ઋતિક રોશનની એક્શન થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર આવ્યા પછી ફરીથી પ્રશ્ન થઇ રહ્યો છે કે દક્ષિણની ફિલ્મની એ જ નામથી રીમેક બનાવવાની જરૂર હતી ખરી? તેના જવાબમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે બૉલિવૂડમાં નવી વાર્તાઓનો દુકાળ હોવા ઉપરાંત માત્ર અને માત્ર પૈસા કમાવવા માટે દક્ષિણની રીમેકનું ચલણ વધી ગયું છે. બાકી આ ફિલ્મને હિન્દીમાં ડબ થયેલી Youtube પર જોઇ શકાય એમ છે. પતિ-પત્ની પુષ્કર-ગાયત્રી નિર્દેશિત તમિલ ‘વિક્રમ વેધા’ ની હિન્દી રીમેકનું નિર્દેશન એ બંને જ કરી રહ્યાં છે.આ વખતે તેમણે ભારતને બદલે વિદેશમાં શુટિંગ વધારે કર્યું છે. વિક્રમ- વેતાળની વાર્તા આધારિત એ તમિલ ફિલ્મની રીમેકમાં હીરો વિક્રમ (આર.માધવન)ની ભૂમિકામાં સૈફ અલી ખાન અને વિલન વેધા (વિજય સેતુપતિ) ની ભૂમિકામાં રિતિક રોશન છે.
પહેલા ટીઝરમાં વિલન રિતિકનો લુક તેના જન્મદિન નિમિત્તે જાહેર થયો છે. હિન્દી ફિલ્મમાં સૈફ અને રિતિક તમિલ કલાકારો જેટલો ન્યાય પોતાના પાત્રને આપી શકશે કે કેમ એ પ્રશ્ન છે.અગાઉ ‘ધૂમ ૨’ નકારાત્મક પાત્ર ભજવનાર રિતિક વિલન તરીકે જરૂર પ્રભાવિત કરી શકે છે પણ વિજય સેતુપતિની જેમ ફિલ્મમાં ગેંગસ્ટર બનવા સાથે સારી કોમેડી પણ કરી શક્શે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. અસલમાં આ ભૂમિકા આમિર ખાનને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે પોતાની ભૂમિકામાં કેટલાક સુધારા સૂચવ્યા હતા.આમિરે વેધાના પાત્રને ચાઇનીઝ બતાવવાનું સૂચન કર્યું હતું જેથી ચીનના દર્શકોને પણ આકર્ષી શકાય.નિર્દેશક જોડી રીમેકમાં કોઇ પ્રકારનો ફેરફાર કરવા માંગતી ન હોવાથી આમિર નીકળી ગયો હતો. સમીક્ષકો માને છે કે સૈફ આ ભૂમિકાને વધુ સરળતાથી નિભાવી શક્યો હોત. તેની અગાઉની ‘તાનાજી’ સહિતની ફિલ્મોના નકારાત્મક પાત્રો પરથી આમ કહી શકાય એમ છે પણ એને ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા મળી છે. આર.માધવનને વિશ્વાસ છે કે તેનાથી વધુ સારી રીતે સૈફ વિક્રમની ભૂમિકાને ન્યાય આપશે.
નિષ્ફળ અભિનેતા કપિલ શર્માની બાયોપિક ફિલ્મ સફળ રહેશે?
કમેડી કરતા કપિલ શર્માની બાયોપિક ફિલ્મમાં તેની સાથે બીજા કલાકારોના જીવનનાં પણ અનેક રહસ્ય ખૂલશે? એવા પ્રશ્નના જવાબમાં કહી શકાય કે કપિલ પોતાના શોમાં ફિલ્મ કલાકારોની અનેક છૂપી વાતો કઢાવવા માટે જાણીતો હોવાથી તેની ફિલ્મમાં પણ ઘણી એવી વાતો હશે જે કોઇ જાણતું નથી. થોડા દિવસ અગાઉ કપિલે પોતાને સ્ટાર બનાવવામાં અર્ચના પૂરણસિંહની મોટી ભૂમિકા હોવાનો એકરાર કર્યો હોવાથી તે પણ બાયોપિકમાં હોય શકે છે. જો કે, બાયોપિકમાં ખુદ કપિલ હશે કે બીજો કોઇ કલાકાર તેનો ખુલાસો થયો નથી. અગાઉ ‘ફુક્રે 3’નું નિર્દેશન કરનાર મૃગદીપ સિંહ લાંબાએ કપિલ સાથેની બાયોપિક ફિલ્મ’ફનકાર’ની જાહેરાત કરી છે.
કપિલ ભારતનો સૌથી જાણીતો કોમેડિયન ગણાય છે અને એ માટે તેણે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. ભારે સંઘર્ષ પછી તેણે આ ક્ષેત્રમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. ફિલ્મ અભિનેતા તરીકે તે ભલે નિષ્ફળ રહ્યો છે પરંતુ પોતાના કોમેડી શોથી બીજા બધાથી વધારે લોકપ્રિયતા મેળવી છે. તેને ‘કિંગ ઓફ કોમેડી શો’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. તેણે આજ સુધી જે નથી કર્યું એ કરવા નેટફ્લિક્સ પર આવી રહ્યો હોવાનું કહી રહ્યો છે. તેનો’કપિલ શર્મા: આય એમ નોટ ડન એટ’ 28 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. એમાં તેનો પરિવાર દેખાવાનો છે અને તેના વિશે ઘણી વાતો તે જણાવવાનો છે. તે દરેક શોમાં પોતાનું નામ રાખવાનો ખાસ આગ્રહ રાખે છે. ચેનલ કે OTT પ્લેટફોર્મ પણ જાણે છે કે એમાં ગમે એટલા મોટા સ્ટાર આવતા હોય તો પણ કપિલના નામ પર જ શો જોવાય છે અને કપિલ બિંદાસ બનીને કોઇ પણ સ્ટારની ફિરકી લેતો હોય છે.
સની લિયોની આવી હતી એ શોમાં કપિલે ગર્વથી કે મજાકમાં કહ્યું હતું કે કપિલના શોમાં આવવાનું દરેકનું સપનું હોય છે. અમિતાભે પોતાના ‘KBC’ માટે આવી કોઇ વાત કરી હોય એવા સમાચાર ક્યારેય જાણવામાં આવ્યા નથી. કલાકારો પોતાની ફિલ્મના જ નહીં પુસ્તકના પ્રચાર માટે પણ તેના શોમાં આવે છે. ગયા સપ્તાહે દિવ્યા દત્તા લૉકડાઉન દરમ્યાન લખેલું પુસ્તક ‘ધ સ્ટાર ઇન માય સ્કાય’ પ્રગટ થયું હોવાથી આવી હતી. જેમાં તેણે ‘ધ કપિલ શર્મા શો’ ના નિર્માતા સલમાન ખાન પર ક્રશ હોવાનું રહસ્ય ખોલ્યું હતું. ‘મૈને પ્યાર કિયા’ રજૂ થઇ ત્યારે દિવ્યાએ નિર્દેશક રહેલા પોતાના કાકાને સલમાન ખાન સાથે એક તસવીર ખેંચાવવાની ઇચ્છા જાહેર કરી હતી અને તેની એ ઇચ્છા પૂરી થઇ હતી. ત્યારે દિવ્યાને ખબર ન હતી કે ભવિષ્યમાં તે સલમાન સાથે ફિલ્મમાં કામ કરવાની છે.