આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં સુરતમાં તો કુમળાં બાળકો તથા અન્યોના, રખડતાં શ્વાનોને કારણે જે જુગુપ્સાપ્રેરક દૃશ્યો સામે આવ્યાં છે અને આજે તા.25-10 ના ‘ગુજરાતમિત્ર’માં શ્વાનોને કારણે જે મરણના આંકડા આવ્યા છે, તે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી મૂકે તેવા છે. વળી કેટલાંક નાનાં નાનાં બાળકોની વીડીઓ ક્લીપ જોતાં અત્યંત દુ:ખ થાય, શાસકોને તો હૃદય અને મગજમાં ફક્ત ને ફક્ત પૈસો જ કેન્દ્રમાં છે અને ભ્રષ્ટાચાર આચરવામાં જીવદયાપ્રેમીઓના વર્ગને નચાવે છે.
જો ખરેખર જીવદયાપ્રેમીઓને કારણે જ જો શ્વાનોનો ત્રાસ દૂર ન થતો હોય, તો ભ્રષ્ટાચારીઓ દ્વારા ખસીકરણને કારણે કેટલા હજાર કરોડ રૂપિયા ખવાઈ ગયા છે અને ખસીકરણની યોજના પછી શ્વાનોની વસ્તી સારા એવા પ્રમાણમાં ઘટવી જોઈએ તે તો નથી ઘટી, પણ કેટલી વધી તેના આંકડા ગુજરાતની એક ટી.વી. ચેનલ પર ચાલતી ચર્ચામાં બતાવ્યા છે, તેને માટે જાહેર ખુલાસો કરે. સમાજને સારી રાહત થાય, બચ્ચાંઓ સલામત રહે અને શાસકોને તો તેમાં ય કટકી મળશે જ એટલે તેમના પ્રત્યેની દ્રવ્યદયા પણ જળવાશે અને બાળકો અને લોકો પ્રત્યે આરોગ્યની દયા તથા કોઈ કુટુંબના મોભીનું મૃત્યુ જો જીવદયા પ્રેમીઓની છૂટને કારણે બચી જાય તો તે સૌથી મોટી જીવદયા બતાવી શકાશે. આશા રાખીએ કે જીવદયાપ્રેમીઓનાં સાધુ સાધ્વીઓ સહમત થશે અને યોગ્ય બોધ તે વર્ગને આપશે.
સુરત. રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પારો
પ્રવાહી હોવા છતાં તેનાથી કોઈ વસ્તુ પલળતી નથી તે છે પારો. આ એક રાસાયણિક તત્ત્વ છે. પારો ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પારો ખૂબ જ વજનદાર ખનીજ પ્રવાહી ધાતુ છે. એની ઘનતા કોઈ પણ પ્રવાહી કરતાં વધારે હોય છે. ગરમી માપવાના યંત્રમાં તેના વ્યવહાર થાય છે. પારા ઉપર ગરમીની અસર સૌથી વધારે થાય છે. તાવ આવે ત્યારે ડૉક્ટર તાવના દર્દીનું તાપમાન માપે તે થર્મોમીટર ટ્યુબમાં ઉષ્ણતામાનનો આંક બતાવતી રૂપેરી રંગની લીટી હોય છે, જે પારો હોય છે. શરીરનું તાપમાન વધારે તેમ પારો ઉપરની તરફ જાય છે.
જો કે હવે ડિજિટલ અને ઈન્ફ્રારેડ થર્મોમીટર ઉપયોગમાં લેવામાં આવે છે. પારો-મર્કરી ઝેરી ધાતુ હોઈ માનવશરીરમાં પ્રવેશે તો મૃત્યુનું કારણ બને છે. બીજો એક પારો ઝેરી હોય છે, તે અભિમાનનો પારો કહેવાય. રાવણ, દુર્યોધન બન્નેને અભિમાન હતું અને પારો ઊંચે ગયો અને અંતે તેમનો વિનાશ થયેલો એની સૌને જાણ હોવા છતાં સુધારો દેખાતો નથી. પદ મળે એટલે માનવતાને ભૂલીને વર્તન કરે. પૈસાનું અભિમાન સર્વત્ર જોવા મળે.
બે ડગલાં ઊંચાં ચાલે. નમવાનું, વિનય-વિવેક વિસરી જાય. સારી બાબતો હોય તેનું અભિમાન કરો અને આગળ વધવામાં તેનો ઉપયોગ થઈ શકે. કોઈ સારો પદાર્થપાઠ શીખે તો સારું. ગામ, શહેર અને દેશનું નામ રોશન કરે તેવું અભિમાન લેવું જોઈએ. અલબત્ત, અભિમાનનો પારો વધુ ચડી જાય તે તરત નીચે ઊતરી જાય! ખોટા અહંકાર, અભિમાન છોડી નમ્રભાવે વ્યવહાર કરીએ તો સૌને ગમીએ, નહિતર એકલા રહીને તણાવને આમંત્રણ આપીએ. આપણી કલાનો, આવડતનો ગર્વ કરીએ. સારી બાતતોનું ગૌરવ કરીએ. અભિમાનના ઝેરથી બચીએ.
નવસારી કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.