શ્રી કૃષ્ણને બદલે દેવકીના ખોળામાં મૂકેલી કન્યાને કંસ તો મારી ન શકયો, એ તો આકાશમાં ઊડી ગઇ અને જતાં જતાં કહેતી પણ ગઇ કે ‘તને મારનારો તો કયાંક જન્મી ચૂકયો છે.’ હવે કંસ શું કરે? અચાનક તેને પોતે કરેલાં કર્મ માટે પસ્તાવો થવા લાગ્યો, વસુદેવને અને દેવકીને કારાવાસમાંથી મુકત કરી દીધાં અને પોતાનાં પાપ માટે ક્ષમા માગવા લાગ્યો. આપણને પ્રશ્ન થાય કે શું ખરેખર કંસને પોતાનાં કરેલાં કર્મ માટે પસ્તાવો થતો હશે? તે કેટલી હદે બોલે છે? હું કેટલો પાપી – મારો નરકવાસ થશે. મારામાં દયાનો જરાય છાંટો નથી. વિધાતાના બોલવા પર મેં વિશ્વાસ રાખ્યો. હવે સમજાય છે કે માનવી જ જૂઠું બોલતા નથી, વિધાતા પણ જૂઠું બોલે છે. હવે જે થઇ ગયું તે થઇ ગયું – તમે તમારાં બાળકો માટે શોક ન કરતા. શરીર નાશવંત છે, આત્મા નાશવંત નથી.’ કંસ તો ગીતાકાર હોય એવી રીતે દેવકીને – વસુદેવને સમજાવે છે. તમે બંને તો દયાના સાગર છો એટલે મને ક્ષમા કરી દેજો.’ આમ કહીને કંસે તો બંનેના પગ પકડી લીધા. આંખોમાંથી આંસુ વહેતાં હતાં. હવે આવું જોઇને કઇ બહેન પોતાના ભાઇને ક્ષમા ન આપે? વસુદેવે પણ કંસની જ ભાષામાં આત્માની અમરતા અને શરીરની નાશવંતતાની વાત કરી.
કંસે આ પછી પોતાના મંત્રીઓને બોલાવ્યા. કંસ ગમે તેટલો સજજન હોય કે સજજન બનવા જાય પણ તેના મંત્રીઓ કંઇ ઓછા સજજન હતા? એ તો પંચતંત્રની કથામાં આવતા ગીધ અને હંસ જેવા. ગીધ રાજા અને હંસ પ્રધાન હોય તે સ્થિતિ સારી પણ હંસ રાજા હોય અને ગીધ પ્રધાન હોય એ સ્થિતિ તમને ડુબાડી દે. કંસના મંત્રીઓ તો પહેલેથી દૈત્ય હતા, તેઓ દેવતાઓ પ્રત્યે ઝેર ઓકયા કરતા હતા. તેમણે તો કંસને ગણકાર્યા વિના કહી દીધું – ‘અમે આજથી જ મોટાં મોટાં નગરોમાં, ગામડાંમાં જેટલાં બાળકો જન્મ્યાં હશે, દસેક દિવસના હશે એ બધાંને મારી નાખીશું. દેવતાઓ અમારી સામે યુદ્ધ શું કરી શકવાના છે? આપણું આક્રમણ થાય ત્યારે દેવતાઓ તો ચારે બાજુએ નાસી જાય છે, શસ્ત્રો ફેંકી દે છે, કેટલાક તો શરણાગતિ સ્વીકારી લે છે.
