ગાંધીનગર: ગુજરાત કાતિલ હિટવેવની ચપેટમાં આવી ગયું છે. કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો. હજુયે 24 કલાક માટે એકલા કચ્છ માટે હિટવેવનું રેડ એલર્ટ જારી કરાયું છે. જયારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ અને મોરબીમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ તથા ગાંધીનગર, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ સાથે આગામી તા.10મી એપ્રિલ સુધીમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરાઈ છે.
હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં 72 કલાક દરમ્યાન ગરમીનો પારો 45 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. રાજયમાં હિટવેવની અસરના પગલે જનજીવનને ભારે અસર થવા પામી છે. ગુજરાતમાં આજે કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં હિટવેવની અસર જોવા મળી હતી. આજે કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોચ્યો હતો. જયારે હવામાન વિભાગે હજુયે 48 કલાક માટે કચ્છમાં હિટવેવનું રેડ એલર્ટ જારી કર્યુ છે. જેમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ રહેશે. આજે દિવસ દરમ્યાન અમરેલી, રાજકોટ તથા સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો.
શહેરોનું તાપમાન
અમદાવાદમાં 43 ડિ.સે., ડીસામાં 43 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 42 ડિ.સે., સુરતમાં 40 ડિ.સે., ભૂજમાં 43 ડિ.સે., નલિયામાં 38 ડિ.સે., કંડલા પોર્ટમાં 39 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 45 ડિ.સે., અમરેલીમાં 44 ડિ.સે.,ભાવનગરમાં 41 ડિ.સે., રાજકોટમાં 44 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 44 ડિ.સે., મહુવા 40 ડિ.સે., અને કેશોદમાં 42 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.
