Charchapatra

ધાર્મિક પંડાલો કેટલા દિવસ રાખવાના?

શ્રાવણ માસથી આસો માસ સુધીના 3 માસ હિંદુઓના ધાર્મિક તહેવારોની મૌસમ છે. જેમાં ગણેશ ઉત્સવ તો ખૂબ લાંબો અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો અનોખા આનંદનો તહેવાર છે. છેલ્લાં 50 વર્ષમાં આ તહેવારની ઉજવણી શહેરના વિસ્તરણની સાથે જંગી પાયે વધી છે. જેની ઉજવણી માટે શહેરમાં જાહેર રસ્તાઓ અવરોધીને 50 હજારથી વધુ તો પંડાલો બંધાય છે. એક તરફ મેટ્રોવાળાએ આખું શહેર ખોદી નાખ્યું છે અને તેમાં ગલી ગલીએ રસ્તા રોકતાં 50 હજાર મંડપો બંધાય ત્યારે હાલત શું થાય જરા વિચારો તો ખરા. કોઇ બોલવા તૈયાર નથી.

પ્રજા કૂટાઈ રહી છે. 27 ઓગષ્ટના રોજ ગણેશ સ્થાપન છે અને 1 ઓગસ્ટથી મંડપો ઊભા થવા લાગ્યા છે યાને 27 દિવસ અગાઉથી મંડપો ઊભા થાય છે અને 10 દિવસની ઉજવણી ત્યાર બાદ બીજા 5 થી 7 દિવસ જંગી મંડપો છોડતા થાય એટલે કે કુલ 45 થી 50 દિવસ લોકોના રસ્તા બંધ – અવરજવર બંધ. દુકાનદારોના ધંધા બંધ. લોકોને પડતી તકલીફો તો વિચારો. દશ દિવસના ઉત્સવ માટે 50 દિવસ રોડ રસ્તા બંધ! આ નર્યું ગાંડપણ છે, જે વિચારણા માંગે છે. નહીં તો કાયમી પરમિશન આપી દો.
પાલનપુર પાટિયા, સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top