સભ્ય સમાજને હચમચાવી દેનારી ઘટના ભાવનગરમાં બની છે. અહીં લગ્નના દિવસે ફેરા ફરવાના એક કલાક પહેલાં વરરાજાએ દુલ્હનની લોખંડના પાઈપ મારી હત્યા કરી છે.
ઘટના શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક બની છે. સવારે યુવતીની લોખંડના પાઈપ મારી હત્યા કરાઈ હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. મરનાર યુવતીના આજે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની ક્રુર હત્યા કરી હતી.
પોલીસ સૂત્રોએ કહ્યું કે મરનાર યુવતી સોની હિંમત રાઠોડ તેના ભાવિ પતિ સાથે લિવ-ઈનમાં રહેતી હતી. આજે લગ્ન હતા. લગ્ન પહેલાં ભાવિ પતિએ તેની હત્યા કરી છે.
આરોપી યુવકનું નામ સાજન છે. આજે વહેલી સવારે પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 પાસે આરોપી સાજન દુલ્હન સોનીના ઘરે આવ્યો હતો. બંને વચ્ચે ઝઘડો થયો હતો. સાજન ઉશ્કેરાઈ ગયો હતો. લોખંડની પાઈપથી સોનીના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો. તેમજ દિવાલ સાથે માથું ભટકાવ્યું હતું. તેની સોનીનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો છે.
વધુમાં મળતી વિગત અનુસાર આજે સોની અને સાજનના લગ્ન હતા. સવારે પાનેતર તથા પૈસાના મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે હત્યામાં પરિણમી હતી. આરોપીને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.