Editorial

રશિયા-યુક્રેન યુદ્ધ હજી કેટલું લંબાશે?

રશિયાએ ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ યુક્રેન પર આક્રમણ કરી દીધું તેને હવે એક વર્ષ થવાની તૈયારી છે અને હજી પણ આ યુદ્ધ ચાલુ જ છે. આ યુદ્ધ શરૂ થયું ત્યારે એવી ધારણા રખાતી હતી કે બહુ બહુ તો થોડા સપ્તાહ સુધી આ યુદ્ધ ચાલશે. અતિ શક્તિશાળી રશિયા સામે યુક્રેન વધુ ટકી શકશે નહીં અને થોડા સમયમાં તે હારી જશે. પરંતુ યુક્રેનિયનોએ રશિયાને બહુ સખત ટક્કર આપી. જો કે અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશોનો સહકાર અને ટેકો યુક્રેનને છે તે પણ એક નોંધપાત્ર બાબત છે છતાં યુક્રેનિયન લશ્કર અને સત્તાધીશોનો અને પ્રજાના એક મોટા વર્ગનો જુસ્સો એક મહત્વની બાબત છે. યુદ્ધની શરૂઆતના દિવસો તો ઘણા જ કપરા હતા.

ભારત માટે પણ તે ચિંતાજનક એ રીતે હતા કે યુક્રેનમાં ભારતના નાગરિકો, ખાસ કરીને મોટા પ્રમાણમાં તે દેશમાં ભણવા ગયેલા મેડિકલના વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા અને તેમને સલામત બહાર કાઢવાના હતા. મહામુશ્કેલીએ આ કામગીરી પાર પડી. એક ભારતીય વિદ્યાર્થીનું તો મોત રશિયન મિસાઇલમારામાં નિપજ્યું જ , છતાં આ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સલામત બહાર કાઢી લેવાયા, અન્ય દેશો પણ પોતાના નાગરિકોને લઇ ગયા, યુક્રેન છોડીને ભાગેલા લાખો યુક્રેનિયનોએ પણ સરહદ પર અંધાધૂંધી સર્જી.

પરંતુ યુક્રેનિયન લશ્કરે રશિયન લશ્કરનો મક્કમ મુકાબલો કર્યો. યુક્રેનમાં જ રોકાઇ રહેલા યુક્રેનિયન નાગરિકોએ પણ અદભૂત હિંમત બતાવી અને ઘણા મોરચે તો રશિયાએ પીછેહટ પણ કરવી પડી, રશિયાના ઘણા સૈનિકો માર્યા ગયા અને શસ્ત્ર સામગ્રીની રીતે પણ તેને ઘણુ નુકસાન થયું, છતાં યુક્રેનને થયેલું નુકસાન ઘણુ વ્યાપક છે તે એક કઠોર હકીકત છે. એક અંદાજ પ્રમાણે આ યુદ્ધમાં ૭૦૦૦ જેટલા લોકો માર્યા ગયા છે અને હજારો લોકો ઇજાગ્રસ્તો છે અને આ મૃતકો અને ઇજાગ્રસ્તોમાં યુક્રેનિયન નાગરિકોનું પ્રમાણ ઘણું મોટું છે. આ યુદ્ધની આંતરરાષ્ટ્રીય અસરો પણ નોંધપાત્ર છે. દુનિયાભરમાં તેને કારણે મોંઘવારી વધી છે અને પશ્ચિમી દેશોના અર્થતંત્રો પર તેની અસર વધારે છે.

આ યુદ્ધને એક વર્ષ પુરું થાય તે પહેલા એક મહત્વની ઘટના બની ગઇ. અમેરિકી પ્રમુખ જો બાઇડન અચાનક સોમવારે યુક્રેનની મુલાકાતે પહોંચી ગયા. બાઇડને અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનની સાથે જ છે તેવો સંદેશો આપ્યો હતો. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક વર્ષ થવા આવ્યું છે અને યુદ્ધ હજી ચાલુ જ છે ત્યારે યુક્રેનની રાજધાની કિવમાં બાઇડને ઝેલેન્સ્કી સાથે મંત્રણા કરી હતી અને મંત્રણા પછી જાહેર કર્યું હતું કે એક વર્ષ પછી પણ, કિવ મક્કમ ઉભું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેન ઉભું છે, લોકશાહી ઉભી છે. અમેરિકનો તમારી સાથે ઉભા છે, અને વિશ્વ તમારી સાથે ઉભું છે. બાઇડને યુક્રેનિયન રાજધાનીમાં પાંચ કલાક કરતા વધુ સમય વીતાવ્યો હતો અને ઝેલેન્સ્કી સાથે આગામી પગલાઓ અંગે વાતચીત કરી હતી, યુદ્ધમાં પ્રાણ ગુમાવનાર સૈનિકોને માન આપ્યું હતું તથા આ યુદ્ધ ગ્રસ્ત દેશમાંના અમેરિકી દૂતાવાસના કર્મચારીઓને મળ્યા હતા.

અમેરિકી પ્રમુખની આ મુલાકાત એક અગત્યના સમયે આવી છે જ્યારે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને ટેકો આપનાર દેશોને એકત્ર રાખવા માટે બાઇડન પ્રયાસો કરી રહ્યા છે. કિવમાં બાઇડને યુક્રેનને અમેરિકાની વધારાની અડધો અબજ ડોલરની સહાયની જાહેરાત કરી હતી, જે તેને અત્યાર સુધી અપાયેલ પ૦ અબજ ડોલર કરતા વધુની સહાય ઉપરાંતની છે. આ સહાયમાં હોવિત્ઝર તોપોના ગોળાઓ, એન્ટિ ટેન્ક મિસાઇલો, એર સર્વેલન્સ રેડારો વગેરેનો સમાવેશ થાય છે. જો કે કોઇ નવી આધુનિક શસ્ત્ર સામગ્રીનો આમાં સમાવેશ થતો નથી.

અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરે છે પણ યુદ્ધમાં ભોગવવાનું તો વધારે યુક્રેનને જ આવે છે. બાઇડનની આ મુલાકાત ટાણે પણ યુદ્ધ ચાલુ જ હતું અને છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૫ શહેરો અને ગામડાઓ પર ગોળા ફેંકાયા હોવાના તથા આ સમયગાળામાં ઓછામાં ઓછા છ નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ હતા. બાઇડન યુક્રેનમાં હતા ત્યારે પણ કિવ સિવાયના યુક્રેનના કેટલાક વિસ્તારો પર રશિયાના હુમલા ચાલુ જ હતા.

પ્રશ્ન એ છે કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને તેનું છેવટનું પરિણામ શું આવશે? રશિયા યુક્રેનના પૂર્વીય વિસ્તારોને કબજે કરવા માગે છે જે વિસ્તારોમાં રશિયા તરફી લોકોની મોટી વસ્તી છે અને તેણે બળપ્રયોગ કરીને અને એકતરફી રીતે લોકમત લેવડાવીને ત્યાંના કેટલાક પ્રદેશોને તો પોતાની સાથે જોડી દેવાની જાહેરાત કરી પણ દીધી છે જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે જો કે માન્ય રાખી નથી. અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરે છે ત્યારે કેટલાક વિશ્લેષકોને એમ પણ લાગે છે કે તેઓ રશિયા સામે યુક્રેનને ઉંટ બનાવી રહ્યા છે અને આમાં કંઇક વાસ્તવિકતા પણ છે. જો યુક્રેન તેના પૂર્વીય વિસ્તારો છોડી પણ દે અને યુદ્ભ પુરું પણ થઇ જાય તો પણ તેની ભયંકર અસરોમાંથી બહાર આવતા યુક્રેનને ઘણા વર્ષો લાગી જશે તે ચોક્કસ છે.

Most Popular

To Top