Columns

ઇન્સાન કી ઔલાદ હૈ, શયતાન બનેગા

માનવ અધિકારો અને અહિંસાના ઉપદેશો આપતા તથાકથિત મહાન અને સુખી દેશોમાં પણ એ ન્યાય ચાલી રહ્યો છે કે ગામના છોકરાં ગારાનાં અને શેઠનાં છોકરા સોનાનાં. દુનિયામાં ગરીબ, કંગાળ, નિર્બળ અને દેખાવમાં નબળા લોકોને થોડા દિવસોમાં લાખોની સંખ્યામાં મારી નાખવામાં આવે, કરોડો લોકો હિજરત કરી જાય, બળાત્કારો થાય, સેંકડો બચ્ચાંઓ અનાથ બની જાય, પોતાની નજર સામે બાળકો માતા-પિતાને અને માતા-પિતાઓ બાળકોને તરફડીને મરતાં જુએ, સગાં-સંબંધીઓ એકબીજાથી જૂદાં પડી જાય અને છતાં દુનિયામાં તેની લેવાવી જોઈએ તેવી નોંધ ન લેવાય. જાણે કે દુનિયાને તે બાબતની કોઇ પરવા જ નથી.
બીજી તરફ યુક્રેન, રશિયા, ઇઝરાયલ, ઇરાન કે ગાઝામાં થોડા માણસો મરે તો જગતના મિડિયામાં તેની વિસ્તૃત ચર્ચાઓ અને પૃથ્થકરણો થાય, અગ્રલેખો લખાય. દુનિયા સંપત્તિ અને સત્તાને માન આપે છે. માનવ અધિકારો, વૈશ્વિક શાંતિ જેવી ઊંચી ઊંચી વાતો પછી આવે છે.
અહીં આપણે ભારતથી ખાસ દૂર નહીં એવા આફ્રિકાના સુદાન દેશની વાત કરી રહ્યા છીએ. સુદાનમાં છેલ્લાં બે વર્ષથી સિવિલ વોર ફાટી નિકળી છે. એક તરફ સુદાનનું લશ્કર (આર્મી) છે અને બીજી તરફ UAE જેવા આરબ દેશોની મદદ વડે લડતી રેપીડ સપોર્ટ ફોર્સીઝ (RSF) નામની પેરામિલિટરી ફોર્સ છે. RSFનાં દળોએ ગયા મહિને સુદાનના અલ ફાશીર શહેરને કબજામાં લીધું ત્યારબાદ ત્યાં લાખો લોકોનો સામુહિક સંહાર કરાયો છે અને હજી એ પ્રવૃત્તિ ચાલુ જ છે. બીજા લાખો લોકોનાં અપહરણ કરાયા છે. ઠેક ઠેકાણે માસૂમ કન્યાઓ પર બળાત્કારો થયા છે. કેટલાક તો કન્યાનાં મા-બાપ, ભાઈ ભાડુંઓની નજર સામે થયા.
લાખો લોકોએ ભાગીને સુદાનના ડારફૂર પ્રદેશના ટેવિલા શહેરમાં આશરો લીધો છે. સેંકડો અનાથ અને નધણિયાતાં બાળકો ત્યાં પહોંચ્યાં છે. કેટલાંક રઝળી પડેલાં નવજાત કે અમુક મહિના કે વર્ષ-બે વર્ષની ઊંમરના શિશુઓ છે જેમને અન્ય હિજરતી લોકોએ ટેવિલા નગરમાં પહોંચાડ્યા છે. હિજરત દરમિયાન ઘણા વિખૂટાં પડી ગયાં છે.
સુદાનમાં એક ઐતિહાસિક માનવીય કટોકટી સર્જાઈ છે. વર્ષ 1994માં આફ્રિકાના રવાન્ડામાં હુતુ લડાયકો અને તુત્સી જાતિ વચ્ચે લગભગ સો દિવસ ઘર્ષણ ચાલ્યું હતું. જેમાં તુત્સી જાતિના પાંચથી દસ લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. એ પ્રસંગ પણ એટલો લોકજીભે નથી ચડ્યો જેટલો મોસાદના એક કારનામાની ખબર ચડે છે. કીડા-મંકોડાની માફક મરતાં કંગાળ લોકો વિષે જાણવાની લોકોને મજા આવતી નથી, કારણ કે તેમાં ગ્લેમર ભળેલું હોતું નથી. દુનિયાના શક્તિશાળી દેશો આ નરસંહાર અટકાવવા માટે તત્કાળ કોઇ પગલાં ભરતાં નથી. માત્ર સંયુક્ત રાષ્ટ્રસંઘ અને બીજા દેશો દ્વારા ઘટનાની કડક નિંદા થાય છે અને વાત ત્યાં જ અટકી જાય છે. રવાન્ડા બાદની બીજી મોટી ઐતિહાસિક નરસંહારની ઘટનાઓ સુદાનમાં ઘટી છે અને ઘટી રહી છે.
