Entertainment

હુમા ‘મહારાની’ તરીકે જામી

મહારાની તરીકે હુમા કુરેશી મહિલા રાજનેતાનો પાઠ ભજવી રહી છે અને તે એવો છે કે કયાં બિહારના વિધાનસભા ઇલેકશનમાં કે પછી લોકસભામાં તે ખરેખર તેની અભિનયમુદ્રા સાથે ચુંટણી લડી શકે. આજકાલ રાજકીય પક્ષો પાસે પોતાના નેતાઓનો અભાવ છે એટલે જાણીતા ચહેરા શોધે છે. હુમા કુરેશી તો મુસ્લિમ પણ છે એટલે ભાજપ સિવાયના પક્ષોને ચાલી શકે. સુભાષ કપૂર કે જે ‘ફસ ગયે રે ઓબામા’, ‘જોલી એલએલબી’ ‘ગુડ્ડુ રંગીલા’ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુકયા છે અને અત્યારે ‘જોલી એલએલબી-3’ અને ‘મોગલ’ ફિલ્મ બનાવી રહ્યા છે તેમણે ‘મહારાની’ બનાવી છે.

૨૫ ઓગસ્ટથી ‘મહારાની’ની બીજી સીઝન શરૂ થઇ છે. જેમાં ભીમા ભારતી (સોહમ શાહ) જેલમાંથી બહાર આવે છે અને ફરી પોતાનું પદ મેળવવા માંગે છે પણ ત્યાં તેમની પત્ની બેઠેલી છે. હુમા કુરેશી વડે લાલુ-રબડીની કહાણી પુરી નાટકીય રીતે ઓ વેબ સિરીઝમાં આવી રહી છે. વેબ સિરીઝને હવે ફિલ્મોના સ્ટાર્સનો ખપ છે કારણ કે તે વિના તો લોકો તરત સિરીઝ જોવી પસંદ નહીં કરે. હુમા કુરેશી ‘ઉપનિષદ ગંગા’, ‘લીલા’ અને ‘મિથ્યા’ નામની વેબસિરીઝને કારણે પોતાનો પ્રેક્ષક ઊભો કરી શકી છે. તેણે ‘ફીટ ફેબ ફીસ્ટ’ જેવો શો પણ હોસ્ટ કર્યો છે એટલે તેને ‘મહારાજા’ને રાની તરીકે મઝા આવી રહી છે.

છેલ્લે ‘ગુંગુબાઇ કાઠિયાવાડી’ ના એક ગીતમાં દેખાયેલી હુમા પાસે જોકે ચારેક ફિલ્મો છે અને તેમાં ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ ઉપરાંત તરલા દલાલ તરીકે જેમાં દેખાશે તે ‘તરલા’ અને ‘પૂજા મેરી જાન’, ‘ડબલ એકસેલ’ ફિલ્મો છે. એમ કહેવું જોઇએ કે વેબ સિરીઝ પછી ફિલ્મોમાં તે વધારે માનપૂર્વક સ્વીકારાય રહી છે.  જોકે તે વેબસિરીઝ પહેલાં પણ પોતાનો રસ્તો તો કરી જ ચુકી હતી. હિન્દી ફિલ્મોમાં કામ ઓછું થયું તો મરાઠી, મલયાલમ, તમિલ, ઇંગ્લિશ, અમેરિકન ફિલ્મોમાં કામ કરી લીધું. ‘મહારાની’ વિશે તે કહે છે કે આ વેબ સિરીઝે મને ફિલ્મોમાં કેન્દ્રિય ભૂમિકા ભજવવાનો આત્મવિશ્વાસ આપ્યો. તેને હવે હેડલાઇન મળતી થઇ છે. તે કહે છે કે ‘મહારાની’ની સફળતાને કારણે મને ઓટીટી પર ઘણું કરવાની ઓફર મળી રહી છે.

અને તેના માટે આ મોટો ફરક છે. ‘મહારાની’ એક સ્ત્રીને જ કેન્દ્રમાં રાખે છે તો ‘તરલા’ના કેન્દ્રમાં પણ સ્ત્રી જ છે. બંનેમાં એક સામાન્ય સ્ત્રીના અસામાન્ય બનવાની વાત છે. તે કહે છે કે ‘મહારાની’ની બીજી સીઝન શરૂ થઇ છે અને ત્યાર પછી ત્રીજી, ચોથી, પાંચમી સીઝન પણ આવી શકે છે. ‘મહારાની’ ટેસ્ટ શ્રેણી છે. ટી-૨૦ નથી.  સોની લિવ પર આવી રહેલી આ વેબસિરીઝ જાણે હુમાના પરિવર્તન અને પ્રતિષ્ઠાની કહાણી પણ કહે છે. તેણે આ પહેલાં આવી ભૂમિકા ભજવી નહોતી. હુમા જાણે તેના નવા તબકકામાં પ્રવેશી ચુકી છે. મૂળ સિરીઝ રબડી દેવીના પાત્રના આધારે લખાયેલી પણ હવે તેનાથી અલગ રીતે હુમાનું પાત્ર વિકસી ચુકયું છે.

Most Popular

To Top