Columns

કોરોનાએ આપણને માણસ બનાવ્યા હતા, હવે પાછા આપણે રાક્ષસ થઈ રહ્યા છીએ

બે વર્ષ પહેલાંનો વિચાર કરો. આપણે બધા જ કેવી સ્થિતિમાં હતા, કોરાનાનો જયારે બીજો તબક્કો હતો, ત્યારે મંદિરો -મસ્જીદ અને ચર્ચ બંધ હતાં અને હોસ્પિટલોમાં પગ મૂકવાની જગ્યા ન્હોતી. કુદરતે આપણને એવી આફત તરફ ધકેલ્યા હતા, જેમાં એક એક માણસ પોતાના શ્વાસ માટે તડપી રહ્યો હતો, ત્યારે આપણા મનમાં પોતાના અને પોતાના સ્વજનના શ્વાસ સિવાય કોઈ બાબતની ચિંતા ન્હોતી. આપણી સારવાર કરનાર ડૉકટર કોણ છે, આપણને હોસ્પિટલ લઈ જનાર ડ્રાઈવર કોણ છે, આપણા શ્વાસને બળ આપનાર નર્સ કોણ છે, હોસ્પિટલ સુધી જમવાનું આપનાર કોણ છે અને જેમણે દુનિયા છોડી તેમને અગ્નિસંસ્કાર આપનાર અને દફનાવનાર કોણ છે, આવી કોઈ જ બાબતની ત્યારે આપણે તપાસ કરી નહીં. અહિંયા માણસ માણસનો થઈ ગયો હતો. આપણને કુદરતે બહુ સહજ રીતે સમજાવી દીધું હતું કે તારું માણસમાં હોવું જ પૂરતુ છે, પણ સમય આગળ વધ્યો અને આપણે જે કંઈ માણસ થવાનું શીખ્યા હતા તે બધું પાછળ છોડી આગળ નીકળી આવ્યા.

હમણાં મારે ગુજરાતના સિનિયર અધિકારી સાથે કંઈક વાત નીકળી. તેમણે મને કહ્યું, દેશમાં ઘણો બદલાવ આવ્યો છે. મેં પૂછયું, જેમ કે તેમણે મને તરત જવાબ આપ્યો, રામ મંદિર બની ગયું તે તો મોટી સિધ્ધિ છે. મેં એક ક્ષણ વિચાર કરી કહ્યું, રામ મંદિર બન્યું તે સારી બાબત છે. મારા ઘરમાં પણ એક ઘર મંદિર છે, તેમાં રામ પણ છે, હનુમાન છે, તેમાં શિવજી છે અને ગણપતિ પણ છે. તમારા ઘરે પણ આવું કોઈ મંદિર હશે ને. તેમણે કહ્યું, ચોક્કસ મારા ઘરમાં મંદિર છે અને માતાજીનું સ્થાપન કર્યું છે. મેં કહ્યું, હું મારા ઘરના મંદિરમાં, તમે તમારા ઘરના મંદિરમાં પેઢીઓથી પૂજા કરીએ છીએ, પણ તમે તમારી પૂજા અને મેં મારી ભકિતને કયારેય બીજા સાથે ચર્ચા કરી, તેમણે કહ્યું, ના. મેં કહ્યું, બસ, આપણો ઈશ્વરમાં અને અન્ય કોઈનો તેના ઈશ્વરમાં વિશ્વાસ હોવો તે શ્વાસ લેવા જેટલી વ્યકિતગત બાબત છે. મારો શ્વાસ મારે જ લેવો પડે. હું તમારા વતી શ્વાસ લઈ શકું નહીં અને તમે મારા માટે શ્વાસ લઈ શકો નહીં. જે લોકો ઈશ્વરમાં નથી માનતા, તેમની પણ તે એટલી જ વ્યકિતગત બાબત છે.

