અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના અંદાડા ગામમાં હોટલના (Hotel) બે સંચાલકોએ પનીરની સબ્જી નહીં આપી ચાર યુવાનો સાથે માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં પોલીસે (Police) ત્રણની અટકાયત કરી હતી.
- અંકલેશ્વરના અંદાડા ગામની હોટલના સંચાલકોએ યુવાનને માર મારતાં મોત
- પનીરની સબ્જી બાબતે થયેલા ઝઘડામાં યુવાને જીવ ગુમાવ્યો
- પોલીસે હોટલ સંચાલક સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દર્જ કર્યો
અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલા મસ્જિદ ફળિયામાં રહેતી મોંગીબેન હીરાભાઈ વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને રૂ.૫૦૦ આપી અંદાડા ગામમાં આવેલી કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીર સબ્જી લેવા મોકલ્યો હતો. જ્યાં હોટલના સંચાલકોએ તેને પનીર સબ્જી આપવાનું ના કહેતાં અંકિત વસાવા અને અનિકેત સાથે ફરી સબ્જી લેવા ગયા હતા. એ વેળા હોટલ સંચાલકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ મંગીબેન વસાવાની બહેનનો પુત્ર ૨૧ વર્ષીય અરુણ પ્રવીણ વસાવા, વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્યાં ગયા હતા અને હોટલના સંચાલકો કૈલાસ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપી નહીં તેમ કહેતાં જ બંને ઈસમે ચારેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા.
અરુણ વસાવાને ઢીકાપાટુ વડે મૂઢ માર માર્યો હતો. જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતાં જ ઢળી પડી બેભાન થઈ જતાં તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી હોટલ સંચાલક સહિત ત્રણ ઇસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
બામલ્લા ગામે લગ્નમાં જૂની અદાવતે બે જૂથ વચ્ચે ધિંગાણું, બેને ઈજા
ઝઘડિયા: ઝઘડિયાના બામલ્લા ગામે જૂની અદાવતની રીસ રાખી ગામમાં લગ્નપ્રસંગે જ બે જૂથ વચ્ચેની ધિંગાણામાં બે ઈસમને ઢોર માર મારતાં ઈજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયાના બામલ્લા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ વસાવા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બામલ્લા ગામના મોહનભાઈ દલસુખભાઈ વસાવાના ઘરે તેમના છોકરાનાં લગ્ન હોય હસમુખભાઈ તેના મિત્ર દીપકભાઈ, કિરણભાઈ તથા નિલેશભાઈ સાથે લગ્નમાં નાચવા માટે ગયા હતા. ત્યારે બામલ્લા ગામના જ સહદેવ બાબરભાઈ વસાવા તેમની પાસે આવી દીપક હરેશભાઈ વસાવા સાથે જૂની અદાવતની રીસ રાખી દીપકની ફેટ પકડી તેની સાથે ગાળાગાળી કરી ધિંગાણું કર્યું હતું,
એ સમયે પિયુલ જગદીશભાઈ વસાવા પણ દીપકને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. એ દરમિયાન લગ્નમાં આવેલા માણસો ભેગા થઈ જતાં આ હુમલાખોરો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે હસમુખભાઈને કૌશિક નરેશ વસાવાએ મોંમાં મારતાં લોહીલુહાણ થઇ ગયા હતા. તો સહદેવ વસાવા તથા પિયુલ વસાવાએ હસમુખને કહ્યું કે, આજે તો તું બચી ગયો, હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખીશું. આ બનાવમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત હસમુખભાઈ વસાવાને સારવાર અર્થે ઉમલ્લા પોલીસમાં દાખલ કર્યા બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે હસમુખ રમેશ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપતાં બામલ્લાના કૌશિક નરેશ વસાવા, સહદેવ બાબર વસાવા, પિયુલ જગદીશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.