રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક કરતા વધુ સમય થઇ ગયો છે. શરૂઆતમાં એવી ધારણા રખાતી હતી કે યુક્રેન બહુ ઝડપથી રશિયા સમક્ષ હારી જશે, પરંતુ યુક્રેને ધાર્યા કરતા ઘણી વધુ ટક્કર આપી છે એટલું જ નહીં પરંતુ રશિયાને નુકસાન પણ નોંધપાત્ર કર્યું છે. યુક્રેનની આવી હિંમત માટે તેને પશ્ચિમી દેશોનો જે વ્યાપક ટેકો છે તેને પણ યશ આપી શકાય. બીજી બાજુ, યુક્રેનિયન પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સામે આખા વિશ્વનો અભિપ્રાય ઉભો કરવા પ્રયાસો કરી રહ્યા છે અને તેમણે તાજેતરમાં તો આ માટે અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો છે.
તેમણે રોમન કેથોલીક ખ્રિસ્તીઓના વડામથક વેટિકનની પણ મુલાકાત લીધી છે. આ પહેલા યુકેના વડાપ્રધાન ઉપરાંત ખુદ અમેરિકી પ્રમુખ બાઇડન પણ યુક્રેનની મુલાકાત લઇ ચુક્યા છે જે બધી બાબતો યુક્રેન માટે ખૂબ હિંમત વધારનારી બની છે. યુક્રેનિયન પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી ખૂબ હિંમતપૂર્વક આખા વિશ્વમાંથી જેમ બને તેમ વધુ ટેકો યુક્રેન માટે ઉભો કરવા પ્રયાસો કરી રહ્યા છે અને તેમણે યુનો સહિત અનેક મંચોનો આના માટે ઉપયોગ કર્યો છે.
તાજેતરમાં તેમને જી-૭ અને આરબ લીગ સમિટ જેવા મંચો પણ આશ્ચર્યજનક રીતે મળી ગયા છે. રશિયાને ચીન સહિતના થોડાક દેશોનો ટેકો છે, ઘણા દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક દેશો તટસ્થ રહીને બંને દેશોને શાંતિ માટે અપીલો કરી રહ્યા છે. આ વચ્ચે ઝેલેન્સ્કીને જી-૭ની શિખર પરિષદમાં હાજર રહેવા માટે જાપાનના હીરોશીમા શહેરમાં આ સમિટ વખતે હાજર રહેવા આમંત્રણ મળ્યું અને સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં યોજાયેલ આરબ લીગની સમિટમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું તેનાથી આશ્ચર્ય પણ સર્જાયું છે.
યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે સાઉદી અરેબિયામાં આરબ નેતાઓની શિખર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં આરબ દેશોના વડાઓ કે નેતાઓ હાજર હતા. ઝેલેન્સ્કીએ તાજેતરમાં રશિયા સામેની લડતમાં પોતાના દેશ માટે રાજદ્વારી ટેકો ઉભો કરવા માટે અનેક દેશોની યાત્રાઓ કરી છે. ઝેલેન્સ્કીની કચેરીએ જણાવ્યું હતું કે જેદ્દાહમાં આરબ લીગની સમિટમાં હાજર રહેવા માટે ઝેલેન્સ્કીને આમંત્રણ અપાયું હતું, જ્યાં તેઓ સાઉદી પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાનને મળ્યા હતા જેના પછી તેમણે અન્ય દ્વીપક્ષી બેઠકો પણ કરી હતી.
તેમણે ઝેલેન્સ્કીના શાંતિ પ્લાનની ચર્ચા કરી હતી. ઝેલેન્સ્કીએ આરબ નેતાઓને વિનંતી કરી હતી કે તેઓ રશિયાની વગને અટકાવે અને પોતાની શાંતિ દરખાસ્ત પર વિચારણા કરવા પણ કહ્યું હતું. રશિયાના ક્રિમિયા પર આક્રમણ વખતે સૌથી વધુ ક્રિમિયાના મુસ્લિમ સમુદાયને સહન કરવું પડ્યું છે એમ ઝેલેન્સ્કીએ રજૂઆત કરી હતી. તેમની સાથે ક્રિમિયાના તાતાર નેતા મુસ્તુફા ઝેમીલેવ પણ હતા. દેખીતી રીતે મુસ્લિક જગતનો ટેકો મેળવવા ઝેલેન્સ્કી ક્રિમિયામાંના તાતાર લોકોનું કાર્ડ રમવા પ્રયાસ કરી રહ્યા છે.
