અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યાપાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્તવ્રત જેને અલૂણાં અથવા ગૌરીવ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય છે. આપણી સંસ્કૃતિમાં તહેવારો સમાજજીવનની રહેણીકરણી સાથે વણાઈ ગયેલા છે અને એ તહેવારોનો મૂળભૂત હેતુ સમાજના માળખાને વધુ સુદઢ બનાવવાનો હોય છે. આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે, મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયાપાર્વતી વ્રત કરે છે જેમાં તે શિવપાર્વતીની આરાધના કરે છે અને અખંડ સૌભાગ્યની કામના કરે છે, પણ પ્રશ્ન અહી એ ઉદભવે છે કે શું ખરેખર આ વ્રત કે ઉપવાસ કરવા પાછળનું ધાર્મિક મહત્ત્વ આજની છોકરીઓને ખબર હોય છે ખરી ? કે પછી વ્રત દેખાદેખી કે શોખ ખાતર જ કરતી હોય છે. આ જાણવા અમે મળ્યા 11 થી 18 વર્ષની ઉમરની છોકરીઓને અને જાણ્યું કે તેઓ આ વ્રત કે ઉપવાસ પોતાની મરજીથી કરે છે કે તેમની ફ્રેન્ડ કરે આથી તેઓ પણ કરે છે ? શું તેમને ઉપવાસ કરવા પાછળનો હેતુ ખબર હોય છે ખરો ? તેઓ વ્રત શ્રધ્ધાથી કરે છે કે ફકત શોખ ખાતર કરે છે? ચાલો જાણીએ….
મારી બધી ફ્રેન્ડ્સ અલૂણાં કરે છે આથી મને પણ શોખ થયો :હીર પટેલ
11 વર્ષીય હીર પટેલ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. હીર પટેલ જણાવે છે કે, ‘’હું છેલ્લાં 3 વર્ષથી અલૂણાં કરું છું. આ મારું ચોથું વર્ષ છે. મારી બધી ફ્રેન્ડ્સ અલૂણાં કરે છે આથી મને પણ શોખ થયો અને હું પણ અલૂણાં કરું છું. અલૂણાંમાં મહેંદી મૂકવાની, દરરોજ નવાં નવાં કપડાં પહેરવાનાં, ફરવા જવાનું, બહેનપણીઓ સાથે રમવાનું મને ખૂબ જ ગમે છે. એનું મહત્ત્વ તો મને વધારે ખબર નથી. હું તો શોખ ખાતર કરું છું.’’
અલૂણાં કેમ કરાય એના વિષે મને હજુ સમજણ નથી : મનાલી સોની
12 વર્ષીય મનાલી દીપકભાઈ સોની સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. મનાલી જણાવે છે કે, ‘’હું અલૂણાં કરું છું કેમ કે ખાસ મને જાગરણમાં જાગવાનું, રમવાનું, ફરવા જવાનું, પાંચ દિવસ અલગ અલગ કપડાં પહેરવાનું ખૂબ જ ગમે છે આથી મેં મારી મમ્મીને કીધું તો તેમણે મને વ્રત કરવાની પરવાનગી આપી. પાંચ દિવસ મીઠા વિનાનું ખાવાનું, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, સૂકીભાજી, અને અલગ અલગ ખાવાનું ગમે. આથી હું પણ અલૂણાં કરું છું. અલૂણાં કેમ કરાય એના વિષે મને હજુ સમજણ નથી.’’
આ વર્ષે કોરોનાનો માહોલ હળવો થતાં હું વ્રત કરીશ : હેત્વી ચૌહાણ
13 વર્ષીય હેત્વી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. હેત્વી ચૌહાણ જણાવે છે કે, ‘’મારાં અલૂણાં પૂરાં થઈ ગયાં, ગયા વર્ષે મમ્મીએ કોરોનાને લીધે જ્યાપાર્વતી વ્રત કરવાની ના પાડેલી, પણ આ વર્ષથી હું જ્યાપાર્વતીનું વ્રત કરવાની છું, કેમ કે આ વર્ષે થોડી હરવાફરવાની પણ છૂટછાટ મળી છે અને કોરોનાના કેસ પણ ઓછા થયા છે. જ્યાપાર્વતીનું વ્રત શા માટે કરવામાં આવે એનું ઇમ્પોર્ટ્ન્સ મને ખબર છે, એ સાચું પડે કે નહીં એ તો મને ખ્યાલ નથી પણ હું મારા મનથી શ્રધ્ધા અને વિશ્વાસથી વ્રત કરીશ.’’