આ નરસંહારમાં ગયા 2024ના વર્ષમાં દોઢ લાખ નાગરિકોને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સામુહિક સંહારની ગતિ વધી છે. સુદાનના પશ્ચિમ ડારફુર પ્રદેશ પર કબજો જમાવવાની લશ્કરી ઝુંબેશમાં RSFનાં દળોએ અલ ફાશીર શહેર પર છેલ્લાં દોઢ વર્ષથી કબજો જમાવ્યો છે. શહેરની બાકીની દુનિયાથી અલગ પાડી દીધું છે. કોઇ તેમાંથી બહાર જઇ ન શકે અને RSFના સૈનિકો સિવાય બીજા કોઇ તેમાં પ્રવેશી ન શકે. શહેરમાં ખાવાના ખોરાકના ફાફા પડે છે. ગયા ઓક્ટોબર સુધી અલ ફાશીર શહેરના અમુક વિસ્તારો પર સુદાનીઝ આર્મીનો પણ કબજો હતો, પણ હારીને આર્મીએ કબજો છોડ્યો અને બીજે જતી રહી પછી શહેર પર આફતના ઓળા ઊતરી આવ્યા છે. અમુક ભાગવામાં સફળ થયાં. અમુક ભાગવા ગયાં તેઓએ જાન ગુમાવ્યા, બળાત્કારો ભોગવ્યા. આગળ લખી તે આફતો સહન કરવી પડી. પીડાઓનો કોઇ પાર ન રહ્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક અંદાજિત ગણતરી પ્રમાણે આજે પણ અલ ફાશીર શહેરમાં સાડા સાત લાખ જેટલાં નિર્દોષ અને નિશસ્ત્ર લોકો ફસાયેલા છે. એ સિવાય આજુબાજુનાં ગામડાંઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ફસાયેલાં છે.
હમણાં ‘ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઈગ્રેશન’ દ્વારા આંકડા જાહેર કરાયા તે મુજબ 90 હજાર લોકો RSFની પકડમાંથી ભાગી છૂટવામાં સફળ થયા છે. અલ ફાશીર શહેર સાથેનો સંપર્ક વ્યવહાર તૂટી ગયો છે. આથી શહેરમાં રહી ગયેલા અને શહેરમાં જ માર્યા ગયેલા નાગરિકોની બાબતમાં કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.
RSFના ફાઈટરોએ પોતે જે અમાનૂષી અત્યાચારો ગુજાર્યા તેની વિડિયો પોસ્ટ કરી છે. ઉપરાંત જેઓ બચી ગયાં છે તેઓ નરસંહાર અને પાશવી અત્યાચારોની ઘટનાઓ બયાન કરે છે. અમેરિકાની હ્યુમેનિટેરિયન રિસર્ચ લેબ તેમજ યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા ઉપગ્રહો દ્વારા ખેંચવામાં આપેલી તસવીરો અને વિડિયોનું એનાલિસિસ કરીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. માનવ દેહોનો સળગાવીને તેમ જ દાટી નિકાલ કરવામાં આવતો હોય તેની ઇમેજો મેળવવામાં આવી છે. સામુહિક કબરો ખોદવા સમયે ધરતીમાં કંપનો સર્જાય તે નોંધવામાં આવ્યાં છે. આ બધાનો ફુલ સરવાળો કહે છે કે સ્થિતિ ખૂબ ભિષણ બની હતી અને છે અને તેમાં ય છેલ્લાં બે સપ્તાહ દરમિયાન સૌથી ગમખ્વાર વિભિષિકાઓ સર્જવામાં આવી હતી. 2023માં આંતરિક યુદ્ધ શરૂ થયું તેમાં જે હિંસાચાર થયો તેના કરતા પણ વધુ કાળજાળ હિંસાઓ માત્રઆ પંદર દિવસમાં આચરવામાં આવી છે.


