અમે જોયો છે સમયને બદલાતો પરંતુ, તેમના બદલાયેલા હાવભાવ જોઈ શકાતા નથી. જેણે સમયને બદલાતો જોયો હોય તે વ્યકિત બીજા કોઈ પણ સંકટને પહોંચી વળે પરંતુ તમારી સૌથી પ્રિય વ્યકિતની દૃષ્ટિ બદલાય તો એ વાતને જીરવી નહીં શકાય. પ્રિયજનના હાવભાવ બદલાય એટલે પહાડ જેવી વ્યકિત પણ ભાંગી પડે. ગમે તેવા તોફાનની સામે હિમાલયની જેમ અડગ ઊભા રહેનારા પણ પ્રિયજનના તેવર બદલાય ત્યારે પડી ભાંગે. તેનો મુકાબલો નહીં કરી શકે. તમે જેને ચાહતા હો તે વ્યકિત જયારે તમારી સામે દૃષ્ટિ બદલે ત્યારે તમારી હાલત કફોડી બની જાય. તેનો મુકાબલો કરવો મુશ્કેલ બની જાય. આખા જમાના સામે લડી લેતો માણસ તેના ઘરમાં નજીકના કોઈ સ્નેહીના બદલાયેલા વલણ સામે લડી નહીં શકે. અહીં તેની લાગણી તેને લડતા રોકે. તેનો પ્રેમ લડતા તેને રોકે. તેનો આદર તેને લડતા રોકે.
જયારે નજીકની વ્યકિતની દૃષ્ટિ બદલાય ત્યારે તમારી હાલત કફોડી બની જાય. બદલાતા સમય વચ્ચે તમે લડીને અડગ ઊભા રહી શકો. આખી દુનિયાથી તમે નહીં ડરો પરંતુ જયારે પ્રિયજન પોતાનું વલણ બદલે એ તમે જોઈ નહીં શકો. તમે વ્યથિત થઈ જાઓ. જીવનમાં બદલાતો સમય કોણે નથી જોયો ? બધા લોકોએ જીવનમાં સમય સાથે લોકોનો તેમના પ્રત્યેનો વહેવાર જોયો હોય છે. તમારી ચડતી હોય ત્યારે બધા તમને નમન કરે. તમારી આસપાસ ગુણગાન ગાતા જોવા મળે. જરા તમારો સમય બદલાયો, તમારી પડતીની શરૂઆત થઈ એટલે એ લોકો જ તમારાથી દૂર ભાગે. અહીં સુધી કે તમારી સાથે વાત કરવા પણ રાજી નહીં થાય. આ છે સમયનો બદલાવ. જયાં એક સમયે તમારી બધી વાતનો સ્વીકાર કરતા લોકો તમને જોવા કે સાંભળવા પણ તૈયાર નહીં હોય પરંતુ એ પરિસ્થિતિ પણ સહન કરી શકાય. જયારે નજીકનું કોઈ પ્રિયજન તમારી સાથે વલણ બદલે ત્યારે એ સહન થતું નથી. તેનાથી દુઃખી થઈ જવાય. આવો સમય નહીં આવે તે જ બહેતર.