‘હોર્સ પાવર’ શબ્દ વીજળી અને યંત્રો, વાહનો સાથે જોડાય ત્યારે ઘોડાની શકિત માન્યતા પ્રાપ્ત કરે છે. યુગોથી માનવ સમાજમાં ઘોડાનો ઉપયોગ થતો રહ્યો છે. ઘોડે સવારી અને ઘોડા ગાડીથી સૌ પરિચિત છે. યુધ્ધમાં અશ્વદળની વ્યવસ્થા રહેતી તો વાહનવ્યવહારમાં લગ્નપ્રસંગમાં, વિજયોત્સવમાં પણ તેનું મહત્ત્વ રહ્યું છે. રાજવીઓ અશ્વમેઘયજ્ઞ દ્વારા રાજસત્તાના વિસ્તારની માન્યતા પ્રાપ્ત કરતા હતા. ઘોડો વફાદાર પ્રાણી ગણાય છે. રાણા પ્રતાપનો ‘ચેતક’ ઘોડો ઇતિહાસમાં અમર થયો છે. અરબી ઘોડાનું મૂલ્ય વધારે હોય છે. જૂના જમાનામાં સાહસિક વેપારીઓ માલ લાદીને ઘોડા સાથે સફર કરતા હતા. મહાનગર સૂરતમાં અવનવું બનતું રહે છે. પ્રવાસીઓ માટે બસ સ્ટેન્ડો બનાવ્યા છે. પણ આશ્ચર્યની ચરમસીમા હાલમાં જોવા મળી, જયારે શણગારેલો એક ઘોડો બસ સ્ટેન્ડની અંદર ઊભેલો દેખાયો, લોકો વિચાર કરતા હતા કે ઘોડો મુસાફરોને લેવા સજ્જ થઇને આવ્યો છે કે પછી તે બસની રાહ જોઇ રહ્યો છે. રેસકોર્સમાં દોડતા ઘોડા પર લાખો રૂપિયા લગાડતા શોખીનો હોય છે. કાશ્મીર જેવાં રમણીય, પર્વતીય સ્થળો પર યાત્રિકોને ઘોડે સવારી કરાવી શ્રમિકો ઉદરપૂર્તિ કરે છે. બહારવટે ચઢેલા બહારવટિયાઓ કે ડાકુઓ દુર્ગમ માર્ગો પર ઘોડાનો જ સાથ ચાહે છે. સર્કસમાં ઘોડાના કરતબ દર્શાવાય છે. લગ્નપ્રસંગમાં ઘોડાને પગે ઝાંઝર બાંધી નૃત્યનું મનોરંજન પણ લોકો મેળવે છે. અશ્વ માનવસમાજનું એક અંગ અને કાયમી સંગ ગણાય. ઘોડા પર બેસીને, દોડાવીને રમાતી રજવાડી ‘પોલો’ રમત ઇતિહાસનું પૃષ્ઠ બનીને જ હવે દેખાય.
સુરત -યૂસુફ એસ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિશ્વમાં અશ્વ
By
Posted on