National

માનવતા નેવે મૂકાઈ : ગાંધીનગરની ખાનગી હોસ્પિટલે બાકી બિલના કારણે વૃદ્ધાનો મૃતદેહ રઝળાવ્યો

GANDHINAGAR : ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકીને એક કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) વૃદ્ધાનો મૃતદેહ બિલ બાકી હોવાથી પરિવારને સોંપવામાં આવ્યો ન હતો. છેવટે પરિવાર દ્વારા બાકી બિલના 2.70 લાખ ચૂંકવવાની ખાતરી આપવામાં આવતા હોસ્પિટલ દ્વારા વૃદ્ધાનો મૃતદેહ પરિવારનો સોંપવામાં આવ્યો હતો.સેકટર 14માં રહેતા દાંતણીયા પરિવારના તમામ છ સભ્યો કોરોનામાં સપડાયા હતા. જેમાં 55 વર્ષીય વૃદ્ધાને આશ્કા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ દ્વારા બેડના ચાર્જ પેટે 22,000 અને ડોકટરની વિઝિટના 91,000 સાથે કુલ 4 લાખનું બિલ વસૂલ કરાયું હતું. તે પછી વૃદ્ધાની તબિયત વધુ લથડી હતી. અચાનક ગઈકાલે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો તે પેશન્ટ વૃદ્ધાનું મૃત્યુ થયું છે. લાશ લઈ જાવ અને બિલના બાકીના 2.70 લાખ લેતા આવજો.પરિવારના બધાં જ સભ્યો કોરોનામાં સપડાયેલા હોવાથી બિલના નાણાં ચૂકવી નહીં શકવાના કારણે હોસ્પિટલ સત્તાવાળાઓએ મોતનો મલાજો પણ નહીં જાળવીને વૃદ્ધાની લાશ આખી રાત રઝળાવી હતી. પરિવારજનો દ્વારા બિલ ચૂકવવાની ખાતરી આપવામાં આવતા તે પછી જ વૃદ્ધાની લાશ સોંપવામાં આવી હતી. હોસ્પિટલના પ્રવકત્તાએ કહયું હતું કે હોસ્પિટલના બિલનું પેમેન્ટ બાકી હોવાથી અમે લાશ આપી નહોતી. લાશ આપી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં કોરોનાએ માથુ ઉચકયુ હોય તેમ છેલ્લા 24 કલાકમા કોરોના પોઝીટીવ હોય તેવા 41 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જયારે ગાંધીનગરમાં મનપા વિસ્તારમાં 71 અને 39 કેસો ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. ગાંધીનગરમાં આવેલા બે જુદા જુદા સ્મશાન ગૃહો જેવા સેકટર 30 અને સરગાસણમાં રૂદ્ર ભૂમિ સ્મશાનગૃહ ખાતે અંતિમ વિધિ માટે વેઈટીંગ ચાલતુ હતું.આજે કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દીઓમાં 45 વર્ષથી વધુ ઉમરના દર્દીઓનો સમાવેશ થાય છે.

જો કે આરોગ્ય વિભાગ દ્વ્રારા આજે સત્તાવાર રીતે જે માહિતી મીડિયાને આપવામા આવી છે , તેમાં ગાંધીનગર જિ.માં માત્ર 1 દર્દીનું મૃત્યુ દર્શાવવામા આવ્યુ છે.રાજયમાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓનું મૃત્યુ થયુ છે. સરકારી ચોપડે ગાંધીનગરમાં મૃત્યુ પામેલા 41 દર્દીઓનો કોઈ ઉલ્લેખ નથી, કદાચ મૃત્યુના આઁકડાઓ છુપાવવામાં આવી રહયા છે.

Most Popular

To Top