નવી દિલ્હી: દિલ્હી (Delhi) નજીક ગાઝિયાબાદની (Ghaziabad) એક હોટલનો (Hotel) ચોંકાવનારો વીડિયો (Video) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થયો છે. એક હોટલની અંદર હોકી, લાકડીઓ, બેલ્ટ વડે મહેમાનોને દોડાવી દોડાવીને માર માર્યો (Beat) હતો. આ બંધુ જોઈ મહિલાઓ અને બાળકો ડઘાઈ ગયા હતા. પીડિત પરિવારે હોટલ સ્ટાફ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડીજે વગાડવાને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ વિવાદ વધતા સ્ટાફે મહેમાનો પર હુમલો કર્યો હતો. પરિવારના લગ્નનો આનંદ અચાનક જ હોબાળોમાં ફેરવાઈ ગયો હતો. હોટલમાં આ પ્રકારની ગુંડાગીરીને લઈને લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તેમજ યુપી પોલીસ પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારની ધ ગ્રાન્ડ આઈરિસ હોટેલમાં એક પારિવારિક સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પરિવાર તેમના સ્વજનો સાથે મસ્તી કરી રહ્યો હતો, લોકો ગીતોની ધૂન પર નાચતા હતા. દરમિયાન રાત્રે 11 વાગ્યે ડીજે વગાડવાને લઈને પરિવાર અને હોટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે હોટલના કર્મચારીઓએ નાની વાત પર મહેમાનોને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ સ્ટાફે બેલ્ટ, હોકી અને લાકડી વડે તમામ મહેમાનોને માર મારવા લાગ્યા હતા. સ્ટાફે મહિલા અને બાળકોને પણ ક્રૂરતાપૂર્વક માર્યા હતા.
હોટલના કર્મચારીઓએ ગુંડાઓની જેમ મહેમાનો પર હુમલો કર્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા હોટલના કર્મચારીઓ સામે ભીખ માગતા હતા. વીડિયોમાં જોઈ શકાય તેમ ગુંડાગરદીવાલા સ્ટાફથી બચવા માટે લોકો સંતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ હોટલ સ્ટાફ નિર્દાયપૂર્વક મહેમાનોને શોધી શોધીને તેમને મારી રહ્યા હતા. જ્યારે વિવાદ થયો ત્યારે કોઈએ હોટલમાં કામ કરતા લોકોને કહ્યું કે મહેમાનોએ મેનેજર સાથે મારપીટ કરી છે. પછી શું હતું… હોટેલનો તમામ સ્ટાફ લાકડીઓ લઈને પહોંચી ગયો અને મહેમાનો સાથે કંઈપણ સમજ્યા વિના, કંઈપણ જાણ્યા વિના મારપીટ કરવા લાગ્યો અને આ બધું તે હોટલની અંદર લગભગ એક કલાક સુધી ચાલ્યું હતું.
હોટલના રૂમમાં બંધ રહીને પોતાનો જીવ બચાવ્યો
પીડિત પરિવારને હોટલમાં લગભગ એક કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. તેઓએ પોતાને હોલમાં બંધ કરી દીધા હતા પરંતુ હોટલના કર્મચારીઓ તેમને હોલની બહારથી હાથમાં હોકી અને લાકડીઓ સાથે ધમકાવતા રહ્યા હતા. પીડિત પરિવાર પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠાવી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે પોલીસ આવી પરંતુ પોલીસ તરફથી તેમને જે મદદની અપેક્ષા હતી તે મળી નથી. પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો હતો. પીડિતાનો પરિવાર પોલીસની સામે ભીખ માંગતો રહ્યો. પોલીસને જણાવ્યું કે કેવી રીતે હોટલના કર્મચારીઓએ તેમને માર માર્યો. તેમણે પોતાનો જીવ કેવી રીતે બચાવ્યો. પરંતુ પોલીસ તમામ વસ્તુઓ નજર અંદાજ કરી હતી.
જે પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, લગ્નનો વરઘોડો નીકળવાનો હતો હવે તે પરિવાર હોસ્પિટલના ચક્કર લગાવી રહ્યો છે. મારામારી બાદ ઘાયલ પરિવારના સભ્યોને પાટો બાંધવામાં આવી રહ્યો છે. હુમલામાં કોઈનું માથું ફાટી ગયું છે, કોઈની આંખમાં ઈજા થઈ છે. કેટલાક એટલા ડરી ગયા છે કે તેઓ બોલવાની હિંમત પણ કરી શકતા નથી. પીડિતાનો પરિવાર સીધો હોટલ માલિક સાગર મલિક પર હુમલાનો આરોપ લગાવી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે હોટલનો સ્ટાફ મારપીટ માટે અગાઉથી તૈયાર જણાતો હતો. સ્ટાફ પાસે હોકી, બેલ્ટ અને લાકડીઓ હતી. પરિવારે હોટલ સ્ટાફ પર દારૂના નશામાં તેમની સાથે મારપીટ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
‘ભાજપ નેતાની હોટલ’, સપાનો દાવો
હવે આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના મીડિયા સેલે ટ્વીટ કરીને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે કે જે હોટલમાં લડાઈ થઈ છે તે ભાજપના નેતાની છે તેથી પોલીસ કાર્યવાહીથી ડરે છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે, બાકીના આરોપીઓની શોધ ચાલી રહી છે.