જો કે તેમને આમાં બહુ સફળતા મળે તેવું લાગતું નથી કારણ કે ચેચેન્યાના ચેચેન મુસ્લિમો રશિયાના કટ્ટર ટેકેદાર છે. બીજી બાજુ, મોટા ભાગના આરબ દેશો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં તટસ્થ રહ્યા છે અને સિરિયાની સરકાર રશિયાની સાથે ગાઢ સંબંધ ધરાવે છે, છતાં ઝેલેન્સ્કીએ આરબ લીગની સમિટને સંબોધન કર્યુ તે પણ એક મહત્વની ઘટના છે. જાપાનના હીરોશીમામાં પણ તેમને જી-૭માં હાજર રહેવા મળેલ આમંત્રણ નોંધપાત્ર છે. જી-૭ની બેઠકમાં ઝેલેન્સ્કીને સ્વાભાવિક રીતે વ્યાપક ટેકો મળ્યો. આ સંગઠનના અનેક સભ્ય દેશો રશિયા વિરોધી છે તેથી આમ થવું સ્વાભાવિક હતું. ભારતે આ મંચ પરથી રશિયાની ખુલ્લી ટીકા તો નહીં કરી પણ યુદ્ધનો અંત લાવવાની વાત કરી.
ગયા વર્ષના ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના પછી તેની વૈશ્વિક અસરો પણ ઘણી થઇ છે. વિશ્વભરના અર્થતંત્રને આની અસર થઇ છે અને ખાસ કરીને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના અર્થતંત્રને તો આની ખૂબ અસર થઇ છે અને યુદ્ધ પછી ત્યાં મોંઘવારીએ ખૂબ માઝા મૂકી અને અનેક દેશોની મધ્યસ્થ બેંકોએ મોંઘવારીને નાથવા માટે ઉપરાછાપરી દર વધારાઓ કરવા પડયા છે. આ દર વધારાઓની આડકરતી અસર ભારત સહિતના વિશ્વના અનેક દેશોને થઇ છે અને દુનિયાભરના દેશો ઇચ્છી રહ્યા છે કે આ યુદ્ધનો અંત આવે.
આ યુદ્ધની વૈશ્વિક આર્થિક અસરો બાજુએ રાખીએ અને ફક્ત યુક્રેનની દષ્ટિએ જ જોઇએ તો ત્યાંની પ્રજાને તો આ યુદ્ધને કારણે ઘણુ સહન કરવું પડ્યું છે. ત્યાં હજારો લોકો માર્યા ગયા છે અને માલમિલકતને વ્યાપક નુકસાન થયું છે. બીજી બાજુ, લાખો લોકો આ યુદ્ધને કારણે વિસ્થાપિત બન્યા છે. રશિયાને લશ્કરી દષ્ટિએ ભલે ઘણો ફટકો પડ્યો હોય પરંતુ યુક્રેનની સામાન્ય જનતાને ઘણુ સહન કરવુ઼ પડ્યું છે. અને આથી જ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કી આખા વિશ્વમાં યુક્રેન માટે ટેકો ઉભો કરવાના પ્રયાસોની સાથે આ યુદ્ધ અટકાવવા વિવિધ દેશોને પોતાની વગનો ઉપયોગ કરવા વિનંતી પણ કરતા રહે છે. જો કે દુનિયાના ઘણા દેશો યુક્રેનના ટેકામાં દેકારા, પડકારા કરે છે પણ નક્કર કશું કરતા નથી તે પણ કઠોર વાસ્તવિકતા છે.