જે અભિનેત્રીઓ શાણી છે, વ્યવહારુ છે તે સિનેમાની ટોપ સ્ટાર થવાની જીદ નથી કરતી. તેઓ મળે તેટલા કામ મેળવી લે અને સાથે સાથે જ બીજા વિકલ્પો શોધી લે. હુમા કુરેશી બસ એવી જ છે. તેને ફિલ્મોમાં કામ તો હજુ ય મળે છે પણ તે ટી.વી. શો અને વેબ સિરીઝ તરફ સમજીને જ વળી ગઇ છે. રબડી દેવી બિહારની મુખ્યમંત્રી બની ગયેલી તેમાં તેની નહીં તેના પતિ લાલુ પ્રસાદની રાજકીય તાકાત અને આપણા બંધારણની મર્યાદા હતી. એ રબડી દેવીનો આધાર લઇ ‘મહારાની’ વેબસિરીઝ બની જેમાં હુમાની રાની ભારતી તરીકેની મુખ્ય ભૂમિકા બહુ જ ચર્ચાસ્પદ બની. હવે તો તેની બીજી સીઝન પણ આ ૨૫ ઓગસ્ટથી સોની લિવ પરથી સ્ટ્રીમ થવા માંડશે. હુમા કહે છે કે આ વખતે તમે આ સીઝનમાં નવા બિહારને જોશો. હુમા હવે આ વેબસિરીઝ માટે ખાસ બની ચુકી છે. જોકે ત્યાર પછી ‘મી ફાઇવ’ માટે તેણે ‘મિથ્યા’ વેબ સિરીઝ પણ કરી જેમાં તે જુહી અધિકારી નામની હિન્દીની પ્રોફેસર છે.
હુમા કુરેશી હિન્દી ફિલ્મોમાં ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’, ‘લવ શવ તે ચીકન ખુરાના’, ‘ડીડેઝ’, ‘બદલાપૂર’, ‘હાઇવે’, ‘જોલી એલએલબી-2’, ‘બેલબોટમ’થી જાણીતી જરૂર થઇપણ તેને અપેક્ષિત સ્થાન મળ્યું. તે મરાઠી, મલયાલમ, તમિલ, અમેરિકન ફિલ્મોમાં પણ કામ મળે તો સ્વીકારતી થઇ. હમણાં ‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં તો તે આઇટમ સોંગ પૂરતી આવી હતી. ખેર, એવું બનતું રહેછે. પણ હવે તે ફરી ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ માં રાજકુમાર રાવ, રાધિકા આપ્ટે, ‘તરલા’માં તરલા દલાલ તરીકે, અને ‘પૂજા મેરી જાન’, ‘ફ્રિડમ’, ‘ડબલ એકસએલ’ માં દેખાશે. હવે ફિલ્મોનીસમાંતર તે વેબસિરીઝ માટે તૈયાર રહે છે. ૩૬ વર્ષની થઇ ચુકેલી હુમા હજુ પરણી નથી. મુદસ્સર અઝીઝ સાથે તેના સંબંધ હોવાનું તે સ્વીકારી ચુકી છે પણ લગ્ન સુધી વાત નથી વધી. મુદસ્સર અઝીઝ ‘પતિ પત્ની ઔર વો’ના દિગ્દર્શક તરીકે જાણીતો છે. હુમા તેની સાથે નિકાહ પઢશે કે નહીં તે ખબર નથી. તે આ વિશે વાત કરવાને બદલે અભિનય વિશે વાત કરવું વધુ પસંદ કરે છે.