યુરોપ અને અમેરિકાની બેન્કો ભલે પ્રોફેશનલ મેનેજમેન્ટ અને એથિક્સની ડંફાસો મારતી હોય, આ બેન્કો પણ કૌભાંડોથી મુક્ત નથી. બ્રિટનની પહેલા નંબરની અને દુનિયાની પાંચમા નંબરની બેન્ક HSBC ઉપર ડ્રગ માફિયાઓના અબજો ડોલરની હેરાફેરી કરવામાં સહાયરૂપ બનવાનો ગંભીર આક્ષેપ થયો છે. મેક્સિકો, રશિયા, ઇરાન અને સિરિયા જેવા દેશોમાં ડ્રગ્સની અને શસ્ત્રોની દાણચોરી કરતાં માફિયાઓની ગેન્ગો કાર્યરત છે. આ ગેન્ગોની 2 નંબરની કમાણીને ધોઇને તેને એક નંબરની કરી આપવામાં HSBC બેન્કના મેક્સિકો ખાતેના અધિકારીઓએ મોખરાની ભૂમિકા ભજવી હતી.
HSBC બેન્કની સ્થાપના છેક ઇ.સ. 1865 ની સાલમાં બ્રિટન, ભારત અને ચીન વચ્ચેના વેપારમાં મદદરૂપ થવા માટે ‘હોંગકોંગ એન્ડ શાંઘાઇ બેન્કીંગ કોર્પોરેશન’ના રૂપમાં થઇ હતી. ઇ.સ.1888 માં તેણે થાઇલેન્ડમાં પોતાની પહેલી બ્રાન્ચની સ્થાપના કરી તે પછી થાઇલેન્ડની કરન્સી નોટો છાપવાનો કોન્ટ્રેક્ટ પણ તેને મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બેન્કનાં મોટા ભાગનાં કર્મચારીઓને જાપાને જેલમાં પૂરી દીધાં હતાં, પરંતુ વિશ્વયુદ્ધ પછી હોંગકોંગના અર્થતંત્રને બેઠું કરવામાં તેણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
અત્યારે આ બેન્કની 85 દેશોમાં 7,200 શાખાઓ છે અને તેના 8.9 કરોડ ગ્રાહકો છે. HSBC બેન્કના સંચાલકોએ લોભમાં આવીને તેની 147 વર્ષની ગુડવિલ વટાવી ખાવાનો કારસો રચ્યો હતો. જે દેશોમાં ત્રાસવાદી સંગઠનો પોતાનાં ખાતાંઓ ધરાવે છે તેવા સ્વિટ્ઝર્લેન્ડ અને કેમેન આઇલેન્ડ જેવા દેશોમાં આ બેન્કે સંદેહાત્મક રીતે 38 ટ્રિલિયન પાઉન્ડની હેરાફેરી કરી હોવાનો તેની ઉપર આક્ષેપ છે. અમેરિકા ઉપર 9/11 નો જે ત્રાસવાદી હુમલો થયો તેનું ફાઇનાન્સિંગ કરવામાં સાઉદી અરેબિયાની અલ – રાજહી નામની બેન્કનું નામ ખુલ્યું હતું. આ બેન્ક સાથે કોઇ પણ જાતનો વ્યવહાર કરવાના પ્રતિબંધનો ભંગ કરીને HSBC બેન્કના ઓફિસરોએ તેમની સાથે ધંધો કર્યો હતો.
મેક્સિકોમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની અનેક કાર્ટેલ કાર્યરત છે. તેમની કમાણીનું મુખ્ય સાધન જ અમેરિકામાં કેફી દ્રવ્યોની દાણચોરી છે. આ ડ્રગ માફિયાઓએ HSBC બેન્કમાં પોતાનાં ખાતાંઓ ખોલાવી રાખ્યાં છે. આ ખાતાંઓમાં 2 વર્ષમાં 9.6 અબજ પાઉન્ડ રોકડા સ્વીકારીને તેને ચેક દ્વારા અમેરિકા મોકલવામાં આવ્યા હતા. એક વખત તો HSBC બેન્કની મેક્સિકોની બ્રાન્ચે એક સાથે 4.5 અબજ પાઉન્ડ અમેરિકા મોકલ્યા ત્યારે મેક્સિકોના અને અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી કે આટલી મોટી રકમ માફિયાઓની જ હોઇ શકે. આ ચેતવણી તેમણે નકારી કાઢી હતી.
આ કૌભાંડને કારણે HSBC બેન્કને 20 વર્ષથી સેવા આપતા તેના કમ્પ્લાયન્સ વિભાગના વડા ડેવિડ બેગલીને રાજીનામું આપવાની ફરજ પડી છે. બેન્કનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં થતો અટકાવવામાં નિષ્ફળ જવાને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. જો કે હકીકત એ છે કે HSBC બેન્કના મેક્સિકો બ્રાન્ચના વડાઓ સ્થાનિક રાજાઓની જેમ વર્તતા હતા. ગેરરીતિઓ અટકાવવા માટેના લંડન ખાતેના કમ્પ્લાયન્સ ખાતાની કોઇ સત્તાને તેઓ ગણકારતા નહોતા.
HSBC બેન્કનું કૌભાંડ બ્રિટનમાં રાજકીય ખળભળાટ પણ પેદા કરી શકે છે. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોનના વેપાર પ્રધાન સ્ટીફન ગ્રીન આ કૌભાંડ થયું ત્યારે HSBC બેન્કના અધ્યક્ષ હતા. મજૂર પક્ષના સંસદસભ્ય જોહન માને તો માંગણી પણ કરી દીધી છે કે સ્ટીફન ગ્રીને રાજીનામું આપવું જોઇએ અથવા તેમને પાણીચું પકડાવી દેવું જોઇએ. સ્ટીફન ગ્રીનને ડેવિડ કેમેરોને લંડન ઓલિમ્પિક્સના સફળ આયોજનની જવાબદારી સોંપી છે. જો આ તબક્કે તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે તો ઓલિમ્પિક્સના આયોજન ઉપર પણ તેની વિપરીત અસર થઇ શકે છે.
