Business

પ્રાચીન પ્રતિમાઓની દુનિયા કેવી ફરેબી છે?

લગ્ન કે સત્કાર સમારંભ હોય કે પછી ગૃહપ્રવેશ કે નવા શૉ-રૂમનું ઉદઘાટન …આવા અવસરે પ્રસન્નતા પ્રગટ કરવા આપણે પુષ્પોની સાથે ભેટ-સોગાદ પણ લઈ જઈએ છીએ. નવા ઘરમાં પ્રવેશનો પ્રસંગ હોય કે નવા વેપારનો આરંભ હોય તો આપણે ત્યાં મોટાભાગે વિઘ્નહર્તાની નાની મૂર્તિ ભેટ અપાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા આનંદના અવસરે ભેટનું આદાનપ્રદાન થતું રહે છે. એક રાષ્ટ્રના વડા બીજા દેશમાં સદભાવના પ્રવાસે જાય ત્યારે ત્યાંના શાસકોને ભેટ આપવા માટે પોતાના દેશની કળા-સંસ્કૃતિ દર્શાવતી મૂલ્યવાન સોગાદ સાથે લઈ જતા હોય છે. આવી અનેક કિમતી ભેટ પાછળથી રાજ્યના ખજાનામાં જમા થાય અને એને સંગ્રહરૂપે પ્રદર્શિત કરવામાં આવે.

આ પ્રકારની ભેટ-સોગાદનો શાહી ખજાનો ‘તોશાખાના’ તરીકે ઓળખાય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે એમના શાસનકાળમાં અનેક કળાકૃતિઓ-મોંઘાં સ્મૃતિ પ્રતીક એમને સંસ્થાઓ તરફથી ભેટરૂપે મળતાં. આવી ભેટ-સોગાદને માત્ર તોશાખાનામાં શોભારૂપે રાખી મૂકવાને બદલે નરેન્દ્રભાઈએ એની નિયમિત જાહેર હરાજી શરૂ કરાવી. આવા લિલામને સારી પ્રસધ્ધિ મળી ઉપરાંત ઉલ્લેખનીય ભંડોળ પણ એકઠું થયું. તોશાખાનાની આ આવકનો ઉપયોગ નરેન્દ્રભાઈ પોતાના પ્રિય પ્રોજેકટ ‘કન્યા કેળવણી’ પાછળ કરતા. તાજેતરમાં વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રીના પદ પરથી વિદાય લીધી એ પછી એમને મળેલી સોગાદોનું પણ ત્રણ દિવસીય હરાજી દ્વારા સારું એવું ભંડોળ એકઠું કરવામાં આવ્યું..

આવા તોશાખાનાની સામગ્રીનું જાહેર વેચાણ શરૂ થાય ત્યારે જેમને પોસાતું હોય એવા શોખીનો અવનવી વસ્તુની ખરીદી માટે અહીં આવે. એ શોખીનો વચ્ચે એવા લોકો પણ આવે જે ઐતિહાસિક લાગતી વસ્તુ અહીંથી ખરીદે ને પાછળથી કળાકૃતિના સંગ્રાહકોને ઊંચા દામે વેચે, જે કાળક્રમે પ્રાચીનના નામે વિદેશની ઍન્ટિક માર્કેટમાં પગ કરી જાય. આનું દેશ-વિદેશમાં એક વ્યવસ્થિત નેટવર્ક છે જેમાં જગતનાં અનેક જાણીતાં મ્યુઝિયમ પણ આડકતરી રીતે સંડોવાયેલાં હોય છે.

આવા નેટવર્કમાં પ્રાચીન પ્રતિમા-મૂર્તિઓ- સિક્કા- પેન્ટિંગ્સ- આભૂષણ -બાબા આદમના જમાનાની મોટર કાર- ઘડિયાળ – ગાલીચા ઉપરાંત રાજવી ઘરાનાનાં તલવાર-ભાલો-બરછી-બખ્તર જેવાં યુદ્ધનાં શસ્ત્રોની માંગ વધુ છે. આવી પ્રાચીન વસ્તુઓના રાજવી વારસદારો એમાંથી તગડી રકમ કમાય છે .આવો અમૂલ્ય વારસો દેશની બહાર સરકી જાય છે એનું બીજું કારણ છે દેશના નબળા કાયદા અને આપણા સત્તાવાળાની એના પાલન માટેની ઉદાસીનતા અને એટલે જ આપણા સહિત એશિયાના અનેક દેશોમાંથી ખંડિત છતાં ઐતિહાસિક પ્રતિમાઓની દાણચોરીનું પ્રમાણ ઘણું વધારે છે.