હું સોમનાથ મંદિર પણ જાઉં છું અને અંબાજી પણ જાઉં છું. મેં દ્વારકાધીશનાં પણ દર્શન કર્યાં છે, શીરડીના સાંઈબાબાને પણ મળ્યો છું, મને સોમનાથ અને અંબાજીમાં શ્રધ્ધા છે, પણ હું જયારે પણ આ વિશાળ યાત્રાધામના દર્શને જાઉં છું ત્યારે મને વિચાર આવે છે, જે શિવ શરીર ઉપર ભભૂતિ લગાવી, સ્માશાનમાં ભૂતો સાથે રહે છે, જે અલગારી અને ફકીર મારો શિવ છે, તેવા મારા શિવના મંદિરના ગુંબજને સોનાના પતરાથી શું કામ મઢવામાં આવતું હશે, જે સાક્ષાત્ દેવી છે તેવી મારી જગદંબાનું મંદિર પણ સોનાથી મઢાયું છે પણ તેની આસપાસ વસતા મારા આદિવાસી ભાઈ બહેનો કેમ દારુણ સ્થિતિમાં જીવે છે, પાણી માટે પહાડો પસાર કરી દૂર દૂરના વિસ્તારમાં જાય છે, શિરડીના સાંઈબાબા તો આખી જિંદગી તેની ફકીરીને કારણે ઓળખાયો તે બાબાના મંદિરમાં આજે સોનાના ઢગલા થાય છે પણ તે જ મહારાષ્ટ્રના લોકો શિક્ષણ અને રોજગારથી વંચિત કેમ છે? આપણને કોઈએ ધર્મને આ રીતે જોવાનું શીખવ્યું જ નથી, જેના કારણે સદાવ્રત ચલાવી સંતોષ માની લઈએ છીએ, પણ કોઈ એક માણસ અથવા એક પરિવાર સ્વમાનભેર જીવી શકે તેવી કોઈ કાયમી વ્યવસ્થાનો આપણને વિચાર આવતો જ નથી.

ગાંધીજી કહેતા કે મને એક દિવસનો વડા પ્રધાન બનાવો તો સૌથી પહેલું કામ હું દેશનાં તમામ સદાવ્રતો બંધ કરવાનું કરું, કારણ જે કામ કરતો નથી તેને જમવાનો અધિકાર નથી તેવું હું માનું છું, પણ આપણે સૌથી ટૂંકો રસ્તો શોધી કાઢી આપણે ધાર્મિક હોવાનું કર્તવ્ય પૂરું કરીએ છીએ, ધર્મનો અર્થ તો બીજાને જીવાડવાનો પ્રયાસ છે, પણ તે દિશામાં આપણે નક્કી કંઈ કરતા નથી, દેશનાં જેટલાં મોટાં મંદિરો છે તેની સામે કોઈ વાંધો નથી, પણ મંદિર-ચર્ચ-મસ્જીદ અને ગુરુદ્વારાની જવાબદારી કંઈક વિશેષ છે. આપણે ત્યાં ધાર્મિક સંસ્થાઓ પાસે જે સંપત્તિ છે તેમાંથી તો કરોડો લોકોનું ભલું કરી શકે તેમ છે. સોમનાથમાં એક સોમનાથ યુનિવર્સિટી, સોમનાથ સિવિલ હોસ્પિટલ, સોમનાથ મેડીકલ કોલેજ સહિત અનેક બાબતો થઈ શકે તેમ છે. આ તો એક ઉદાહરણ છે. આવી દેશના અનેક જિલ્લા અને રાજયોમાં થઈ શકે તેમ છે. આ પ્રમાણે આપણે કરીશું, આપણો ધર્મ આપણને જીવાડશે.

કોણ માણસ શું ખાય છે, કોણ માણસ શું પહેરે છે, કોણ કઈ દિશામાં ચહેરો રાખી પ્રાર્થના અને બંદગી કરે છે, આ અત્યંત વ્યકિતગત બાબત છે, પણ આપણને આવી ક્ષુલ્લક બાબતોને લઈ રસ્તા ઉપર આવી જવાની મઝા આવે છે અને આપણે પાછો તેને આપણો ધર્મ કહીએ છીએ, ધર્મ વહેતી નદી છે, ધર્મ અફાટ દરિયો છે, ધર્મ ખુલ્લું આકાશ છે, તે કોઈની જાગીર નથી. તેનો કોઈ ઠેકેદાર નથી. જેમ ચોમાસામાં મેલેરિયા થાય અને ઉનાળામાં લૂ લાગે તેમ ચૂંટણી આવે ત્યારે આ પ્રકારનો પ્રચાર થશે તેવી સાદી સમજ સમજી લેવાની જરૂર છે. કોરોનાથી બચવા આપણે જેમ વેકસીન લીધી તેમ ધર્મની એન્ટીમાઈન્ડ વેકસીન પણ આપણે જાતે જ લેવી પડશે. પછી કોઈ હિંમતનગર-કોઈ ખંભાત અને કોઈ દિલ્હીમાં દંગાઓ થશે નહીં કારણ લોહીનો રંગ સરખો છે તેમ ભૂખને પણ કોઈ ધર્મ નથી.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top