એક દિવસ ગુરુ પોતાના શિષ્યોને જીવન જીવવાના પાઠ ભણાવી રહ્યા હતા.તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ‘જીવનમાં તમારે કેવા બનવું જોઈએ? તેની વાત કરું છું.ધ્યાનથી સાંભળજો;પરંતુ હું તમને સમજાવું તે પહેલાં તમારો મત મને જણાવો.’ અમુક શિષ્યો બોલ્યા, ‘બળશાળી બનવું જોઈએ.’ કોઈકે કહ્યું, ‘જ્ઞાની–મહાજ્ઞાની બનવું જોઈએ.’ અમુક શિષ્યો બોલ્યા, ‘અતિ શ્રીમંત સમૃદ્ધ બનવું જોઈએ.’ વગેરે વગેરે. જુદા જુદા જવાબો મળ્યા. ગુરુ બોલ્યા, ‘હું કહું છું કે આ બધું ઉપરછલ્લું જ્ઞાન છે.આ બધા જવાબ ખોટા છે.’એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, આ બધામાંથી કોઈ જવાબ સાચો નથી તો પછી સાચો જવાબ શું છે?’ ગુરુજી બોલ્યા, ‘જીવન જીવવાની રીતના પાઠમાં મારો પહેલો પાઠ છે કે તમારે એવા બનવાનું છે કે જાણે હાથમાંથી છૂટી ગયેલી લાકડી!’ ગુરુજીનો આવો વિચિત્ર જવાબ સાંભળી બધાને કંઈ સમજાયું નહિ.બધા શિષ્યો એક બીજાની સામે જોવા લાગ્યા.એક શિષ્યે હિંમત કરી ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, ‘હાથમાંથી છૂટી ગયેલી લાકડી’ જેવા બનો એટલે શું આ તો કેવી વિચિત્ર વાત છે.અમને કંઈ સમજાયું નહિ.’
ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, મારી વાત બરાબર સાંભળજો અને સમજજો.મને કહો કે આપણે હાથમાં લાકડી પકડી હોય અને તે હાથમાંથી છૂટી જાય તો લાકડીનું શું થાય?’ શિષ્યોએ જવાબ આપ્યો, ‘ગુરુજી, હાથમાંથી લાકડી છૂટી જાય તો તે નીચે જમીન પર પડી જાય.બીજું શું થાય?’ ગુરુજી બોલ્યા, ‘બસ તમારે બધાએ પણ જીવનમાં શીખવાનું છે કે નીચે પડી ગયેલી લાકડીની જેમ હંમેશા નીચા નમીને રહેવું.નમ્ર બનવું.વિનમ્રતા જીવનમાં સૌથી વધારે મહત્ત્વની છે એટલે જમીન સાથે જોડાયેલા રહીને હંમેશા વિનમ્ર રહેવું જરૂરી છે.નમ્રતાનો ગુણ એવો એ કે જે તમને જીવનમાં હંમેશા આગળ લઇ જશે.નમે તે સૌને ગમે.તે પ્રમાણે નમ્ર બની તમે બધાના પ્રિય બની શકશો.બીજું કંઈ મળે કે ન મળે, તમને બધાના હ્રદયમાં સ્થાન ચોક્કસ મળશે.’
એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, શું નીચે પડીએ એમાં નાલેશી નથી કે તમે અમને કહો કે હાથમાંથી છૂટી ગયેલી લાકડી જેવા બનો.’ ગુરુજી બોલ્યા, ‘હવે આગળ એ જ સમજવાનું છે.હું જે કહું છું તેનો એક અર્થ છે કે નીચા નમવાનું છે.નમીને રહેવાનું છે.અને બીજો અર્થ એ પણ સમજવાનો છે કે હાથમાંથી છૂટીને લાકડી નીચે પડે છે ત્યારે તે નીચે પડી રહે છે.કોઈ તેને ઉપર ઉપાડે ત્યારે ઉપર ઊઠે છે.તમારે જીવનમાં નીચા નમીને રહેવાનું છે પણ જમીન પર નીચે પડી રહેવાનું નથી. હાર્યા વિના હતાશ થયા વિના નીચે પડવાના અનુભવમાંથી શીખીને ફરી ઉપર ઊઠવાનું છે.’ ગુરુજીએ શિષ્યોને એક વાક્યમાંથી જીવન જીવવાની બે સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે