Business

કેટલી કરવાની મારે રાવ અહીં, ઓ ખુશી ! ક્યારેક તો તું આવ અહીં!

મનોહર સવારના જાગ્યો ત્યારથી એના મનનો એક જ વિચારે કબજો લઈ લીધો હતો. છ છ મહિનાથી ઘેર બેઠા બેઠા બધી બચત પણ ખૂટી ગઈ. હવે તો કોરોના પણ લગભગ ગયો પણ ગયેલી નોકરી હવે ક્યાંથી આવવાની છે? શું કરવું હવે? માત્ર મનોહર જ નહીં, એના જેવા તો અસંખ્ય માણસો આ રીતે જ વિચારતા હશે પણ મનોહરની વાત થોડી જુદી છે. એ માણસ હીરાના કારખાનામાં મેનેજર હતો. સુરતના વરાછા રોડ પર જરીવાળા ડાયમન્ડઝમાં ભલે એ મેનેજર તરીકે હતો પણ એનું માન ઘણું હતું. માન હોવાનું કારણ એક જ- એ પ્રામાણિક હતો.

શેઠ જગદીશ જરીવાળાના લાખો રૂપિયા એની પાસે પડ્યા હોય, કાળું નાણું સાચવવા ને જવાબદારી પણ એની હોય છતાં એક રૂપિયાની પણ ગરબડ એણે કદી નહોતી કરી. “જાગીને તરત શા વિચારમાં પડી ગયા?” મનોહરની પત્ની વાસંતીએ ચાનો કપ એની સામે ધરતાં કહ્યું, “પૈસાના જ વિચારોમાં ડૂબેલા છો ને?”

“બીજા શાના વિચારો હોય વાસંતી?” મનોહરના જવાબમાં નિરાશા ભળી, “મને એમ કે, હવે કોરોના ઓછો થયો છે તો શેઠ હવે ફેક્ટરીઓ ખોલશે પણ સરકારે તો હજી પણ ફેક્ટરીઓ ખોલવાની ના પાડી છે. હવે આપણી બચત પણ ખલાસ થવા આવી છે. આવા સંજોગોમાં શું કરવું એની જ મને તો સૂઝ પડતી નથી.” ‘’જ્યારે સૂઝ ન પડે,” વાસંતીએ કહ્યું, “ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું. એ ચોક્કસ આપણી મદદ કરશે જ.”

‘’સાચું કહું,” મનોહરે વાસંતી સામે જોઈને કહ્યું, “મને તો હવે ભગવાન પર પણ શ્રધ્ધા નથી રહી. આપણને આટલી તકલીફ છે છતાં એ સામું જુએ છે? દુઃખી માણસની મદદે કોઈ ભગવાન આવતા નથી, એ મેં જોઈ લીધું આ વખતે. ક્યાં સુધી આપણે રાવ કરવાની?” ‘’સાચું કહું તો,” વાસંતીએ હસીને કહ્યું, “દુઃખ આવે ત્યારે જ માણસ ભગવાનને યાદ કરે એવો સ્વાર્થી છે એટલે જ ભગવાન એની મદદે કદાચ નહીં આવતા હોય પણ મને બાજુવાળા શ્રધ્ધાબહેને આજે વાત કરી, એના પરથી લાગે છે કે, આપણે પણ એ મંદિરે જવું જોઈએ.”

