પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 23 વર્ષીય MBBS વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના બનાવે રાજ્યને હચમચાવી દીધું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટનાને ગંભીર ગણાવી કોલેજ મેનેજમેન્ટને સવાલ કર્યો છે કે વિદ્યાર્થી રાત્રે 12:30 વાગ્યે કેમ અને કેવી રીતે બહાર ગઈ?. જોકે હમણાં સુધીમાં પોલીસએ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
દુર્ગાપુરના એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી 23 વર્ષીય વિદ્યાર્થીની સાથે થયેલા ગેંગરેપના કેસે સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાવ્યો છે. આ કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું મૌન તોડ્યું છે અને કોલેજ પ્રશાસન સામે કડક સવાલો ઉઠાવ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું “પીડિતા રાત્રે 12:30 વાગ્યે કેમ્પસની બહાર કેવી રીતે ગઈ? કોલેજ મેનેજમેન્ટે આ અંગે જવાબ આપવો પડશે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાત્રિના સમયે નિયમોનું પાલન કરવું જરૂરી છે.”
તેમણે કહ્યું કે પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓને પકડી લીધા છે. જ્યારે અન્ય શંકાસ્પદોની શોધ ચાલુ છે. “કોઈને પણ છોડવામાં નહીં આવે દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે”
પીડિતાની હાલત અને તપાસની સ્થિતિ
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે પીડિતા તેના મિત્ર સાથે કેમ્પસની બહાર ફરવા ગઈ હતી ત્યારે ત્રણ યુવાનોએ તેને જંગલના વિસ્તાર તરફ ખેંચી લઈ જઈ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બાદમાં પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પીડિતાના પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનાની તપાસ શરૂ કરી છે.
મમતા બેનર્જીનો સંદેશ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આવી ઘટનાઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. તેમણે કોલેજો અને યુનિવર્સિટીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી જોઈએ.