કેટલાંક નાનાં બાળકો અને કિશોર-કિશોરીઓ અલ ફાશીરથી માર્ગ પર ભૂખ્યા પેટે ચાલતાં અને દોડતાં સાઠ કિલોમીટર દૂર આવેલા ટેવિલા નગર સુધી પહોંચ્યા હતાં. મોટી ઉંમરનાં ભાઈ-બહેનો નાની ઉંમરનાં ભાઈ-બહેનોને સંભાળીને, રક્ષણ આપીને ટેવિલા સુધી લઇ આવ્યાં હતાં. મોટાં ભાગનાં એમના મા-બાપથી અને સ્વજનોથી વિખૂટા પડી ગયાં હતા. તેઓની શરણાગતિ અથવા આશ્રય તરીકે હવે માત્ર ટેવિલા શહેર જ બચ્યું છે.
હાલમાં ડારફૂટ પ્રદેશમાં જે સામુહિક કત્લેઆમ ચાલી રહ્યો છે એવી ધૃણાસ્પદ સ્થિતિ દુનિયામાં બીજે ક્યાંય ચાલી રહી નથી. જે બચી ગયાં છે અને નિરાધાર બની ગયાં છે. એ સેકંડો બાળકોનું રક્ષણ કેવી રીતે કરવું, એમનો નિર્વાહ કેવી રીતે કરવો તે એક મોટો કોયડો અહીં કામ કરતી રાહત સંસ્થાઓ માટે બની ગયો છે. અળગા પડી ગયેલાં સ્વજનોને ખોદી કાઢીને ફરીથી એક કરવા તે પ્રવૃતિ પણ ભગીરથ બની રહેવાની છે.
ટેવિલા ખાતે એક ભૂખથી દુર્બળ અને અનેક કિલોમીટર ચાલીને થાકી ગયેલી એક સ્ત્રી આવી પહોંચી છે. એ એની મરી ગયેલી બહેનપણીનું કુમળું બાળક સાથે ઉઠાવીને લાવી છે. એ પણ ત્યારે જ્યારે એ સ્ત્રીનો એક પગ મારને કારણે ભાંગી ગયો છે. ‘હોપ સુદાન નામની એક સેવાભાવી સંસ્થાનું કહેવું છે કે બારસોથી વધુ નિરાધાર બાળકો અને તરૂણો ટેવિલામાં આવી પહોંચ્યા છે. મોટા ભાગના (પચાસ ટકાથી વધુ) અઢાર વરસથી નીચેનાં છે. અન્ય કોઇ જગ્યાએ પહોંચી ગયેલાં કે અરણ્યામાં રઝળી પડેલાં બાળકો અલગ.
ગયા એપ્રિલમાં RSFના ઝમઝમ ખાતેની નિરાશ્રિત છાવણીનો કબજો લીધો ત્યારે પણ આવી સ્થિતિ સર્જાઇ હતી. ધ નેશનલ સોસાયટી ફોર ચાઇલ્ડ પ્રોટેકશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ટેવિલામાં એક હજારથી વધુ સંતાનો એવા આવ્યાં છે કે જેમના માતાપિતાઓનો કોઇ પત્તો નથી. એ તેઓની સાથે સંપર્ક સાધી શકાતો નથી. હુમલાખોર દળોએ એમનાં મોબાઇલ ફોન છીનવી લીધા છે. કેટલાંક તો ત્રણ મહિનાની નાની ઉંમરના છે. જેમનું કોઇ જ સગું નથી. કેટલાંકને ટેવિલામાં પાલક મા-બાપ પાસે રાખવામાં આવ્યાં છે. યુદ્ધમાં માણસના સંસ્કાર અને સ્વભાવની સાચી ઓળખ થાય છે. બાળકો અત્યંત ડરી ગયાં છે. શું શું થયું તે ઘણાને યાદ પણ રહ્યું નથી.