“શું વાત કરી શ્રધ્ધાબહેને?” મનોહરે પૂછી લીધું.  “એમને પરણ્યા પછી સંતાન નહોતું થતું,” વાસંતી બોલી, “એમણે ઘણી માનતાઓ માની, જાત જાતનાં દેવદેવીઓની બાધા રાખી, અરે છેક તિરુપતિ બાલાજી જવાની પણ બાધા રાખી છતાં બે વરસ સુધી કોઈ ભગવાને એમની સામે ન જોયું, પછી કોઈએ એમને સૂચવ્યું કે મોટા વરાછાથી સહેજ આગળ રોડ પર જ દુઃખીયાનો દરબાર એવું રણુજાના રાજા રામદેવનું મંદિર છે ત્યાં દર્શન કરો ને માનતા માનો. એ દેવ અચૂક તમારું દુઃખ દૂર કરશે. તમે માનશો, શ્રધ્ધાબહેને ત્યાં જઈને પાંચ શ્રીફળ ચડાવવાની બાધા રાખી ને નવમે મહિને એમને ઘેર કેયૂરનો જન્મ થયો. આપણા દીકરા મનુ કરતાં એ બે વરસ નાનો છે પણ ગલગોટા જેવો છે.”

‘’તો આપણે શું કરીશું?” મનોહરના નયનસરોવરમાં પ્રશ્નકમળ ખીલ્યું. “આપણે પણ ત્યાં દર્શન કરવા જઈએ.” વાસંતી બોલી, “અને ત્યાં માનતા માનીએ કે જો સારા એવા પૈસા આવશે કે નોકરી ચાલુ થઈ જશે તો આપણે પણ પાંચ શ્રીફળ  ને એક કિલો ઘારી ચડાવીશું.” “મને શ્રધ્ધા નથી,” મનોહર બોલ્યો, “પણ તું કહે છે તો, આપણે ચોક્કસ દર્શન કરવા જઈશું. આમ પણ આપણા ઘરથી ક્યાં દૂર છે? બોલ, ક્યારે જઈશું?”

‘’આજે શુક્રવાર થયો,” વાસંતી બોલી, “આપણે રવિવારે જઈએ.” રવિવારે રણુજાના રાજા રામદેવના મંદિરે જવાનું નક્કી થયું, વાસંતીએ એવું પણ નક્કી કર્યું કે, એ દિવસે સવારના જમવાનું લઈને નીકળી જવું અને સરથાણા નેચરલ પાર્કમાં જમવું અને પછી ત્યાંથી દર્શન કરવા જવું. શનિવારે સાંજના વાસંતી ગલીના નાકેથી મેથી લઈ આવી અને આવતીકાલ માટે એણે થેપલા બનાવવાના શરૂ કર્યા. થેપલા, અથાણું, ગોળ અને દહીં લઈને જવાનું એણે નક્કી કરેલું. એ સમયે મનોહર દીકરા મનુ સાથે ટી.વી. જોતો હતો અને ડોરબેલ રણકી. ઊભા થઈને એણે બારણું ખોલ્યું અને એ ચમકી ગયો.

‘’અરે! શેઠ, તમે?!” એણે આશ્ચર્યથી પૂછ્યું. ‘’મને એમ કે,” શેઠ જગદીશભાઈ જરીવાળાએ અંદર પ્રવેશતાં કહ્યું, “કોરોનાકાળમાં તારી ખબર લેવાઈ નથી તો જતો આવું અને કંઈ કામકાજ હોય તો પૂછતો આવું.” ‘’બેસો બેસો શેઠ,” મનોહરે ખુરશી લંબાવતાં કહ્યું અને વાસંતીને પાણી લાવવા કહ્યું. “પૈસાની જરૂર હોય તો બોલ મનોહર,” જગદીશભાઈએ કહ્યું, “શરમમાં ન રહેતો. વિના સંકોચે માગી લે.” ‘’ના રે શેઠ’’ પાણી  લઈને આવેલી વાસંતીએ ટિપોઈ પર ચા અને પાણી મૂકતાં કહ્યું, “અત્યારે તો જે બચત કરી હતી એમાંથી ચાલે છે એટલે વાંધો નથી.”

“છતાં,” શેઠે દસ હજાર રૂપિયાની થોકડી કાઢીને ટિપોઈ પર મૂકતાં કહ્યું, “થોડા પૈસા રાખો, એમ માની લેજો કે પગાર આવ્યો હતો.” ચા પીને શેઠ ઊભા થયા અને જતાં જતાં એમણે ઘરમાં નજર નાખી. ‘’મનોહર,” એમણે પૂછ્યું, “ઘરમાં સોફા નથી? સોફા હોય તો બેસવાની મઝા આવે ને? અને મારા જેવા આવે તો થોડું બેસી પણ શકે.” ‘’હમણાં તો…” મનોહર જવાબ આપતાં ગૂંચવાયો.

