નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) ક્રેડિટ કાર્ડ (Credit Card) નેટવર્ક પ્રોવાઈડર્સને (Network Providers) લઈને નવી ગાઈડલાઈન ઈશ્યુ કરી છે. હવે બેંકો (Banks) અને નાણાકીય સંસ્થાઓની નહીં પરંતુ ગ્રાહકોની (Customers) મરજી ચાલશે. તેમની વાત સાંભળવામાં આવશે. કાર્ડ કયા નેટવર્કનું જોઈએ છે તે હવે ગ્રાહકને પૂછવાનું રહેશે. આરબીઆઈના આ પગલાને મોટા ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે.
અત્યાર સુધી એવું થતું હતું કે જ્યારે પણ કોઈ બેંક અથવા ફાયનાન્સિયલ સંસ્થા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરે છે, ત્યારે તે કયા નેટવર્કમાંથી હશે તે અંગે ગ્રાહકની કોઈ પસંદગી હોતી નથી. તેનો અર્થ એ છે કે કાર્ડ માસ્ટર કાર્ડ (Master Card), વિઝા (Visa Card), અમેરિકન એક્સપ્રેસ (American Express Card), ડીનર્સ ક્લબ (Dinners Club) અથવા રુપે (Rupay) નેટવર્કમાંથી મળશે તે અંગે ગ્રાહકને કોઈ ખ્યાલ હોતો નથી. તેમને પૂછવામાં આવતું નથી.
પરંતુ હવે આવું નહીં થાય. કારણ કે રિઝર્વ બેન્કે આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓની નહીં પરંતુ નેટવર્ક મામલે ગ્રાહકોની મરજી પૂછવામાં આવશે. ગ્રાહકને પૂછવામાં આવશે તે કાર્ડ કયા નેટવર્કનું ઈચ્છે છે. આરબીઆઈના આ પગલાંને મોટા ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યા છે. શું ખરેખર એવું છે? આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પણ પહેલા આપણે ક્રેડિટ કાર્ડ નેટવર્ક અંગે સમજીએ.
સરળ ભાષામાં સમજીએ તો તમારું ક્રેડિટ કાર્ડ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ અથવા અન્ય કોઈ પણ બેન્કનું હોઈ પરંતુ તે પાંચ નેટવર્ક પૈકીનું એક હશે. આ પાંચ નેટવર્ક એટલે વિઝા કાર્ડ, માસ્ટર કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ કાર્ડ, ડીનર ક્લબ કાર્ડ અને રૂપેય કાર્ડ છે. આ પાંચ પૈકી એક નેટવર્કમાંથી બેન્ક અથવા નાણાંકીય સંસ્થા ગ્રાહકોને ઈશ્યુ કરે છે.
અત્યાર સુધી કયા નેટવર્કનું કાર્ડ ગ્રાહકને ઈશ્યુ કરવું તેનો નિર્ણય બેન્ક અથવા સંસ્થા જાતે લેતી હતી. આ નેટવર્ક ગેમમાં સૌથી મોટા પ્લેયર માસ્ટર અને વિઝા કાર્ડ છે. તેથી મોટા ભાગના કાર્ડ આ બે નેટવર્કના જ હોય છે. જોકે હવે દેશની ઘણી બેન્કો રૂપેય નેટવર્ક કાર્ડ પણ ઈશ્યુ કરી રહી છે. તેમ છતાં વિઝા અને માસ્ટરકાર્ડનું પ્રભુત્વ વધુ છે.
જોકે, હવે આરબીઆઈના નવા નિયમ અનુસાર ગ્રાહકોને તેમના નેટવર્ક પ્રોવાઈડર પસંદ કરવાનો વિકલ્પ મળશે. આ નિયમ નવા ક્રેડિટ કાર્ડ પર ચોક્કસપણે લાગુ થશે. બેંકો અને નાણાકીય સંસ્થાઓએ કાર્ડ રિન્યુ કરાવ્યા પછી પણ આ વિકલ્પ આપવો પડશે.
આરબીઆઈએ આવો નિર્ણય કેમ લીધો?
મોટો પ્રશ્ન એ છે કે રિઝર્વ બેન્કે નેટવર્ક પસંદગીનો વિકલ્પ ગ્રાહકોને આપવાનો નિર્ણય કેમ લીધો? આ અંગે એવું માનવામાં આવે છે કે, પેમેન્ટ સિસ્ટમને સરળ અને પારદર્શી બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આરબીઆઈનું આ પગલું ભારતીય પેમેન્ટ સિસ્ટમને મોટા પ્રમાણમાં ટેકો આપશે. જો કે, વિઝા અને માસ્ટરકાર્ડને પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ભારત બહુ મોટું બજાર છે. દરેકને રમવા માટે પિચ મળી છે.