સામાન્ય વર્ગના કોરોનાના ( corona) દર્દીઓ માટે નવસારીની સિવિલ હોસ્પિટલ ( civil hospital) જ એક માત્ર આશાની જ્યોત છે, પરંતુ ત્યાંની સ્થિતિ અંગે આજે કોરોનાની મૃતકના ભાઇએ જે વ્યથા ઠાલવી છે, એ જોતાં હવે નવસારી સિવિલનો કથળેલા કારભારમાં તળિયાઝાટક ફેરફારની જરૂર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્વરે નહીં જાગે તો લોકોનો આક્રોશ તેમના ઉપર ફાટે એવી સ્થિતિ જોવા મળી રહી છે.
આજે વાઇરલ થયેલા એક વીડિયોમાં કોરોનામાં મૃત્યુ પામેલા નવસારી કાલિયાવાડીના જાગૃતિબેન પંચોલીના ભાઇ ધર્મેશ પટેલની વાત આપણું હૈયું હચમાચાવી મૂકે એવી છે. તેમના બહેનને કોરોના પોઝિટિવ આવતાં તેમને નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડી સારવાર આપ્યા બાદ તેમને એરૂ રીફર કરાયા, ત્યાંથી યશફિન હોસ્પિટલ ( yashfin hospital) માં રીફર કરાયા અને ત્યાંથી સારું છે, તેથી ક્વોરન્ટાઇન થવાનું કહીને રજા આપી દેવાઇ. પરંતુ ફરી તબિયત બગડતા નવસારી સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાગૃતિ બેનને પાણીની તરસ લાગી હતી, તો તેઓ ભાઇને ફોન કરીને પાણી આપવા કોઇને કહેતા હતા. દર્દીને પાણી આપવા બહારથી તો કોઇને અંદર ન જવા દે, પરંતુ ધર્મેશ પટેલે હેલ્પલાઇન પર ફોન કર્યો તો કોઇએ ઉઠાવ્યો નહીં. એ દરમ્યાન દસ મિનિટ સુધી તેઓ બહેન સાથે વાત કરતાં રહ્યા પણ દસ મિનિટે નવસારી સિવિલના કોરોના વોર્ડમાં એક પણ કર્મચારી બહેનને પાણી પાવા ન ગયો. આખરે, જાગૃતિબેન અંતિમ ઘડીએ પાણી પણ પીવા ન પામ્યા !
પીપીઇ કીટ પહેરીને સબંધીઓને મળવા દઇ દર્દીને સધિયારો આપવા દો
સિવિલમાં ઓક્સિજન અને દવાની પણ અછતથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જાગૃતિ બેનનો ઓક્સિજન ઓછો થતો હતો, છતાં કોઇ નજીક પણ ફરકતું નહીં, એ સંજોગોમાં કયું દર્દી કોરોના સામે ઝીંક ઝીલી શકે. આ સંજોગોમાં કોરોનાના દર્દી માટે સધિયારો મહત્વનો છે. એ સંજોગોમાં દર્દીના જે સબંધી પીપીઇ કીટ ( ppe kit) પહેરીને દર્દીને મળવા ઇચ્છતા હોય તેમને મળવા જેવા દે તો દર્દીને માનસિક રીતે સાંત્વના મળે અને તેથી એ દર્દીનો બચાવ થવાની સંભાવના પણ વધી જાય છે. પરંતુ નવસારી સિવિલના કોરોના વોર્ડની ભયાનક વાસ્તવિકતા લોકોની નજરે ચઢે તો કર્મચારીઓને મુશ્કેલી થઇ શકે તેથી પીપીઇ કીટ પહેરીને પણ સબંધીઓને જવા દેવાતા નથી.
દર્દી માટે ટીફીન કે જ્યુસ જ્યાં મૂકવાનું ત્યાં જ કોરોનાના મૃતકોના દેહ રખાય !
નવસારી સિવિલ ( navsari civil) નો કારભાર એટલો કથળી ગયો છે કે કોરોનાના દર્દીઓના સબંધીઓ તેમના દર્દીઓ માટે ભોજન કે જ્યુસ આપી શકે એ માટે ચોક્કસ સમયમાં એક નક્કી કરેલા સ્થળે સબંધીઓ એ ચીજ મૂકી દે અને વ્યવસ્થા એવી હતી કે ત્યાંથી એ ચીજ દર્દી પાસે પહોંચી જાય. જો કે એ ચીજ ત્યાં પણ પહોંચતી હશે કે કેમ એ પણ એક સવાલ છે, તો બીજી તરફ એ ચીજો જ્યાં મૂકવાની સુચના અપાય છે, તેની બાજુમાં જ કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહો રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ ધર્મેશ પટેલ કરે છે, ત્યારે સવાલ એ થાય કે દર્દી માટે ચીજો આપવા ગયેલાઓને કોરોનાનું સંક્રમણ થાય એવી જોગવાઇ સિવિલના સત્તાવાળાઓએ કરી છે એમ લાગે છે.