સુરત(Surat): આજે તા. 11 માર્ચને સોમવારથી રાજ્યમાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષા (Board Exam) શરૂ થઈ છે. ધો. 10 બોર્ડમાં પહેલાં દિવસે પ્રથમ ભાષાનું પેપર રહ્યું હતું. ગુજરાતી (Gujarati) માધ્યમના વિદ્યાર્થીઓનું ગુજરાતીનું પેપર લાંબુ રહ્યું હતું. વ્યાકરણના અઘરા પ્રશ્નોએ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મુક્યા હતા. જોકે, એકંદરે ગુજરાતીનું પેપર સરળ રહ્યું હોઈ વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું.
આજે ધો.10નું પહેલું પેપર પ્રથમ ભાષાનું હતું. ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ વિષયનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ જણાતા હતા. અંગ્રેજી માધ્યમના પેપરમાં વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર તમારા તારણો પર લેટર સ્ટોરી પૂછાઇ હતી. ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ આપણે પર નિબંધ પૂછાયો હતો. ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો. પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું હતું.
ગુજરાતના સેક્શન એ અને બી વિભાગમાં પાઠ્યપુસ્તકને આધારિત પ્રશ્નો પૂછાયા હતા. જે પ્રમાણમાં સરળ રહ્યાં હતાં. સેક્શન સી ગ્રામર વિભાગ પણ પ્રમાણમાં સરળ જ રહ્યો હતો. વ્યાકરણની પ્રેક્ટિસ કરી હોય તે વિદ્યાર્થીઓએ સરળતાથી પ્રશ્નોના જવાબ લખ્યા હતા. સેક્શન ડી લેખન વિભાગમાં રેગ્યુલર મુદ્દા આધારિત પ્રશ્નો પૂછાયા હતા. વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓનું કર્તવ્ય પર સંક્ષેપ્તિ જવાબ, દીકરી, યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ વિષયો પર નિબંધો પૂછાયા હતા.
વિદ્યાર્થીઓ પોતાની મૌલકિતા અનુસાર સરસ રીતે લખી શકે તેવું સરળ પેપર રહ્યું હતું. પેપરમાં પ્રશ્નોને ટ્વીસ્ટ કરાયા નહોતા તેથી વિદ્યાર્થીઓને રાહત રહી હતી. ગયા વર્ષની સરખામણીમાં પેપર સરળ રહ્યું હતું.
વિદ્યાર્થી નિયતિ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજનું ગુજરાતીનું પેપર સરળ હતું. વ્યાકરણ થોડું અઘરું હતું. તૈયારી સારી હતી સારું ગયું છે. વિદ્યાર્થિની વૈષ્ણવી શાહે કહ્યું હતું કે, આજનું ગુજરાતીનું પેપર થોડું લાંબુ હતું પરંતુ તૈયારી કરી હોવાથી એ પણ સારું ગયું છે.
ધો. 10 અંગ્રેજીનું પેપર કેવું રહ્યું?
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું આજે પહેલું પેપર ઈંગ્લીશનું હતું. તે ખૂબ જ બેલેન્સ હતું. સેક્શન એ લિટરેચર પાર્ટનો હતો. તે ટેક્સ્ટ બુકમાંથી જ બેઠો પુછાયો હતો. કોઈ કોમ્પલિકેશન નહોતા. પાઠ અને કવિતામાંથી સરળ પ્રશ્નો પૂછાયા હતા. સેક્શન સી ગ્રામરમાં પણ પાઠ્યપુસ્તકોમાંથી જ મોટા ભાગે સવાલો પૂછાયા હતા. અભ્યાસ કર્યો હોય તે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ ન હતું. જ્યારે સેક્શન ડી અને ઈ માં રાઈટીંગ સ્કીલ પર ભાર મુકવામાં આવ્યો હતો. નિબંધ વર્તમાન વિષયને અનુરૂપ હતો.