Columns

કેટલી અપેક્ષા રાખવી ?

માણસની અપેક્ષાઓનો ક્યાંય અંત નથી. જન્મે ત્યારથી પરિવારના સભ્યોથી શરૂ કરીને આખી જિંદગી માણસના સંબંધ અપેક્ષા પર જ ટકેલા હોય છે કારણ કે માણસ એકબીજા સાથે જીવન જરૂરિયાતનાં નાનાંમોટાં કામની અપેક્ષાથી બંધાયેલો છે. આ વ્યાજબી પણ છે. જો આ અપેક્ષા ના હોય તો એક માણસ બીજા માણસને યાદ જ ના કરત, થોડીક અપેક્ષા તો દરેક માણસે બીજા માણસ પાસે રાખવી જોઈએ પરંતુ અતિ અપેક્ષા રાખવી હિતાવહ નથી ‘અતિ સર્વત્ર વર્જ્યેત’ એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ક્યારેય કરવો નહીં. એ તમારા માટે મહદ અંશે હાનિકારક છે કારણ કે આપણે દરેક વ્યક્તિની કે દરેક વ્યક્તિ આપણી અપેક્ષા પૂરી કરી જ શકે એ જરૂરી નથી. આપણી અપેક્ષાઓ સંતોષાયા કરે ત્યાં સુધી તો ઠીક છે પણ આપણને જેનાથી અપેક્ષા હોય એ પૂરી નહીં થાય ત્યારે આપણી લાગણી ઘવાય છે. અપેક્ષા પૂરી ન થવાનું કારણ જે પણ હોય પરંતુ તે અપેક્ષા પૂરી ન કરનાર વ્યક્તિ આપણને અળખામણું લાગવા લાગે છે અને ક્યારેક જૂના સંબંધો પણ એક ઝાટકે તૂટી જાય છે તો એના કરતાં બહેતર છે કે આપણી અપેક્ષાઓને સીમિત રાખીએ અથવા તો એ પૂરી થવાની આશા ન રાખીએ તો ઘણા સંબંધો હંમેશાં મહેકતા જ રહેશે.

અંગત વ્યક્તિ
દરેક વ્યક્તિના જીવનમાં એવી કોઈ એક વ્યક્તિ તો હોય જ છે જે તેની એકદમ નજીક હોય છે. એ પરિવારની કે બહારની પણ કોઈ વ્યક્તિ હોઇ શકે છે. આવી વ્યક્તિને આપણે આપણી જિંદગીમાં સર્વસ્વ માનતા હોઈએ છીએ અને જયારે પણ જરૂર પડે ત્યારે એવી આશા રાખતા હોઈએ છીએ કે એ તરત જ આવીને કે જ્યાં હોય ત્યાંથી આપણને મદદ કરે. જો કે એ વ્યક્તિ આવું કરતી પણ હોય પણ જો ક્યારેક કોઈ કારણવશ એ આમ ન કરી શકે તો આપણો પિત્તો આસમાને પહોંચી જાય છે અને કારણ જાણ્યા વિના તેની અગાઉની બધી વાતો ભૂલીને સંબંધ તોડવા તૈયાર થઈ જઈએ છીએ. આવા સમયે પ્રથમ તો તમે કારણ જાણવાનો પ્રયાસ કરો અને પોતાનો ગુસ્સો દબાવીને શાંતિથી તેની વાત સાંભળો. એટલું યાદ રાખો કે એ વ્યક્તિ તમારી એકદમ અંગત છે એટલે તમે એમને ગુમાવવા તો નહીં જ ઇચ્છતા હો, જો કોઈ કારણવશ તે તમારી અપેક્ષા પૂરી કરી ન શકી પણ શું એ વ્યક્તિ કરતાં તમારી અપેક્ષા વધુ મહત્ત્વની છે?

મિત્ર
મિત્ર એટલે તો જાણે આપણું અવિભાજ્ય અંગ. દરેકના જીવનમાં મિત્રોનો ફાળો સવિશેષ રહેલો હોય છે. મિત્રો પાસે બેધડક દરેક ફિલિંગ્સ વહેતી મૂકવામાં આપણે અચકાતાં નથી. ઘણાના મિત્રો તો પરિવારના સભ્યો કરતાં પણ વધુ નજીક હોય છે ને એટલે જ તેની લાગણીની સાથે જ ઘણી બધી અપેક્ષાઓ પણ જોડાયેલી હોય છે પણ ઘણી વાર જો એ મિત્ર આપણી વહારે ન આવી શકે તો આપણે તેને અપશબ્દો બોલીને સંબંધો તોડવા તૈયાર થઈ જતાં હોઈએ છીએ. એક વાર એવું જ થયું અને બાળપણની મિત્રતા તૂટી ગઈ. વાત એમ હતી કે એક વ્યક્તિને ધંધામાં મોટી ખોટ નડતાં પૈસાની ભરપાઈ કરવા માટે તેનું ઘર નીલામ કરવાની નોબત આવી અને એણે મિત્ર પાસે હકથી મદદ માંગી. જો કે એ સમયે એ મિત્રની આર્થિક હાલત એટલી સારી ન હોવાને કારણે પૂરતી મદદ ન કરી શક્યો પણ મિત્રને પોતાના ઘરે રહેવા માટે આમંત્રણ જરૂર આપ્યું પણ ગુસ્સામાં એ વ્યક્તિએ પોતાની મિત્રતા પર હંમેશાં માટે પૂર્ણવિરામ મૂકી દીધું.