‘’ચિંતા ન કર મનોહર,” શેઠ બોલ્યા, “બહુ મોંઘા નથી આવતા સોફા અને હમણાં તો અલંગના શીપ તૂટે છે એના સોફા બહુ સરસ આવે છે. કિંમતમાં પણ સસ્તા. મારા એક સંબંધી મિસ્ત્રી છે, એની પાસે આવા બે-ત્રણ સોફા છે. હું એને કહીશ, એ કાલે જ મૂકી જશે. પૈસા હું આપી દઈશ, પછી આપણાં કારખાનાં શરૂ થાય એટલે તારા પગારમાંથી કપાવજે, બસ?” એમને મૂકવા બારણાં સુધી ગયેલો મનોહર તો ગળગળો થઈ ગયો. એક ક્ષણ તો એ બોલી પણ ના શક્યો. “શેઠ,” એણે કહ્યું, “કાલે તો અમે રણુજાના મંદિરે મોટા વરાછામાં દર્શન કરવા જવાના છીએ એટલે સાંજના મોકલજો સોફા.”

“ભલે ભલે,” શેઠે પગ ઉપાડતાં કહ્યું, “અને જો, આ બધા શીપમાંથી કાઢેલા સોફા હોય છે એટલે થોડા ઘણા ડેમેજ હોય. તું કાલે સાંજના જોઈ લેજે, તને કંઈ ખરાબ લાગે તો સોફા લઈને આવનાર મિસ્ત્રીને કહેજે, એ આવીને રિપેર કરી જશે.”  બીજા દિવસે બપોરના તો રણુજાના મંદિરે પાંચ શ્રીફળની બાધા રાખીને ત્રણે જણા સાંજના ઘેર પણ આવી ગયાં.  એ લોકો ઘેર આવ્યા એના અડધા કલાક પછી એક ટેમ્પો આવીને એના ઘર પાસે ઊભો રહ્યો. એમાં સોફા લઈને મિસ્ત્રી આવ્યો હતો.  સોફાસેટ ઉતરાવીને મનોહરે બેઠકરૂમમાં ગોઠવડાવ્યો. હવે ઘર ખરેખર સરસ લાગતું હતું. જો કે, સોફામાં પાછળની બાજુ કાપડ થોડું ઉખડેલું હતું.  ‘’મિસ્ત્રી,” મનોહરે કહ્યું, “આ પાછળ થોડું કાપડ ઉખડેલું છે, નીચે પણ સહેજ ઉખડેલું છે એ….”

‘’મેં જોઈ લીધું સાહેબ,” મિસ્ત્રી બોલ્યો, “મારા ધ્યાનમાં આવી ગયું છે પણ હવે કાલે હું અહીં આવીને ફીટ કરી દઈશ. આ શીપ તો આપણું ઈન્ડિયાનું જ હતું એટલે આવા સોફા હું રિપેર કરી શકું, બાકી અમેરિકા કે રશિયાનું શીપ હોત તો થોડી તકલીફ પડેત. તમે ચિંતા ન કરો, હું કાલે બપોરના આવી જઈશ.” મિસ્ત્રી ગયો એ પછી મનુ તો સોફામાં આળોટ્યો.વાસંતીએ ચારે બાજુ ફરીને સોફાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. પાછળ ફાટેલું કાપડ પોતે સાંધી શકશે એવું લાગતાં એ સોયદોરો લઈને સોફાની પાછળ બેસી ગઈ. “આ જુઓ તો,” અચાનક એણે મનોહર સામે જોયું, “અહીં આ ફાટેલા કાપડની પાછળ કૈંક લાગે છે. કાગળના ડૂચા ભરાવેલા હોય એવું લાગે છે. એના લીધે જ આ કપડું ફાટી ગયું હશે. આપણે કાઢી નાખીએ?”

