Comments

લોકસભા ઠપ્પ હોય તો દેશનો વિકાસ કેવી રીતે થાય?

વડા પ્રધાન ના હોય તો દેશ ચાલે,પંદર પક્ષની જોડિયા સરકાર હોય તો પણ દેશ ચાલે,ઔદ્યોગિક વિકાસ વગર ,વિદેશી મૂડીરોકાણ વગર દેશ ચાલે પણ સંસદ ના ચાલે તો દેશ કેવી રીતે ચાલે? છેલ્લાં કેટલાંય વરસોથી ભારતીય લોકશાહીને આપણા સંસદસભ્યો જ જાણે કે નડી રહ્યા હોય તેવું લાગે છે.છેલ્લાં વરસોમાં એક પણ સંસદસત્ર એવું નહિ હોય જ્યાં હોબાળો ન થયો હોય,સંસદ મુલતવી ના રખાઈ હોય.સંસદને કામ જ કરવા દેવાતું નથી. એકાદ સંસદસભ્ય તો એમ પણ કહી ચૂક્યા છે કે સાંસદો માટે પણ ‘નો વર્ક નો પે’નો કાયદો લાગુ થવો જોઈએ.પણ ખરેખર કાંઈ થતું નથી.

બધા જ ભથ્થાં, પગારો જાણે કે હોબાળો કરવાના અને કામ નહિ કરવાના મળે છે.આપણી સંસદમાં એક પરમ્પરા બની ગઈ છે કે પહેલાં આખા સંસદના સત્રમાં હોબાળો કરવાનો અને પછી છેલ્લા દિવસે પાંચ કે પંદર મિનિટમાં બહુ જ અગત્યનાં બીલો વગર ચર્ચાએ પસાર કરી દેવાનાં. જેનો ભોગ આખો દેશ વરસો સુધી બન્યા કરે, માટે જ ઘણી વાર એવું બને કે જે કાયદો ઘડાય ત્યારે સંસદમાં ચૂપ બેઠેલા સાંસદો એ જ કાયદાનો અમલ થાય ત્યારે તેના વિરોધમાં આવેદનો આપે. હેલ્મેટના નિયમ વખતે આવું જ બન્યું હતું. શહેરોમાં,ટ્રાફિકમાં હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિયમ વાહનવ્યવહાર અંગેના કાયદામાંથી આવ્યો છે. જયારે કોર્ટે આ નિયમનો કડક અમલ કરવાનો પોલીસને આદેશ આપ્યો ત્યારે અનેક લોકો તેના વિરોધમાં આવી ગયા, જેમાં આપણા સાંસદો પણ હતા, જેમણે આવેદનો આપ્યાં. કોર્ટનું કામ લખાયેલા કાયદા મુજબ ન્યાય કરવાનું છે,પોલીસનું કામ આ કાયદાના પાલનનું છે.કોર્ટ કે પોલીસ કાયદો બનાવતા નથી. કાયદો તો સંસદ કે વિધાનસભામાં ચુંટાયેલા પ્રતિનિધિઓ
બનાવે છે.

વાહનવ્યવહાર નિયંત્રણ અંગેનો ખરડો સંસદમાં આવે ત્યારે એમાં જરૂરી સુધારા સાંસદો સૂચવી શકે.સંસદ જે કરે તે ફાઈનલ થાય.જયારે હેલ્મેટ અંગેનો કાયદો સંસદમાં ચર્ચ્યો કે ચર્ચા વગર પસાર થઈ ગયો ત્યારે આ બધા ક્યાં હતા? જુવેનાઇલ એક્ટમાં સુધારાની જરૂર છે. માનવીની પુખ્ત ઉંમર વિષે હવે નવેસરથી વિચારવાની જરૂર છે. આપણે મતાધિકાર ૨૧ વર્ષથી ઘટાડીને ૧૮ વર્ષ લાવ્યા એમ ગુનાની સજા માટે ઉંમર ૧૮ થી ઘટાડી ૧૬ કરવી જોઈએ અને પહેલા ૧૮ વર્ષથી નાનાને કિશોર ગણી હળવી સજા કરવાની વાત હતી તે ઉંમર ઘટાડી ૧૬ કરવી જોઈએ તેવી ચર્ચા ક્યારની થતી હતી.