મમ્મી કહેતા કે ‘આ વ્રત કરે તો સારો પતિ મળે : એની મુકુંદ પટેલ
14 વર્ષીય એની આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. એની પટેલ જણાવે છે કે, ‘’હું જ્યાપાર્વતીનું વ્રત કરું છું. આ મારું બીજું વ્રત હશે. આ જ્યાપાર્વતી વ્રત કરવા પાછળનો ઇતિહાસ કે કથા વિષે મને થોડો ખ્યાલ છે કે પાર્વતીજીએ આ વ્રત શિવજી માટે કર્યા હતા. બધી છોકરીઓ સરસ મહેંદી મૂકે, ફરવા જાય, તૈયાર થાય એમને જોઈને મને પણ મન થયું આથી હું મારા મનથી જ આ વ્રત કરું છું. મારા મમ્મી કહેતા કે ‘આ વ્રત કરે તો સારો પતિ મળે’ આથી હું શ્રધ્ધા અને વિશ્વાસથી જ્યાપાર્વતીનું વ્રત કરું છું.’’
શ્રધ્ધા અને વિશ્વાસથી વ્રત કરવા જોઈએ : માનસી ઘાસકટા
16 વર્ષીય માનસી ઘાસકટા જણાવે છે કે, ‘’આ વર્ષથી મને વ્રત કરવાની ઈચ્છા છે કેમ કે મારી બધી ફ્રેન્ડ્સ વ્રત કરે છે, પાંચ દિવસ ફરવા જવાનું અને ઘરમાં પણ પાંચ દિવસના રાજા, ઉપવાસ હોય એટલે કોઈ રોકટોક જ કરે નહીં, અને વળી જાગરણમાં આખી રાત ફરવા મળે આથી મારે પણ વ્રત કરવું છે. આ વ્રત શા માટે છોકરીઓ કરે તેની પાછળનું ધાર્મિક મહત્ત્વ મને ખબર છે, આથી એ પણ તો ખરું જ ! મારી મમ્મી કહે છે કે શ્રધ્ધા અને વિશ્વાસથી વ્રત કરવા જોઈએ જેથી સારો પતિ મળે. આથી હું સાચા મનથી જ્યાપાર્વતી વ્રત કરીશ.’’
પાંચ દિવસ બહેનપણીઓ સાથે ખૂબ જ એન્જોય કરીએ છીએ : ધ્વનિ સેલર
17 વર્ષીય ધ્વનિ સેલર બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. ધ્વનિ સેલર જણાવે છે કે, ‘’જ્યાપાર્વતી વ્રતનું આ મારું પહેલું વ્રત છે. નાની હતી ત્યારે હું અલૂણાં વ્રત કરતી હતી. હવે હું આ વર્ષથી જ્યાપાર્વતી વ્રત કરીશ. મને મહેંદી મૂકવાનો ખૂબ જ શોખ છે, આ પાંચ દિવસ બહેનપણીઓ સાથે ખૂબ જ એન્જોય કરીએ છીએ અને ક્યાં પાંચ દિવસ પૂરા થઈ જાય એનો ખ્યાલ જ નથી રહેતો. એવું પણ નથી કે આ વ્રત શોખ ખાતર કરું છું. આ વ્રતનું ઇમ્પોર્ટ્ન્સ પણ મને ખબર છે કે પાર્વતીજીએ આ વ્રત કરેલા જેથી તેમને શિવજી મળ્યા હતા આમ સારા પતિ મેળવવા પણ આ વ્રત શ્રધ્ધા અને વિશ્વાસથી કરવું જોઈએ.’’
હું કોઇની દેખાદેખીથી જ્યાપાર્વતી વ્રત નથી કરતી : તીષા મનસુખ પટેલ
17 વર્ષીય તીષા મનસુખભાઇ પટેલ બારમા ધોરણમાં અભ્યાસ કરે છે. તીષા પટેલ જણાવે છે કે, ‘’મેં પાંચ વર્ષ અલૂણાં પણ કર્યા અને હવે જ્યાપાર્વતીનું વ્રત પણ કરું છું, આ વ્રતનું મારું ચોથું વર્ષ છે. જ્યાપાર્વતીનું વ્રત હું મારા મનથી જ કરું છું. હું કોઇની દેખાદેખીથી વ્રત નથી કરતી કે મારી ફ્રેન્ડ કરે એટલે હું નથી કરતી પણ મને થયું કે મારે પણ વ્રત કરવું જોઈએ આથી હું પણ કરું છું અને જોવા જઈએ તો જ્યાપાર્વતી માતાએ પણ શિવજીને પામવા આ વ્રત કર્યું હતું આથી તેનું ઘણું મહત્ત્વ છે અને મને પણ શ્રધ્ધા છે કે સાચા મનથી જો વ્રત કરીએ તો એ ચોક્કસ ફળે.’