આપણે થોડા સમયથી રોજ છાપામાં હત્યાના સમાચાર વાંચીએ છીએ. રોજ એક બે હત્યાના બનાવો બને છે. આ વાંચીને આપણને થાય છે કે આ માનવને શું થયું છે? તે હત્યારો કેમ બની ગયો છે? પુરાની વાર્તાઓની જેમ તે દાનવ કે માનવ રાક્ષસ તો નથી ને? હત્યાના બનાવની હકીકત વાંચતાં તો એવું લાગતું હોય છે કે આ કોઈ ગંભીર વાત નથી કે કોઈની હત્યા કરવી પડે. પ્રોબ્લેમ તો રહેવાના જ, અંગ્રેજીમા કહેવત છે “There is a problem there is a way” હત્યા કરવી તે કોઈ ઉકેલ નથી. હત્યાના કેસમાં મિત્રે જ મિત્રની, પુત્ર જ માતા કે પિતાની, પ્રેમી જ પ્રેમીની, પતિ જ પત્ની ની, સાળો જ બનેવીની હત્યા કરતા હોય છે. હત્યા પામનાર અને હત્યા કરનાર એકબીજાના સ્નેહી છે તો આપણે આપણાની હત્યા કેવી રીતે કરી શકીએ? અને હત્યા પછીનાં પરિણામ તો તમને ખબર જ છે. હાલમાં તો કાયદા-કાનૂન અને સજા ખૂબ કડક છે.
એક વ્યક્તિ મરશે અને બીજો જેલમાં જશે. બંનેનો પરિવાર નિરાધાર બનશે અને બંને પરિવારને સમાજની બદનામી મળશે તો પછી શા માટે હત્યા કરવી? આવા હત્યારા સમાજમાં ઉદભવે છે તો સમાજે પણ આ માટે કંઇક વિચારવું જોઈએ ને સમાજની પણ ફરજ છે. માનસશાસ્ત્રીઓનું માનવું છે કે જે વ્યક્તિ વધુ પડતી જીદ્દી, ક્રોધી, અસ્થિર અને ચંચળ મનવાળી, ખૂબ આવેશવાળી, ઈર્ષાળુ, વેરભાવનાવાળી, અભિમાની અને અહમ્ કે ઈગોથી પીડાતી હોય છે તે આવું કામ કરી શકે છે તો સમાજમાં પ્રથમ તો દરેક માતા-પિતા પોતાનાં બાળકોને સારા સંસ્કાર સાથે સામાજિક જીવનનું જ્ઞાન આપવું જોઈએ. બીજું તો શિક્ષણ, શિક્ષણ સમાજ ને સુધારી શકે છે. પાઠ્યપુસ્તકોમાં એવા પાઠ હોવા જોઈએ, જે બાળકોને સારા નાગરિક બનાવે. જ્ઞાનની સાથે માનવને માત્ર માનવ જ બનાવે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. ત્રીજું શિક્ષક, ગુરુ તો શિષ્યનો ભગવાન છે. શિક્ષકે જ્ઞાન તો આપવાનું જ છે. પણ સાથે-સાથે નૈતિકતા અને જીવન જીવવાની શૈલી પણ શીખવવી જોઈએ. તો જ સમાજમાં પરિવર્તન આવશે. માનવ માનવી બનશે અને હત્યાઓ અટકશે. – નીરુબેન બી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.