Columns

આપણે કેવા બનીએ

ટી.વી. પર ટાયટેનિક ઈંગ્લીશ મુવી આવતું હતું.ઘરમાં બધાએ જોયેલું હોવા છતાં ફરી જોઈ રહ્યાં હતાં.ઘરના એક વડીલ ઈતિહાસના રસિયા હતા. કોઈ પણ ઘટનાના ઈતિહાસ વિષે જાણવામાં તેમને રસ.મુવી પૂરું થયા બાદ બધા વાતો કરી રહ્યા હતા ત્યારે વડીલે એક બહુ રસપ્રદ ઈતિહાસ જણાવ્યો. વડીલે કહ્યું, ‘આ મહાન ટાયટેનિક શીપ હકીકતમાં જયારે ડૂબ્યું ત્યારે તેની મદદની પુકાર આજુબાજુ થોડે દૂર ત્રણ શીપ હતી તેમણે સાંભળી હતી.પહેલી શીપનું નામ હતી સેમ્પસન જે ટાયટેનિકથી માત્ર સાત માઈલ જ દૂર હતી, પણ તેની ઉપરના માણસો દરિયામાં ઇલલીગલ રીતે સીલનો શિકાર કરી રહ્યા હતા એટલે તેઓ પોતે પકડાઈને કોઈ મુશ્કેલીમાં ન ફસાય તેથી ટાયટેનિકને મદદ કરવા ન ગયા અને દૂર જતા રહ્યા.’બધા આ રસપ્રદ વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

ત્યાં વડીલે વાતને વળાંક આપ્યો. વડીલ બોલ્યા, ‘આ વાતને જીવન જોડે જોડીએ તો સેમ્પસન શીપ જેવાં ઘણાં લોકો હોય છે, જેઓ પોતાના જીવન, પોતાના સ્વાર્થ અને પોતાના પાપમાં એટલાં મશગુલ હોય છે તેઓ ક્યારેય બીજાની મુશ્કેલી કે તકલીફ સમજી શકતાં નથી.હવે બીજી શીપની વાત કરું કેલીફોર્નીયન શીપ ટાયટેનિકથી ૧૪ માઈલ દૂર હતી, પરંતુ હવામાનની પરિસ્થિતિ સારી ન હતી,બહુ અંધારું હતું, એટલે શીપ પરના કૃ મેમ્બરોએ મન મનાવ્યું કે બધું બરાબર જ હશે. કંઈ પ્રોબ્લેમ હશે તો સવારે જોઈશું.આ શીપ પરના માણસો જીવનમાં એવાં લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ એમ વિચારે કે હમણાં અમે શું કરી શકીએ? બધી પરિસ્થિતિ સુધરે ત્યારે જોઈશું.’

વડીલની વાત અને તેમનાં તારણ સાંભળવાની બધાને મજા આવી રહી હતી.ત્રીજી શીપની વાત કરતા વડીલે કહ્યું, ‘ત્રીજી શીપ ‘કાર્પેથીયા’જે ટાયટેનિકથી દક્ષિણ દિશામાં ૫૮ માઈલ દૂર હતી તેણે પણ પહેલી બે નજીકની શીપની જેમ મદદનો મેસેજ સાંભળ્યો અને શીપના કેપ્ટને શિપને ટાયટેનિક તરફ વાળી અને ભગવાનને પ્રાર્થના કરી. આઇસબર્ગની વચ્ચેથી પસાર થઈને ટાયટેનિકના ૭૦૫ પેસેન્જરને બચાવ્યા અને પોતાની જવાબદારી નિભાવી.’યુવાન દીકરી બોલી, ‘આ બધું તો અમને ખબર જ ન હતી.’વડીલ આગળ બોલ્યા, ‘આપણ જીવનમાં ઘણાં કારણો અને મુશ્કેલીઓ હોય છે, જેને આગળ કરીને આપણે આપણી જવાબદારીથી દૂર ભાગી જઈ શકીએ, પણ ઘણા આ શીપના કેપ્ટન જેવા લોકો હોય છે.

જેઓ જવાબદારી માથે લે છે, તકલીફોની વચ્ચેથી માર્ગ કાઢીને કોઈ સ્વાર્થ વિના બીજાને મદદરૂપ થાય છે અને એવાં લોકો બધાના દિલમાં સ્થાન પામે છે.હું ઈચ્છું છું કે આપણે પણ જવાબદારીથી દૂર ન ભાગીને મુશ્કેલીઓનો સામનો કરી એકબીજાને સાથ આપીએ.’વડીલે ઈતિહાસની ઘટનાની માહિતી અને માણસોની ઓળખાણ આપતાં કેવા બનવું જોઈએ તે સમજાવ્યું. આપણે બધા કાર્પેથીયન બનીએ એટલે કે મુશ્કેલીઓથી લડીને પણ બીજાની મદદ કરીએ અને આ દુનિયાને સુંદર બનાવીએ.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top