આપણા દેશના કાયદા-નિયમોની વાત કરીએ તો ૧૦૦ કે એથી વર્ષ જૂની- પ્રાચીન મૂર્તિઓ ઈત્યાદિ જો કોઈ ધરાવતું હોય તો એની સત્તાવાર નોંધણી ફરજિયાત છે. એને દેશ બહાર લઈ જવા પર પ્રતિબંધ છે એટલું જ નહીં, કોઈ પાસે ૭૫ વર્ષથી જૂની ઐતિહાસિક- સાહિત્યિક કે વૈજ્ઞાનિક હસ્તપ્રત હોય તો એના નિકાસ પર પણ નિષેધ છે. કોરોનાના પ્રકોપ પહેલાં આવા નિયમોને લીધે ૨૦૧૯માં આશરે રૂપિયા ૫૬ કરોડથી વધુ કિંમતની છ પ્રાચીન મૂર્તિ ગેરકાયદે વિદેશ જતી પકડી પાડવામાં આવી હતી. અલબત્ત, આપણે ત્યાં આવી ‘ચોરી’ બહુ જલ્દી બહાર આવતી નથી પણ વિદેશોમાં તો નિયમિતપણે આવા સોદા ત્યાંના અમીર પરિવારો – જાણીતા કોર્પોરેટ હાઉસ અને મ્યુઝિયમો વચ્ચે કાયદેસર થતા રહે છે.

ન જાણે કેમ, આજકાલ વિદેશી માર્કેટસમાં ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટનું નામ ઍન્ટીક માર્કેટની લેતી-દેતીમાં એક હૉટ આઈટમ ગણાય છે. નેપોલિયન ચામડીના રોગથી સખત પીડાતો હતો એટલે ડોકટરની સલાહ મુજબ એ રોજ બપોરે બેથી અઢી કલાક સુધી ગરમ પાણી ભરેલા કોપર-તાંબાના બાથટબમાં સ્નાન કરતાં કરતાં છાપાં-પુસ્તકોનું વાંચન કરતો ને કેટલીક વાર એના લશ્કરી વડાઓ સાથે મીટિંગ પણ કરતો! જીવનના ઉત્તરાર્ધમાં નેપોલિયન સેન્ટ હેલિના ટાપુની જેલમાં એના જૂના ચામડીના રોગે ઉથલો માર્યો હતો ત્યારે પણ એ તાંબાના બાથટબમાં સારવાર લેતો.

એનું આ ઐતિહાસિક બાથટબ ઉપરાંત એનાં વસ્ત્રો આજે તો બેલ્જિયમના વૉટરલૂ વૉર મ્યુઝિયમમાં છે પણ નેપોલિયન સાથે સંકળાયેલી એ બધી વસ્તુઓ ઊંચી કિંમતે ખરીદી લેવા માટે અનેક આંતરરાષ્ટીય મ્યુઝિયમો વચ્ચે રસાકસી ચાલી રહી છે. આ બધા વચ્ચે હમણાં સમાચાર આવ્યા છે કે નેપોલિયન પહેરતો હતો એવી ચિરપરિચિત કદ-આકારના સ્ટાઈલની એક હેટ લંડનના વિખ્યાત ‘ બોન્હામ્સ ઑકસન હાઉસ’ પાસે લિલામ માટે આવી છે.

મજાની વાત એ છે કે આ હેટ જર્મનીના એક ચીલાચાલુ લિલામમાંથી જેણે ખરીદી એને સપનેય ખ્યાલ નહોતો કે એના હાથમાં અનાયાસ એક ખજાનો આવી ગયો છે. કોઈએ એનું ધ્યાન દોર્યું કે આ તો નેપોલિયન પહેરતો એના જેવી હેટ લાગે છે. પાછળથી કુતૂહલવશ એણે હેટની અતિ આધુનિક ગણાતી ઈલેકટ્રોન માઈક્રોસ્કોપી ટેસ્ટ -ચકાસણી કરાવી તો એમાંથી પાંચેક વાળના અતિ સૂક્ષ્મ અંશ મળી આવ્યા,જેમાંથી બે વાળના DNA ટેસ્ટથી પુરવાર થયું કે હેટ ખરેખર નોપોલિયનની જ છે! આ સાબિતી સાથે એ હેટનું આવતા મહિને  લિલામ થવાનું છે ત્યારે ઑકસનના એક્સપર્ટ્સ કહે છે કે સમ્રાટની આ ઐતિહાસિક હેટથી એના માલિકને ઓછામાં ઓછા ૧ લાખથી દોઢ લાખ પાઉન્ડ તો જરૂર મળશે (૧ પાઉન્ડ = ૧૦૧ રૂપિયા)..

