સુરતઃ સુરત શહેરમાં આ વર્ષે ઓક્ટોબર મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ છે. છેલ્લા પંદર વર્ષના હવામાન રેકોર્ડ્સ પર નજર કરીએ તો 2025માં 21 ઓક્ટોબરની રાતે 26.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે 2010થી અત્યાર સુધીનો સર્વોચ્ચ લઘુત્તમ તાપમાનનો આંકડો છે. અગાઉ વર્ષ 2019માં 16 ઓક્ટોબરે 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે તે સમયનો રેકોર્ડ ગણાતો હતો. પરંતુ આ વખતે સુરતની ગરમીએ તે રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
- 2010 પછી પ્રથમવાર લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી સુધી પહોંચ્યું, 2019ના રેકોર્ડને પણ તોડી નાંખ્યો
- અરબ સાગરમાં ભેજ હજુ વધુ, ઉત્તરના ઠંડા પવનોનો પ્રવાહ શરૂ થયો નથી
સુરત મહાનગરમાં છેલ્લા દશકાથી ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે લઘુત્તમ તાપમાન 19થી 22 ડિગ્રી વચ્ચે રહેતું આવ્યું છે. વર્ષ 2014માં 22.6 ડિગ્રી અને 2024માં 22.8 ડિગ્રી તાપમાનના આંકડા નોંધાયા હતા. પરંતુ આ વર્ષે 26.3 ડિગ્રી નોંધાતા ગરમીનું સ્તર અપ્રતિમ રહ્યું છે.
આ વધારો માત્ર હવામાનમાં ઉકળાટ જ નહીં, પણ શહેરમાં વધતા કોન્ક્રીટિકરણ અને હીટ આઈલેન્ડ ઇફેક્ટ તરફ પણ ઈશારો કરે છે. ઓક્ટોબર માસ સામાન્ય રીતે ઠંડકની શરૂઆત ગણાય છે, પરંતુ આ વર્ષે ગરમીમાં ઘટાડો થવાને બદલે ઉકળાટમાં વધારો નોંધાયો છે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો ન થતાં નાગરિકોએ “ગરમ રાત”નો અનુભવ કર્યો હતો. એર કન્ડિશનર અને પંખાઓનો વપરાશ યથાવત રહ્યો છે, જે સામાન્ય રીતે આ ઋતુમાં ઓછો થઈ જાય છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અરેબિયન સમુદ્રમાં હજી ભેજનું પ્રમાણ વધુ છે અને ઉત્તર ભારત તરફથી ઠંડા પવનનો પ્રવાહ શરુ થયો નથી. જેના કારણે ગરમ હવામાં ઘટાડો થતો નથી અને તાપમાનમાં રાત્રી દરમિયાન પણ મોટો ફેરફાર જોવા મળતો નથી.
1987માં 16મી ઓક્ટોબરે 41.4 ડિગ્રી તાપમાન હતું, આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા
1987માં 16 ઓક્ટોબરે સુરતમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાઈ ગયું હતું, જે ઓક્ટોબર માસ માટેનો સર્વોચ્ચ રેકોર્ડ છે. આ વર્ષની રાત્રીના તાપમાનમાં થયેલા વધારા બાદ એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં દિવસ દરમિયાન તાપમાનમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.
હવાની ગુણવત્તા કઠળી
સુરત: પ્રકાશના તહેવાર દિવાળીની રાત્રે સુરત શહેર ઝગમગાટમાં તો ઝળહળતું હતું, પરંતુ ફટાકડા અને આતશબાજીના ધુમાડાથી હવામાં પ્રદૂષણનું સ્તર આરોગ્ય માટે અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું હતું. સુરત મહાનગરપાલિકાના સાયન્સ સેન્ટર ખાતે સ્થિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા નોંધાયેલા આંકડા અનુસાર, દિવાળીની રાત્રે રાત્રિના 12 વાગ્યે શહેરમાં PM10નું સ્તર 1158 સુધી પહોંચી ગયું હતું, જે “અતિ ગંભીર” (Severe) કેટેગરીમાં આવે છે. આ સ્તર એટલે સુરતમાં એર ક્વોલીટી ઇન્ડેકક્સ 191 સુધી પહોંચી ગયો હતો.
સામાન્ય રીતે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) મુજબ 0થી 50 વચ્ચે હવાની ગુણવત્તા “સારી”, 100 સુધી “મોડરેટ”, 250 સુધી “પુઅર”, 350 સુધી “અનહેલ્ધી” અને 430થી વધુ “સિવિયર” માનવામાં આવે છે. એ મુજબ સુરત શહેરમાં દિવાળીની રાત્રે હવાનું પ્રદૂષણ સામાન્ય સ્તરથી અનેક ગણું વધી ગયું હતું. નોંધનીય છે કે, દિવાળીની રાતે સુરતમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 191 પર પહોચ્યો હતો. જે રાજયના મહાનગરોમાં ત્રીજા ક્રમે હતું. અમદાવાદમાં 343 અને વડોદરામાં 200 હતું.
છેલ્લા પંદર વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું સૌથી વધારે લઘુત્તમ તાપમાન
વર્ષ સૌથી વધુ લઘુત્તમ તાપમાન (તારીખ)
2010 21.2 (30)
2011 20.0 (23)
2012 20.1 (30)
2013 20.5 (31)
2014 22.6 (30)
2015 20.2 (30)
2016 19.5 (31)
2017 18.4 (31)
2018 20.0 (23)
2019 23.4 (16)
2020 20.4 (31)
2021 20.4 (30)
2022 19.5 (31)
2023 21.0 (29)
2024 22.8 (26)
2025 26.3 (21)