૩ વર્ષથી તો ખરડો સંસદમાં હતો. નિર્ભયા કાંડ થયો ,તેનો એક આરોપી ૧૭ થી મોટો અને ૧૮ થી નાનો છે એ પણ સૌ જાણતા હતા. તે નિયત ત્રણ વર્ષની સજા કાપી મુક્ત થયો ત્યાં સુધી જુવેનાઇલ એક્ટમાં સુધારો કરવાનું (કે જે છે તે જ બરાબર છે તે તર્કબદ્ધ રીતે ચાલુ રાખવાનું કોઈને ના સૂઝયું અને તે આરોપી છૂટ્યો. કોર્ટના હાથ પણ હેઠા પડ્યા ત્યારે બધાને થયું કે યાર,આ તો વાંક જ સંસદનો છે.

એણે કાયદો ઘડ્યો જ નથી તો અમલ ક્યાંથી થશે? અને જી એસ ટી બાલ મુદે્ ધમાલ કરતી રાજ્ય સભામાં કાયદો પસાર થઈ ગયો.હવે પ્રશ્ન એ કે શું આ દેશ આ રીતે ચાલશે.લોકશાહી આ રીતે કામ કરશે. દેશ આખામાં હોબાળો થાય પછી સંસદ રાતોરાત કાયદો પસાર કરશે? આવા તો કેટલાય ખરડા સંસદ પાસે વિચાર આધીન પડ્યા છે જેની બબાલ થાય એની ચર્ચા કરવાની, બાકીનાનું જે થવું હોય એ થાય.આ યોગ્ય નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય એ કહેવત ભલે વરસો જૂની હોય પણ આપણા સાંસદો તો જરૂર પડે ત્યારે જ કાયદો બદલે છે.

 દેશ કાયદા મુજબ ચાલે છે.કાયદાના શાસનમાં સાતત્ય હોવું જોઈએ અને પરિવર્તનશીલતા હોવી જોઈએ. દેશનો ખરો વિકાસ આ જરૂર મુજબ બદલાતા કાયદા પર આધારિત છે.જેમને આજનો બજાર આધારિત આર્થિક વિકાસ મહત્ત્વનો લાગતો હોય, લાભદાયક લાગતો હોય તેમણે વિચારવું જોઈએ કે ૧૯૯૧ માં આપણે આર્થિક કાયદા ના બદલ્યા હોત તો આ વિકાસ ના દેખાતો હોત.દેશના સામાજિક, આર્થિક પરિવર્તનોનો આધાર કાયદાના પરિવર્તન પર છે. સ્ત્રીઓ માટેના કાયદા,જ્ઞાતિઓ માટેના કાયદા,યુવાનો માટેના કાયદા, વિદેશી વ્યક્તિઓ માટેના કાયદા, વસ્તુઓ માટેના કાયદા, આ બધું જ બદલાય પછી તે રોજિંદા જીવનમાં બદલાવ લાવે છે.

દેશને હકારાત્મક પરિવર્તન તરફ લઇ જવામાં કાયદા જ ભૂમિકા ભજવે છે અને એ કાયદા ઘડવાનો હક્ક માત્ર સંસદને છે અને આ સંસદ જ નહિ ચાલે તો દેશ કેવી રીતે ચાલશે? આપણે સંસદના મહત્ત્વ અને કામગીરી માટે ખરેખર જાગૃત નથી. જેમ રિઝર્વ બેંકના વ્યાજ દરમાં ૧% ના ફેરફારની જાહેરાત દેશના અર્થતંત્રમાં કરોડોની ઉથલપાથલ કરી નાખે છે તેમ સંસદમાં રજૂ થતો કે અટકી પડતો કાયદો જીવનમાં મોટી ઉથલપાથલ સર્જી નાખે છે.આપણે આ કોલમમાં પહેલાં પણ લખી ગયાં છીએ કે શાસન કોન્ગ્રેસનું કે ભાજપનું નહિ, કાયદાનું હોય છે અને કાયદાનું શાસન ત્યારે જ ચાલે જયારે સંસદ નિયમ મુજબ ચાલે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top