇ ધરાવે છે અને તેથી દૂરથી જોઇ શકાય છે. એ અક્ષરો ત્યાં ખચ્ચરો પર લાદીને પહોંચાડવામાં આવ્યા હતા. એ નવા હાઉસિંગ પ્રોજેકટનું નામ ‘હોલીવૂડ લેન્ડ’ હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મથક તરીકે એ ત્યારબાદ ફેરવાયું પણ સિને ઉદ્યોગના કેન્દ્રને આ રીતે અનાયાસે ‘હોલીવૂડ’ નામ મળ્યું. તે કોઇ સમજી, વિચારીને કે કોઇની યાદમાં રાખવામાં આવ્યું ન હતું. પણ તેની અસર જૂઓ. આપણા ફિલ્મીનકસચીઓએ નામની પણ નકલ કરી. બોલીવૂડ,કોલીવૂડ, ઢોલીવૂડ વગેરે અને તે નામ ભારત બહાર પણ પ્રચલિત થયા. 1949માં મૂળ હોલીવૂડ લેન્ડ સાઇનનું રિનોવેશન થયું ત્યારે તેમાંથી લેન્ડના 4 અક્ષરો દૂર કરાયા અને હવે તેના હોલીવૂડના 7 અક્ષરોની જગતમાં કોઇને સમજણ આપવી પડતી નથી.

એ ટેકરીઓની તળેટીમાં ચાલતો ફિલ્મ ઉદ્યોગ અનેક પરિવર્તનોમાંથી પસાર થયો છે અને થઇ રહ્યો છે. હોલીવૂડનાં આજે જે વર્ષો ચાલે છે તે આવતા વર્ષોમાં નહીં હોય. નેટફલીકસ, ડીઝની જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ આવી ગયા છે. ઘરમાં વિશાળ ટીવી સ્ક્રીન પર ફિલ્મ જોઇ શકાય છે. લોકો ફેમિલી ડ્રામાઓ તો ઘરે બેસીને જોઇ શકે છે. પ્રેક્ષકોને સિનેમા સુધી ખેંચવા માટે ખૂબ મોટા બજેટની તંત્રવિજ્ઞાનથી પ્રચૂર ફિલ્મો બનાવવી પડે છે ત્યારે લોકો પૂછતાં થાય છે કે બાહુબલિને કટપ્પા કો કયું મારા? પણ રોજબરોજની સામાજિક જીવનની વાર્તામાં આવી ટેકનોલોજી કયાં વાપરવી? દો બીધા જમીનના બલરાજ સહાની સાથે તો આવી અદ્યતન તાંત્રિકી વ્યવસ્થા વાપરી શકાય નહીં.

એમ પણ કહી શકાય કે આજની ફિલ્મના એક સમાંતર નાયક તરીકે તંત્ર વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન મુજબ વાર્તાઓનું કન્ટેન્ટ પણ આપવું પડે છે. તે સ્વભાવથી કલ્પનાશીલ હોવાને કારણે વાસ્તવિકતાથી પર હોય છે. હમણાં સૌથી સફળ હોલીવૂડ ડિરેકટર, નિર્માતા જેમ્સ કેમેરૂનની 3D સિકવલ ફિલ્મ ‘અવતાર: ધ વે ઓફ વોટર’ રિલિઝ થઇ છે. થ્રીડી ટેકનોલોજીથી લેસ આ ફિલ્મ સફળ જરૂર થઇ રહી છે, પણ ધાર્યા પરિણામો લાવી શકી નથી. અગાઉ કેમેરૂને એક એકથી ચડિયાતી ફિલ્મો આપી હતી. 1997માં એમની ટાઇટેનિકે ખર્ચ અને કમાણીના અગાઉના તમામ રેકોર્ડ તોડયા હતા. ત્યારબાદ 2009માં એમની અવતાર (વન) આવી તેણે ટાઇટેનિકનાં તમામ રેકર્ડ તોડી નાખ્યા.

ફિલ્મને વાસ્તવિક બનાવવા માટે કેમેરૂન જે કંઇ ખર્ચ કરવો પડે તે કરે. એ મોટા પરફેકશનિસ્ટ છે. છતાં 25 વર્ષ અગાઉ ટાઇટેનિક રિલિઝ થઇ ત્યારથી કેમેરૂનને એક સવાલ પૂછાતો હતો કે ફિલ્મના અંતે ટાઇટેનિકના એક તૂટી ગયેલા અને તરી રહેલા દરવાજા પર નાયિકા રોઝ (કેટ વિન્સલેટ) નાયક જેક (લીઓનાર્ડો કાર્પીઓ) સાથે કાયમ માટે જૂદા પડી જવાના સંવાદ બોલે છે. કારણ કે જેક પાસે તરતા રહેવા કોઇ સહારો હોતો નથી. એ દરવાજા પાસે રહીને અતિશય ઠંડા પાણીમાં હાઇપોથર્મિયા (ઠુંઠવાઇ)ને કારણે ડૂબી જાય છે.