પતિપત્ની
પતિપત્ની એટલે સંસારરથનાં બે પૈંડાં. બન્નેની એકબીજા પ્રત્યે ભરપૂર અપેક્ષાઓ જોડાયેલી હોય છે. એટલે ઘણી વાર નાનીમોટી નોકઝોક તો થતી જ રહે છે. ઘણી મહિલાઓને ટેવ હોય છે કે તેમના પાડોશી કે મિત્ર જેવી વસ્તુ કે કપડાં માટે તે પતિ પાસેથી અપેક્ષા રાખતી હોય છે અને આ અપેક્ષાઓનો ક્યારેય કોઈ અંત જ નથી આવતો. જ્યારે પતિઓને પણ તેની પત્ની પાસેથી ભાવતું ભોજન બનાવવાની અને ઘર વ્યવસ્થિત રાખવાની હંમેશાંથી અપેક્ષા હોય છે એટલે જો તેમની અપેક્ષાઓ ન સંતોષાતી હોય તો બંનેએ સાથે બેસીને આ અંગે ચર્ચા કરીને થોડી બાંધછોડ કરીને સંબંધોમાં આવતી કડવાશને નિવારવી જોઈએ.

પ્રેમી- પ્રેમિકા
પહેલાંના પ્રેમી- પ્રેમિકાને તો માંડ વાતો કરવાનું કે મળવાનું મળતું હતું એટલે ઝાઝી અપેક્ષાઓ પણ ન હતી. જો કે આજના પ્રેમીપંખીડા જેટલી ઝડપથી આકાશમાં વિહરે છે એટલી જ ઝડપથી નીચે પણ પટકાતા હોય છે. આનું કારણ છે એકબીજા પ્રત્યેની વધુ પડતી અપેક્ષાઓ. આજના પ્રેમીઓ તો ફોન કે મેસેજ ન કરવાથી લઈને મોંઘી ગિફ્ટ્સ ન આપવા અંગે પણ બ્રેકઅપ કરી લેતાં હોય છે. તેઓને જો ખરેખર એકબીજા પ્રત્યે સાચી લાગણી હોય તો પ્રથમ તો અપેક્ષા રાખ્યા વગર એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી સંબંધો પરિપક્વ બનીને આગળ વધી શકે.

કલિગ્સ
એક વાર એક મોટા ઓર્ડર માટે બોસને પોતાના માનીતા કલીગ પર બહુ અપેક્ષાઓ હતી પરંતુ કોઈ કારણસર એ ઓર્ડર મળ્યો નહીં અને બોસે સમગ્ર સ્ટાફની સામે તેને ખખડાવી નાખ્યો. જો કે આ કર્મચારી ઓછા વેતનમાં નિષ્ઠાથી પોતાનું કામ કરતો હતો અને એને પણ એવી અપેક્ષા તો હતી જ કે મારું કામ જોઈને બોસ મને વેતન વધારી આપશે પણ એવું તો થયું નહીં અને ઊલટાના બોસ તેના પર વરસી બેઠા. આમ બંનેની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં અને પેલા માનીતા કર્મચારીએ અન્ય કંપનીમાં ઊંચા પગારની નોકરી સ્વીકારી લીધી જેના કારણે બોસે એક સારો કર્મચારી ગુમાવ્યો.

અજાણી વ્યક્તિ
એવું નથી કે જાણીતી કે માનીતી વ્યક્તિ પાસે જ આપણે અપેક્ષા રાખીએ છીએ. તમે રસ્તા પર જતાં હો અને અચાનક ઠોકર લાગવાથી પડી જાઓ તો રાહદારી પાસે ઊભા કરવાની અપેક્ષા તો જાગી જ જાય. આ સિવાય કોઈ તમને અડધે સુધી લિફ્ટ આપે તો એનાથી વધારે અપેક્ષા એવી જાગે કે એ નિર્ધારિત સ્થળે મૂકી પણ જાય.

Most Popular

To Top