ગંગામાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે.એ માન્યતા લઈને બધા શ્રદ્ધાળુઓ આંખ મીંચીને
આ વિશેનો પ્રશ્ન રામકૃષ્ણ પરમહંસને પણ પૂછવામાં આવ્યો હતોઃ ‘સ્વામીજી ! ગંગામાં સ્નાન કરવાથી પાપ જતાં રહે છે આ વાત સાચી છે?’રામકૃષ્ણ પરમહંસ શું જવાબ આપે ? છતાં તેમણે કહ્યું, ‘હા, જતાં રહે છે, પણ તે કંઈ બહુ દૂર નથી જતાં. જેવા તમે ગંગામાં દાખલ થાવ છો કે તરત તેઓ આજુબાજુનાં વૃક્ષો ઉપર ચડી બેસે છે. એ પાપ ગંગાથી ડરે છે. તમારાથી નહિ. એ તમારાં પાપ છે. તમારાથી શું કામ ડરે? તમારો પીછો પણ શું કામ છોડે? આપ સહુ ગંગામાં હો છો ત્યાં સુધી તેઓ બહાર રહે છે, અને જેવા આપ લોકો બહાર નીકળો છો તેવાં તરત જ આપને વળગી પડે છે. પછી જ્યાં જાવ છો ત્યાં તમારી સાથે જ આવે છે.’
રામકૃષ્ણ પરમહંસની વાત સાંભળી કેટલાક લોકો ગભરાઈ ગયા. તેમણે પૂછ્યું : ‘ત્યારે પાપથી બચવા શું કરવું ?’ ‘ગંગામાં બેસી રહેવું.’સ્વામીજીએ સ્મિત કરતાં કહ્યું,‘જિંદગીભર, દિવસ અને રાત ગંગામાં બેસી રહેશો તો તમારાં પાપ તમારાથી દૂર રહેશેઃ કેમ કે, ગંગાને તો પાપ સ્પર્શતાં જ નથી. એટલે તમને પણ સ્પર્શશે નહીં.’ ‘એ કંઈ શક્ય વાતનથી.‘શ્રદ્ધાળુઓએ કહ્યું ‘આખી જિંદગી કંઈ પાણીમાં થોડા બેસી રહેવાય ?’ ‘ત્યારે પાપથી બચવાનો બીજો એક ઉપાય છે.’ રામકૃષ્ણ પરમહંસે કહ્યું,‘પાપ કરવાં જ નહિ. પાપ થવા જ દેવાં નહિ. એકદમ સરળ અને નિર્દોષ જીવન જીવવાનો પ્રયાસ કરવો. ન રહેશે પાપ, ન રહેશે તેનાથી દૂર ભાગવાની ચિંતા. બાકી તમે પાપ કરતા રહો અને ગંગામાં નાહીને પાપમુક્ત થતા રહો એવું વરદાન તો ગંગાનેય નથી મળ્યું. એમ તો પછી બધાંનાં પાપ આત્મસાત કરીને ગંગાય પાપી બન્યા વગર રહે કંઈ ?’પાપ કર્યા પછી માત્ર ગંગામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાનો સંતોષ માનનાર લોકોને આનાથી વધુ જાગૃતિ પ્રેરક વાત બીજી કઈ હોઈ શકે ? દ્રષ્ટિને પાપમુક્ત અને નિર્દોષ રાખવાથી જીવન વધુ સરળ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.