કેમેરૂનને એ સવાલ પૂછાતો હતો કે રોઝ પાસે મોટો દરવાજો હતો. બાજુમાં જગ્યા હતી તો તેના પર જેકને કેમ ચડાવી ન દીધો? સવાલમાં વજૂદ તો જણાતું જ હતું. ખેર! વાર્તામાં જેકને મારી નાખવાનો હતો અને ટાઇટેનિક ડૂબવાની સત્ય ઘટનાને બાદ કરીએ તો વાર્તા કાલ્પનિક હતી. છતાં કેમેરૂનને પોતાની સંપૂર્ણવાદિતામાં આ એક ખામી જણાતી હતી. એમણે હમણા આ સ્થિતિનું ફરીથી નાટયાત્મક નિર્માણ કરી વૈજ્ઞાનિક અભ્યાસ કરાવ્યો. એ સમયે જેકના અને રોઝનાં વજન-કદ-કાઠીના માણસોને એક દરવાજા પર સમુદ્રમા ગોઠવ્યા. તેઓની સાથે અમુક સેન્સરો બાંધેલા હતાં.

ભારતમાં ગઇ સદીના નવમા દશકમાં ‘છોટા ચેતન’ બની હતી પણ ત્યાર બાદ કોઇ વધુ ફિલ્મો બની નથી. કેમેરૂન અવતારની કુલ 5 સિકવલ બનાવવા માગે છે. પણ આ બીજી સિકવલ એટલી ઉત્સાહપ્રેરક નહીં રહે. કદાચ હવે ઓગમેન્ટેડ રિઅલિટી (A.R.) સાથેની ફિલ્મો બનશે. તેમાં પરદા પરથી વાઘ કે હીરોઇન બહાર આવી જાય. પ્રેક્ષકોની વચ્ચે. પરંતુ એ બધાં કામો કોમ્પ્યુટરો કરશે.

સમયની ગર્તામાં હોલીવૂડ માટે શું રહેલું છે? તે આજથી કહી ન શકાય પરંતુ સિનેમા જોવા જતા લોકોનું પ્રમાણ નિરંતર ઘટી રહ્યું છે. 1930ના દશકમાં 90 વર્ષ અગાઉ 66 (છાસઠ) ટકા અમેરિકનો દર સપ્તાહે ફિલ્મ જોવા જતા. આજે આખા વર્ષમાં સરેરાશ અમેરિકન માત્ર સાડા 3 ફિલ્મ જૂએ છે. 2020માં મુખ્યત્વે કોવિડના કારણે વિશ્વભરમાં બોકસ ઓફીસોની કમાણીમાં 82 ટકાનો ઘટાડો નોંધાયો હતો તે હવે કાયમી બની જશે તેમ સિને ઉદ્યોગના જાણકારો કહે છે. હોલીવૂડને બદલે ફિલ્મોનું નિર્માણ કાર્ય સિલિકોન વેલી અને વોશિંગ્ટન રાજયની ટેક કંપનીઓમાં વધુ થવા માંડયું છે. હોલીવૂડથી 480 કિલોમીટર દૂર આવેલી એપલની કુપરટિનો (હેડકવાર્ટર) ફેસિલીટીમાં નિર્માણ પામેલી ફિલ્મને 2022માં શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર એવોર્ડ મળ્યો.

તેનાથી પણ ઉત્તરમાં વોશિંગ્ટનના સીએટલ ખાતે અમેઝોન દ્વારા દુનિયાની સૌથી મોંઘી TV ફિલ્મ ‘ધ રિંગ્સ ઓફ પાવર’નું નિર્માણ થયું હતું. લોકો ઉંચા બજેટની ફિલ્મોને વિશાળ પરદા પર જોવાને બદલે હાથમાં રહેલો મોબાઇલ જોવાનું વધુ પસંદ કરવા માંડયા. વિજ્ઞાનની પાઇપલાઇનમાં AR અને VR સિવાય એવું ખાસ કશું નથી જે દર્શકોને સિનેહોલ સુધી ખેંચી આવે. હોલીવૂડની ચમક અને ભપક હવે એવી ને એવી નહીં રહે. 50 વર્ષ અગાઉ લવાસા બંધાયું હોત તો કદાચ નિષ્ફળ ન જાત.

Most Popular

To Top