વિદેશી શાસક બીજા રાષ્ટ્ર પર આક્રમણ કરે ત્યારે એ બીજા દેશની સંપત્તિ લૂંટે ઉપરાંત એને કળા-સંસ્કૃતિથી પણ જરૂર પાયમાલ  કરી નાખે…કાળક્રમે બહાર આવેલો ઈતિહાસ કહે છે કે શહેનશાહ નેપોલિયન પણ આવી ચોરી-ચપાટીમાંથી બાકાત નહોતો. એની એક જબરજસ્ત મહેચ્છા હતી કે એના પેરિસના લૂર્વે ( ફ્રેન્ચ ઉચ્ચાર લૌવર) મ્યુઝિયમમાં વિશ્વના બધા જ દેશોની શ્રેષ્ઠ કલાકૃતિઓ હોવી જ જોઈએ. આ ઈચ્છા પૂરી કરવા એણે જે જે દેશ પર ચડાઈ કરી એ દેશને પરાજિત કરી ત્યાં લૂંટફાટ મચાવીને કલાકૃતિઓ એકઠી કરી પેરિસના લૂર્વે મ્યુઝિયમમાં જમા કરાવતો ગયો. આમ વિશ્વવિજેતા નેપોલિયને એના જીવનકાળમાં ૮૦૦થી વધુ ઐતિહાસિક ચિત્રો- મૂલ્યવાન શિલ્પો વગેરે લૂંટ્યાં. અલબત્ત, પાછળથી ફ્રાન્સ સરકારે આમાંથી ઘણીખરી વસ્તુઓ મૂળ દેશોને પરત પણ કરી .

વિશ્વભરમાં ઍન્ટીકનું જેટલું જબરજસ્ત માર્કેટ છે એથીય જબરું તો એમાં તરક્ટ ખેલાય છે. જેમની પાસે ધૂમ હિસાબી કે  બેહિસાબી આવક છે એ અમીરો શોખ અને સેવિંગ્સને નામે પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરે છે. પુરાવા-બુરાવા ઠીક છે બાકી આ તરકટ બજાર માત્ર વિશ્વાસ પર જ ચાલે છે. નકલી વસ્તુ ગળે ભેરવાઈ જાય તો પછી કંઈ ન થઈ શકે કારણ કે આવી આખી લેતી-દેતી જ બે નંબરી હોય છે. છેલ્લામાં છેલ્લા એક અહેવાલ મુજબ,કોરોનાને કારણે પ્રાચીન- અર્વાચીન કળાકૃતિઓનું એકલું ઓનલાઈન વેચાણ ૨૦૨૦માં ૬ અબજ ડોલરમાંથી અધધધ વધીને આશરે ૧૨ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. ! (અત્યારે ૧ ડોલર= ૭૪ રૂપિયાનો ભાવ છે). આ તો ઓનલાઈન સત્તાવાર જાહેર થયેલા વેચાણના આંકડા છે. હવે તો વર્ચ્યુઅલ ક્રિપ્ટો કરન્સીની માર્કેટ પણ ખૂલી ગઈ છે એટલે ‘અન્ડર ધ ટેબલ’ – બે નંબરી સોદાના આંકડા તો આપણે કલ્પી લેવાના!

ફરેબથી ભરપૂર આ ઍન્ટીક  દુનિયાની એક તાજી ઘટના પણ જાણી લો.. ન્યૂયોર્ક સિટીના મેનહટન જેવા ખાસ્સા જાણીતા વિસ્તારમાં વર્ષો જૂના ઍન્ટીક ડીલરની ગેલેરી વત્તા એક સ્ટોર છે. જૂની- પ્રાચીન વસ્તુઓના વેચાણ માટે એનું નામ ભરોસાપાત્ર ગણાય છે. પુરાતત્ત્વ વિભાગની નજરે પણ ગેલેરીની સાખ સારી. ઈજિપ્ત -ઈરાન-અફઘાનિસ્તાન- તુર્કિસ્તાનના અંકારા (જૂનું અંગોરા) થી લઈને જપાન-ચીન-ઈન્ડોનેશિયા વગેરે દેશોની કદમાં નાની એવી પ્રાચીન ધાર્મિક પ્રતિમાઓનો અહીં ધંધો પણ ધમધોકાર ચાલતો હતો. કશી બાતમી મળતા ન્યૂયોર્ક પોલીસે તાજેતરમાં આ ગેલેરી પર દરોડો પાડયો ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે એના છૂપા ભૂગર્ભના ઓરડાઓમાં યુગો જૂની ‘પ્રાચીન’ મૂર્તિઓ જથ્થાબંધ- હૉલસેલમાં તૈયાર થતી ઝડપાઈ! બોલો, આવી છે પ્રાચીન વસ્તુઓની અર્વાચીન તરકટી દુનિયા….

Most Popular

To Top