“તું શા માટે માથાકૂટ કરે છે વાસંતી,” મનોહર બબડ્યો, “કાલે મિસ્ત્રી આવશે એ કરી આપશે.” “અરે, આવું નાનું કામ તો હું કરી શકીશ,” વાસંતીએ કાપડ ખેંચવાનું શરૂ કર્યું, “આ કાગળના ડૂચા કાઢીને કાપડને ટાંકા લઈ દઈશ, એટલે સરસ થઈ જશે. તમે આવો સહેજ મદદમાં.” મનોહર અને વાસંતીએ સોફાની પાછળના ડૂચા કાઢવા કાપડ સહેજ ખોલ્યું અને એમના આશ્ચર્ય વચ્ચે અંદરથી નોટોની થપ્પીઓ નીકળી! બન્ને અવાચક થઈ ગયાં.

મનોહરને પૈસા ગણવાની ફાવટ હતી એટલે પંદરેક મિનિટમાં એણે પૈસા ગણી નાખ્યા – ત્રણ લાખ રૂપિયા હતા! “હે રણુજાના રાજા રામદેવ,” વાસંતી બે હાથ જોડીને ઊંચે જોઈને બોલી, “તમે તો કમાલ કરી, કાલે બાધા રાખી ને આજે તો તમે પૈસાનો વરસાદ વરસાવી દીધો!” ‘’ના વાસંતી,” મનોહર બોલ્યો, “આ પૈસા પર આપણો હક નથી, શેઠે અત્યારે સોફાના પૈસા આપ્યા છે એટલે એમનો હક ગણાય અને એવું હશે તો એ સોફાના માલિકને શોધીને એને પૈસા પરત કરશે. હું હમણાં જ શેઠને ફોન કરું છું.”

મનોહરે શેઠને ફોન કર્યો, ને જવાબમાં શેઠ બોલ્યા “આવી રીતે મુસાફરો પૈસા છુપાવતા હોય છે ને પછી ભૂલી જતા હોય છે એટલે આ પૈસા કોના છે એની કોઈનેય ખબર ન હોય. આવા તો કૈંક કિસ્સા ભાવનગર અને એની આજુબાજુ બન્યા છે. ઘણાંને તો સોનાની લગડીઓ પણ નીકળી છે. આ તો ભારતનું શીપ હતું એટલે આપણા રૂપિયા નીકળ્યા, નહીંતર મોટાભાગે તો ડોલરની થપ્પીઓ જ નીકળે. હવે એના પર તારો જ હક છે, એટલે તમે વાપરો અને મઝા કરો.”  “હવે આપણે કાલે બાધા પૂરી કરીએ વાસંતી,” મનોહરે વાસંતીને ભેટી પડતાં કહ્યું, “ હવે આ પૈસા આપણા જ છે.” આ બાજુ, મનોહરનો ફોન પત્યો એટલે શેઠે મિસ્ત્રીને ફોન કર્યો.

મિસ્ત્રી, શેઠે કહ્યું, “આપણે છુપાવેલા ને તારે કાલે કાઢવાના હતા એ પૈસા મનોહરે આજે કાઢી લીધા છે એટલે કાલે હવે તું ખાલી આંટો મારવા જજે ને કાપડ સાંધી આપજે. ખબરદાર, મેં આ પૈસા તારી મદદથી સોફામાં મુકાવેલા એ વાત ક્યાંય બહાર ન જાય એનું ધ્યાન રાખજે.” એમનો ફોન પત્યો ત્યારે આ બાજુ મનોહર અને વાસંતી સુરતની પ્રખ્યાત ઘારીની દુકાને જવા નીકળતાં હતાં!                                      (શીર્ષકપંક્તિઃ પૂર્ણિમા ભટ્ટ)

Most Popular

To Top