અમેરિકાની કોઇ પણ કંપનીને ઇરાન સાથે ધંધો કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. HSBC બેન્કના મેનેજરોએ આ પ્રતિબંધની અવગણના કરવાના ઉપાયો પણ શોધી કાઢ્યા હતા. સેનેટ સબકમિટિનો હેવાલ કહે છે કે ઇ.સ. 2001 અને 2007 વચ્ચે HSBC બેન્ક દ્વારા આશરે 25,000 ટ્રાન્સેકશનો દ્વારા 19 અબજ ડોલરની ઇરાનમાંથી હેરાફેરી કરવામાં આવી હતી. HSBC બેન્કની અમેરિકન શાખા ઇંઇઞજ બેન્ક તરીકે ઓળખાય છે. આ બેન્કના ખાતામાં ડોલર જમા કરાવીને તેને HSBC બેન્કની ઇરાન ખાતેની શાખાઓમાં મોકલવામાં આવ્યા હતા. HSBC બેન્કના કમ્પ્લાયન્સ વિભાગે આ ટ્રાન્સેકશનો પ્રત્યે આંખમિંચામણાં કર્યાં હતાં. આ નાણાંનો ઉપયોગ ત્રાસવાદના પ્રોત્સાહન માટે થયો હોવાનું મનાય છે. HSBC બેન્ક દ્વારા તેના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમના રેકોર્ડમાંથી ઇરાનનું નામ છેકી નાંખવું.
ઇ.સ. 2001 માં અમેરિકા ઉપર ત્રાસવાદી હુમલો થયો તેમાં સાઉદી અરેબિયાની અલ – રાજહી બેન્કે અલ કાયદાને ફાઇનાન્સ કર્યું હોવાનું મનાય છે. અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલમાં આ અહેવાલ છપાયો તે પછી અલ – રાજહી બેન્કે વોલ સ્ટ્રીટને બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી હતી. તે પછી HSBC બેન્કે પોતાની બધી શાખાઓને આદેશ આપ્યો હતો કે તેમણે અલ – રાજહી બેન્ક સાથે કોઇ પ્રકારનો ધંધો કરવો નહીં. 4 મહિના પછી આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને અલ – રાજહી બેન્ક સાથે ધંધો કરવાનો નિર્ણય સ્થાનિક શાખાઓ ઉપર છોડવામાં આવ્યો હતો.
HSBC બેન્કની શાખાઓ અમેરિકામાં છે, તેનો તેઓ ભરપૂર લાભ ઉઠાવતા હતા. ગેરકાયદે શસ્ત્રો અને ડ્રગ્સની હેરાફેરી કરતા માફિયાઓને તેઓ લોભાવતા હતા કે તમે અમારે ત્યાં ખાતું ખોલાવશો તો અમેરિકી ડોલરની મોટા પાયે હેરાફેરી કરવામાં અમે તમને મદદ કરીશું. હવે આ કૌભાંડ બહાર આવતાં HSBC બેન્કના સંચાલકોએ બ્રિટન સરકારની માફી માંગી છે. બેન્કમાં સાફસૂફી કરવાના ભાગરૂપે તેમણે કેમેન આઇલેન્ડના 20,000 ખાતાંઓ બંધ કરવાની ઘોષણા પણ કરી છે. બ્રિટનના સત્તાવાળાઓ HSBC બેન્કને 64 કરોડ પાઉન્ડનો દંડ કરીને જ છોડશે એમ માનવામાં આવે છે.
HSBC બેન્કની ભારતમાં પણ અનેક શાખાઓ છે, માટે તેમાં જે કૌભાંડ થયું તેમાં ભારતના કર્મચારીઓ પણ જવાબદાર છે એવો અમેરિકાની સેનેટની સબકમિટિનો અહેવાલ છે. સેનેટની સમિતિને શંકા છે કે ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે પણ HSBC બેન્કના ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેનેટના હેવાલ મુજબ અલ – રાજહી બેન્કના માધ્યમથી ભારતના રૂપિયાની હેરાફેરીમાં પણ HSBC બેન્કની સંડોવણી છે. આ બેન્કમાં જેટલા શંકાસ્પદ લેવડદેવડના કિસ્સાઓ હોય છે તેની ઉપર નજર રાખવા 200 કર્મચારીઓનો કાફલો રાખવામાં આવ્યો છે. તેમાંના અમુક કર્મચારીઓ ભારતમાં પણ છે.
અમેરિકી સેનેટની સબકમિટિએ આ કર્મચારીઓની બેદરકારીની પણ ટીકા કરી છે. ભારતની સુરક્ષા માટે મહત્ત્વની આ બાબતની તપાસ કરવાનો નિર્ણય ભારતની રિઝર્વ બેન્કે કરી લીધો છે. અમેરિકામાં HSBC કૌભાંડ બહાર આવ્યું તે પછી તેણે ભારતમાં ધંધો સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો, પણ કોઈ ભેદી કારણોસર તેને જીવનદાન મળી ગયું હતું. ભારતનાં 14 શહેરોમાં તેની 26 શાખાઓ છે, જેમાં આશરે 10 લાખ જેટલાં માલદાર ગ્રાહકો છે.