સુરત: (Surat) ગોડાદરામાં ભરબપોરે એક મહિલા અને ત્રણ પુરુષોની ટોળકીએ એક મકાનમાં ઘુસી જઇને તેઓને બંધક (Hostage) બનાવી દીધા હતા, ઘરમાંથી આ ટોળકીએ સોનાચાંદીના દાગીના, ભગવાનની મૂર્તિ અને રોકડ સહિત કુલ્લે રૂા. 3.23 લાખની લૂંટ (Loot) ચલાવી હતી. ગોડાદરાના પરવતગામમાં આવેલા વિકાસનગરના ઘર નંબર-૩૪માં રહેતા સીમાબેન દયારામભાઈ પટેલ (ઉ.વવ57) પોતાની ઘરની બાજુમાં જ આવેલા એક મકાનમાં ગેસફીટીંગ તેમજ વાલ્વ ફીટીંગનું કામ કરે છે. તેની સાથે વરાછામાં રહેતો વિમલ નામનો યુવક પણ કામ કરતો હતો. આ બંને ભાગીદારીમાં વેપાર કરતા હતા. વરાછાથી આવતો વિમલ સીમાબેનની સાથે જ તેના ઘરે બપોરે જમી લેતો હતો. સીમાબેન અને વિમલ બંને બપોરે જમીને થોડો આરામ કરવા માટે ઘરમાં બેઠા હતા ત્યાં જ એક મહિલા અને ત્રણ પુરુષની ટોળકી આવી હતી. આ ચારેયએ વિમલની સાથે ધક્કામુક્કી કરી હતી. ત્રણ પુરુષોએ પહેલા વિમલને બાંધી દીધો હતો અને બાદમાં સીમાબેનને પણ બાંધી દીધા હતા.
ત્યારબાદ ચારેયએ ઘરમાંથી લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. લૂંટારુ ગેંગએ શરૂઆતમાં મંદિરમાંથી ભગવાનની મૂર્તિ, સોના-ચાંદીના દાગીના (Gold silver Jewelry), કેમેરો, એક મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ્લે રૂા. 3.30 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સીમાબેનની હાથની દોરી ઢીલી હોવાથી તેને હાથને ખેંચીને દોરી છોડી નાંખી હતી. ત્યારબાદ સીમાબેનએ પુત્રની દોરી પણ છોડીને ઘરની બહાર આવી બુમાબુમ કરી હતી. થોડીવારમાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને ગોડાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે લૂંટનો ગુનો નોંધીને લૂંટારુ ટોળકીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બંને બપોરના સમયે એકલા હોવાની રેકી કરાયા બાદ લૂંટ કરાયાની શંકા
પોલીસના જણાવ્યા પ્રમાણે વિમલ અને સીમાબેન ઘણા સમયથી સાથે કામ કરતા હતા. આ બંને સીમાબેનના ઘરે જમતા હોય અને બપોરના સમયે એકલા હોવાની રેકી પણ કરવામાં આવી હોવાની શક્યતા છે. આ રેકી કરાયા બાદ લૂંટને અંજામ આપવામાં આવી હોવાનુ પોલીસે અનુમાન લગાવ્યું છે. આ ઘટનાને લઇને ગોડાદરા પોલીસે નજીકમાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આ ફૂટેજમાં ટોળકી એક કેમેરામાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.