દિવાળી એટલે આપણા સૌ માટે આનંદ, ઉલ્લાસ અને ઉજવણીનો તહેવાર. ઘર સજાવવું, નવી નવી ચીજવસ્તુઓ ખરીદવી, નવાં કપડાંની ખરીદી કરવી, જાતભાતના પકવાનો બનાવવા, ફટાકડા ફોડવા અને પરિવાર સાથે સરસ ‘ક્વોલિટી સમય’ વિતાવવો પરંતુ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન થયા છે. તહેવારોની ઉજવણી બદલાઈ છે. તબિયત ન બગડે તેનું ધ્યાન રાખતા થયા છે પરંતુ તહેવારના દિવસોમાં મીઠાઈ – ફરસાણ વગર તો કેમ ચાલે? એવામાં તબિયત સચવાય એ રીતે ખોરાક લઈ તહેવારો મનાવવા જરૂરી બની જાય. તો આવો, યોગ્ય આહાર દ્વારા સ્વાસ્થ્યની જાળવણી કરી આ દિવાળીને સ્વાસ્થ્યપૂર્વક ઉજવીએ. નીચે પ્રમાણેના આરોગ્યવિષયક મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ.
પૌરાણિક રિવાજો અનુસાર, તહેવારના દિવસોમાં ચૂલે લોઢી (તવી) ન ચઢે, કઢાઈ જ ચઢે. અર્થાત્ તહેવારોમાં શેકેલું ન ખવાય તળેલું જ ખવાય એવી માન્યતા હતી. તેની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ કદાચ તહેવારોને ઉજવવા વધુ પ્રમાણમાં ઊર્જા પૂરી પાડવાનું હોઈ શકે પણ તે જમાનામાં પુષ્કળ શારીરિક શ્રમ કરવામાં આવતો. ઘરકામ, ખેતરોમાં કામ, રસોઈ બધું જ જાતે કરવામાં આવતું. એથી ખોરાકમાં લીધેલી કેલરી બાળી શકાતી. હવે દરેક કામ માટે આસિસ્ટન્ટ હોય, શારીરિક શ્રમ ઓછો પડે એથી એટલી બધી કેલરી બળે નહિ ને શરીરમાં જમા થાય અને તહેવારોમાં અંતે આપણને વજનવધારો તહેવારોની ગિફ્ટ તરીકે મળે. તો આપણે આ જૂની પ્રથા બદલી, પૂરીને બદલે રોટલી અને વડાંને બદલે એ જ ખીરામાંથી બનાવેલ ઢોકળા ખાઈ શકીએ. લાપસીને બદલે બાફેલી થૂલી બનાવી આરોગી શકાય.
દિવાળી હોય અને મઠિયાં, થાપડા, સુંવાળી, ઘૂઘરા ન ખાઈએ તો કેમ ચાલે? ખાઓ કોઈ વાંધો નહિ પણ જો રજામાં અડધો કલાક પણ કસરત કરી થોડી ઘણી કેલરી બાળી શકીએ તો કેમ? આ તળેલા ફરસાણ અને મિષ્ટાન્નનું પ્રમાણ કાબૂમાં રાખવા માટે, એ ખાવા પહેલાં એક ફ્રૂટ અથવા થોડું સલાડ ખાઈએ તો કેમ ? અને હા, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ જેવા પ્રોબ્લેમ હોય, તો ડાયટિશ્યનની સલાહ બાદ જ સેવન કરવું .
તળેલા નાસ્તાને બદલે હાલ ઘણા બધા બેક કરેલા / શેકેલા નાસ્તાના વિકલ્પો પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમ કે રાગી અથવા સોયાબીન ચિપ્સ, ચણા જોર ગરમ, ખાખરા પિત્ઝા જેવું કંઇક ટ્રાય કરી શકાય. ખૂબ ઘીવાળી મીઠાઈઓને બદલે ડ્રાયફ્રૂટવાળી મીઠાઈઓ પર પસંદગી વાળી શકાય જે પ્રમાણમાં ઓછી ફેટ, શુગર અને વધુ માત્રામાં રેસા અને વિટામિન્સથી ભરપૂર હોય. આમ કરવાથી ખૂબ વધુ પડતી કેલરી શરીરમાં ઠલવાતી અટકાવી શકાય. શક્ય હોય તો બહારની માવાની મીઠાઈઓને બદલે ઘરે ખજૂરપાક, બદામખજૂરની બરફી, અંજીરની બરફી, શીંગ-ખજૂરના લાડુ જેવી મીઠાઈઓ ખાંડનો વપરાશ કર્યા વગર પણ બનાવી શકાય.બ્લડ શુગર ન વધે તેનું સતત ધ્યાન રાખતાં રહો. બ્લડ શુગરનું રેગ્યુલર મોનીટરીંગ અને શુગરમાં વધારો થાય તો તરત ડૉકટરની સલાહ લઈ દવાના ડોઝમાં વધારોઘટાડો કરવો.
બ્લડપ્રેશરના દર્દીઓએ ખૂબ સોડા બાઈ કાર્બ ધરાવતાં મઠિયાં – પાપડ ખાવા ટાળવા. પૂરતી ઊંઘ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે. જો પૂરતી ઊંઘ ના મળે તો રોગપ્રતિકારકશક્તિ ઓછી થાય અને તહેવારોના અંતે માંદા પડવાનો વારો આવે. આથી શક્ય એટલી પૂરતી ઊંઘ લેવાનો પ્રયત્ન કરો. જો સ્વિગી અને ઝોમેટોની કૃપાથી બહારનું ખાવાનું વધુ પ્રમાણમાં થવાનું હોય તો ખૂબ બધી કેલરી આપણે શરીરમાં ઠાલવીશું. એથી જો બહાર ખાવાનું અનિવાર્ય હોય તો, બાકીના સમયે સાદો ખોરાક લઇ કેલરી કૉમ્પેન્સેટ કરીશું. આ સાદો ખોરાક એટલે તળેલી અને મિષ્ટાન્ન ન ધરાવતી હોય તેવી વાનગીઓ.
જો ઘણા કલાકો બહાર રહેવાનું થાય તો એવા સંજોગોમાં પાણીની બોટલ પોતાની પાસે રાખી દર ૧/૨ કલાકે થોડું થોડું પાણી પીતા રહેવું. આ બદલાતી ઋતુમાં, બપોરના સમયે પુષ્કળ તાપ લાગે અને ગળું સુકાય. જો આપણે બહાર હોઈએ તો ઠંડાં પીણાંનો મારો ચલાવીએ. જે મોટી માત્રામાં શરીરમાં બિનજરૂરી કેલરી ઠાલવે અને અંતે એસિડિટીનો શિકાર થઇએ. ઘરમાં હોઈએ ત્યાં સુધી ફળો અને શાકભાજીનું સેવન વધુ કરીએ જે પુષ્કળ રેસા ધરાવે અને એથી આપણું પેટ ભરાયેલું રહે . આચરકૂચર ફાલતુ વસ્તુઓ ખાવાનું મન ઓછું થાય. ફટાકડાના ધુમાડાથી દમ અને ફેફસાંના રોગો થવાની સંભાવના રહેલી છે એથી ફટાકડા ફોડવાનું ટાળો અને જો ફોડવા જ પડે તો એ માટે મોઢા અને નાકને ઢાંકે એવો માસ્ક પહેરી ફટાકડા ફોડવા હિતાવહ છે. તો આવો… આ દિવાળીએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને આનંદ માણીએ……