સુરત: પાલનપોર (Palanpor) ફાયર સ્ટેશનની (Fire Station) સામે સિદ્ધિવિનાયક હાઇટ્સમાં ચોથા માળે ગલેરીનો દરવાજો લોક થઇ જતા એક વૃદ્ધા ફસાઇ ગયાં હતાં. આ બનાવની જાણ થતાં પાલનપોર ફાયર સ્ટેશનની ટીમે ફસાયેલી મહિલાનું રેસ્કયુ (Rescue) કર્યુ હતું. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપોર વિસ્તારના પાલનપોર ફાયર સ્ટેશનની સામે આવેલી સિદ્ધિ વિનાયક હાઇટ્સમાં 65 વર્ષીય હેમ્રતાબેન મિસ્ત્રી રહે છે. સોમવારની મોડી રાત્રે 11.44 કલાકના રોજ હેમ્રતાબેન ગલેરીમાં બેઠા હતા તે દરમિયાન અચાનક ગલેરીનો દરવાજો લોક થઇ જતાં તેઓ ફસાઇ ગયા હતાં. આ વૃદ્ધાએ ચોથા માળની ગેલેરીમાંથી બૂમો પાડતા રાહદારીઓ તેમજ પડોશીઓને તેઓ ફસાઇ ગયા હોવાની જાણ થઇ હતી. જેથી ફલેટધારકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા પાલનપોર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં પાંચમાં માળે દોરડું બાંધવામાં આવ્યું હતું અને તેના આધારે એક ફાયર કર્મચારી નીચે ચોથામાળે આવ્યો હતો. ત્યાં ઉતરીને તેણે દરવાજાનું લોક ખોલી મહિલાને સલામત રીતે બહાર કાઢી હતી.
આ પહેલા સરથાણામાં પરિવાર આઠમા માળે ફસાયો હતો
થોડા દિવસ પહેલાં સરથાણા વિસ્તારના વ્રજચોક પાસે આવેલી હરેકૃષ્ણ રેસિડેન્સીના 7માં માળે આજે એક પરિવાર ઘરમાં જ કેદ થઈ ગયો હતો. ફલેટનો દરવાજો લોક થઈ જતા પતિ-પત્ની અને તેમના બે બાળકો અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઉપરના માળેથી દોરડાથી ફ્લેટમાં જઈ ચારેય જણાને બહાર કાઢ્યા હતા. કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દરવાજો તોડીને અંદર જવું પડે તેવી સ્થિતિ હતી, પરંતુ તેમ કરવા જતાં નુકસાન થાય તેમ હોય ફાયરના જવાનોએ જોખમી રસ્તો અપનાવ્યો હતો અને બહાદૂરીપૂર્વક એપાર્ટમેન્ટના 8માં માળેથી દોરડું બાંધી ફાયરનો એક જવાન નીચે ઉતર્યો હતો.
આઠમા માળ ઉપર જઈને ગ્રીલવાળી બારીને ખોલી સાતમા માળે બેડરૂમમાં પ્રવેશી શકાય તેમ હતું. તેથી દરવાજો તોડ્યા વિના આઠમા માળથી સાતમા માળે દોરડું બાંધી એક જવાન ઉતર્યો અને ત્યાર બાદ દંપતી (Couple) અને તેમના બંને બાળકોને સાવચેતીપૂર્વક બહાર કાઢી ઉપર 8 માળે પહોંચાડ્યા હતાં. ફાયર ઓફિસર દિનુ પટેલે કહ્યું કે, સામાન્ય સંજોગોમાં દરવાજો તોડી ફસાયેલા લોકોને બહાર કાઢવા એ રસ્તો અપનાવાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં પરિવાર બેડરૂમમાં ફસાયો હતો. બેડરૂમનો દરવાજો લોક થયો હતો. તેની ચાવી આગળના રૂમમાં પડી હતી જે ફ્લેટનો મુખ્ય દરવાજો હતો તે પણ લોક હતો. તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ઉપરના માળેથી નીચે ઉતરી શકાય છે તેથી આઠમા માળેથી નીચે ઉતરી પરિવારને ઉગારી લેવાયો છે.