આવા ડરપોક, કાયર શત્રુઓને તો તમે મારતા નથી, તમે એમનું રક્ષણ કરો છો એટલે બ્રહ્મા હોય કે વિષ્ણુ, કે પછી શંકર હોય – આપણે એમની સામે મોરચો માંડીશું અને છતાં આપણે એ શત્રુઓની ઉપેક્ષા પણ નહીં કરીએ એટલે અમે ગાય, વેદ, તપ, યજ્ઞ, બ્રાહ્મણ – આ બધાનો અમે નાશ કરી દઇશું. સૌથી મોટો દુશ્મન વિષ્ણુ -બધા દેવ તેના સહારે જીવે છે એટલે તેને પણ ઠેકાણે પાડી દઇશું. કંસ મૂળભૂત રીતે તો દુષ્ટ હતો જ, તેમાં આવા મંત્રીઓ તેને મળ્યા હતા એટલે તેણે મંત્રીઓની વાત માની લીધી. તેણે હિંસા આચરવામાં પાછી પાની ન કરે એવા રાક્ષસોને છૂટો દોર આપી દીધો. તે રાક્ષસો તો માયાવી હતા, ધારે તે રૂપ લઇ શકતા હતા એટલે તેઓ પોતાનું ધાર્યું કરવા નીકળી પડયા.
આ બાજુ ગોકુળમાં નંદ બાવાને ત્યાં તો કૃષ્ણજન્મ થયો એટલે મોટો ઉત્સવ થયો. પંડિત બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જન્મ સંસ્કાર કર્યા. બ્રાહ્મણોને અઢળક દાન આપ્યું. વ્રજવાસીના ઘેર ઘેર ઉત્સવ થયા, ધજાપતાકા ફરકી, ગાય, બળદ, વાછરડાને પણ શણગાર થયા. લોકો અનેક પ્રકારની ભેટસોગાદો લઇને નંદજીને ઘેર આવ્યા. જશોદાને ત્યાં પુત્રજન્મ થયો એટલે ગોપીઓ હરખઘેલી બની. તેઓ પણ ભેટસોગાદ લઇને જશોદા પાસે જઇ પહોંચી. ગોપીઓના શરીરે આભૂષણોનો પાર ન હતો. હાર, કંગન, કુંડળ પહેરીને તેઓ બહુ શોભતી હતી.
ગોપબાલ પણ આ સમાચાર સાંભળી મસ્તીમાં આવી ગયાં. રોહિણી પણ હરખઘેલી થઇ ગઇ. થોડા દિવસ પછી નંદબાવા મથુરા કર ચૂકવવા ગયા અને ગોકુલની રક્ષાનો ભાર ભોપબાલોને સોંપી દીધો. વસુદેવને સમાચાર મળ્યા એટલે તેઓ નંદબાવાને મળવા ગયા. વસુદેવે હરખાઇને પુત્રજન્મ માટે અભિનંદન આપ્યા. મોટી ઉંમરે પુત્રજન્મ થયો તેનો ભારે આનંદ થયો. હવે વસુદેવ પોતાના પુત્રને ગોકુળમાં મૂકી આવ્યા તે બદલ ચિંતા વ્યકત કરી અને ગોકુળ વેળાસર પહોંચી જવાની સલાહ આપી.
રસ્તામાં વસુદેવની ચિંતા વાજબી લાગી. કદાચ ગોકુળમાં ઉત્પાત થાય પણ. હવે એક ઘટના થઇ. પૂતના નામની એક રાક્ષસી હતી. તે બાળકોને મારીને ખાઇ જતી હતી. કંસે તેને બાળકોની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. તે માયાવી હતી એટલે ઇચ્છાનુસાર રૂપ લઇ શકતી હતી. તેણે ગોકુળમાં જઇને એક અસામાન્ય સુંદરીનું રૂપ લીધું. શરીરે આભૂષણ, માથામાં પુષ્પહાર – મોહક હાસ્ય. ગોપીઓ તો આ જોઇને ભરમાઇ ગઇ. તેમણે તો માની જ લીધું કે સાક્ષાત લક્ષ્મી આપણે ત્યાં આવી ચઢયાં છે. પૂતના તો નંદબાવાના ઘરમાં પ્રવેશી. ભગવાન તો સૂઇ ગયા હતા. પૂતના ઓછી ભગવાનનો તાગ પામી શકે? તેમને તો ખ્યાલ આવી ગયો કે આ તો પૂતના રાક્ષસી છે. તે બાળકોની હત્યા કરનાર છે એટલે તેને જોઇને પોતાની આંખો મીંચી દીધી. શા માટે? આ ઘટના માટે જાતજાતનાં કારણો આપવામાં આવ્યાં છે.