કેટલીક સ્ત્રીઓ, માતાઓ, બહેનો, નાનાં બાળકોને, નાના ભાઇ-બહેનો પીઠ પાછળ બાંધીને ટેવિલા પહોંચી છે. મોટાભાગના લડાકુઓથી બચવા માટે રાત્રે ચાલતાં હતાં તેમાં દુ:ખભર્યા મન સાથે અંધારામાં એ સુધ-બુધ ન રહી કે કયું સ્વજન કંઇ જગ્યાએ ચાલી રહ્યું છે? કયાં પહોંચવું છે. લડાકુઓ હોવાની શંકા થતી ત્યારે હિજરતીઓ આસપાસના ઝાડી ઝાંખરામાં છૂપાઇ જતાં હતા. ગરમી પણ અસહાય હતી. એક યુવતીએ એના નાના ભાઇને તેડી રાખ્યો હતો. જે સતત રડતો હતો. યુવતીએ અને બે વખત પાણી પીવડાવ્યું, ખવડાવવા માટે કશું હતું જ નહી. આખરે ત્રીજી વખત એ બાળકે બહેનની પીઠ પર માથું ઢાળી દીધું. એનો પ્રાણ ઉડી ગયો હતો. રસ્તા પર ઠેકઠેકાણે મૃતદેહો પડ્યા હતા. અનેક ગંભીર ઇજાઓ થઇ હતી. હાથ-પગ કપાઇ ગયા હતા. દરેક જગ્યાએ મરણ છવાઇ ગયું હતું. આવી સેંકડો કહાનાનીઓ સર્જાઇ છે. માનવીની સત્તા પ્રાપ્ત કરવાની અમાપ ભૂખ કેવી કરપીણ નિવડે છે, તેનું ઉદાહરણ સુદાન છે. સુદાનીઝ આર્મ્ડ ફોર્સીઝ (SAF) ના વડા જનરલ અબ્દુલ ફતહ અલ બુરહાન એ સુદાનના અર્ધ લશ્કરી દળ રેપીડ સર્પોટ ફોર્સિઝ (RSF) ના વડા જનરલ હમદાન ડાગાલો વચ્ચે સુદાનની સત્તા પચાવી પાડવાનો જંગ 2023 થી શરૂ થયો છે. સુદાન અરબી સમુદ્રના પૂર્વના કાંઠે એ ભારતથી પશ્ચિમમાં (સામને કાંઠે) આવેલો દેશ છે. સુદાન અને સાઉદી અરેબિયા ઉપરાંત ખાડીના દેશો વચ્ચે રાતો સમુદ્ર આવેલો છે.
સુએઝ કેનાલ સાથે જોડાયેલો રાતો સમુદ્ર દુનિયામાં દરિયાઇ વેપાર માટેનો મહત્તવનો એક રૂટ છે. દુનિયાનો લગભગ 11 ટકા સામનની આ માર્ગેથી પસાર થાય છે. સુદાનની સામે બાજુએ આવેલા આરબ દેશોના બંદરોથી પ્રવૃત્તિઓ ચાલુ અને સંરક્ષિત રહે તે માટે આરબ દેશો તેમાં પણ અમીરાત દ્વારા RS એપને શસ્ત્રોની તેમજ નાણાની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હવે દુનિયાના અમેરિકા સહિતાના વજનદાર દેશોમાં અવાજ ઊઠ્યો છે કે આરબ દેશો RSFને મદદ આપવાનું બંધ કરશે તો જ આ માનવસંહાર અટકાશે. સુદાનના મુસ્લિમો અંદરોઅંદર લડી રહ્યા છે. અમુક એવા કિસ્સા ઘટ્યા છે જેમાં સંહારે ચડેલા RSFના સૈનિકોએ ઈજા પામેલા અને ભાગી રહેલાં બાળકોને પોતાનાં વાહનમાં લિફ્ટ આપીને બીજા નગર સુધી પહોંચાડ્યા છે. પણ આવી ઘટનાઓ યુધ્ધમાં એકલ દોકલ ઘટતી હોય છે. સુદાનમાં કુલ સવા કરોડ લોકો નિરાશિત બની ગયાં છે. અમેરિકાની અમુક વગદાર સંસ્થાઓ યુએઈ સામે પગલાં લેવાની હિમાયત કરી રહી છે. અમેરિકન સરકારના વિદેશ મંત્રી માર્કો રૂબીઓ આરબ દેશોની ટીકા કરી રહ્યા છે, પણ તેનાથી વિશેષ કંઈ કરી રહ્યા નથી. -વિન્સી મરચન્ટ

Most Popular

To Top