કેટલાક અઘરા ગણાતા કાર્યોમાંનું એક કાર્ય છે – ‘બીજાના લગ્નનું વીડિયો આલ્બમ જોવાનું!’ એકાદ વર્ષ પછી તો આપણે આપણા ખુદના લગ્નનું આલ્બમ જોવાની હિંમત નથી કરતા તેમાં બીજાના કેવી રીતે જોવા! સૂર્યથી પ્લેટો ગ્રહ જેટલો દૂર છે એટલા દૂરના આપણાં સગાંસંબંધીને ત્યાં જવાનું થાય અને જો ભેરવાઈ જઈએ ને રાત રોકાવું પડે તો કયાંયના ન રહીએ. આપણે થાક્યાપાક્યા નિરાંતે સૂઈ જવું હોય અને તેઓ તેમના દીકરાના લગ્નનું વીડિયો આલ્બમ જોવા બેસાડે. રીતસર ઉશ્કેરે! વળી તે કાર્યક્રમ રાત્રે સાડા દશ વાગ્યે શરૂ થાય એટલે આપણને થેલો લઈને નાસી જવાની તક પણ ન મળે. બાકી 20 મિનિટ તે વીડિયો આલ્બમ જોઈએ એટલે એમ થાય કે આના કરતાં તો લોકલ ટ્રેનમાં ‘શીરડીવાલે સાંઇબાબા ગાનારા’ની જેમ રેલવે સ્ટેશનના બાંકડે સૂઈ જવું સારું. સાસુવહુની સીરિયલો જોવી સારી. આવા વીડિયો આલ્બમ જોવા એ કપાસી(કણી)વાળા પગે કાંકરામાં ચાલવા જેવું કપરું કામ છે.
આપણે ઊંઘી જવું હોય છતાં બેસાડે અને આલ્બમ શરૂ કર્યા પછી પૂછે, ‘ઊંઘ નથી આવતી ને!’ આપણે કેમ કહેવું કે ‘આવે છે’. વિશેષમાં તે કહે, ‘આ આલ્બમ જ એવો છે કે તમારી ઊંઘ ઊડી જશે. તમને મજા જ આવશે.’ આપણે સોફામાં બેઠા હોઈએ તો તે મુરબ્બી આપણી બાજુમાં બેસે અને આપણને તકિયા ઓશીકા આપતા કહે, ‘અરે, આરામથી બેસો. એવું લાગે તો સોફામાં સૂતાં – સૂતાં જુઓ.’ ટૂંકમાં, ગમે તે કરો પણ અમારો વીડિયો આલ્બમ તો જુઓ જ. આપણે મીઠી નીંદરમાં મીઠા સ્વપ્ન જોવા ઇચ્છતા હોઈએ અને તે વીડિયો આલ્બમ જોવડાવે.
તેથી ન છૂટકે આપણે જોવાનું શરૂ કરીએ. આપણી આંખો સામે TVના સ્ક્રીન પર જે ચલચિત્રો દેખાતા હોય તેના કરતાં આપણા મનમાં જુદાં ચિત્રો ચાલતાં હોય અને આપણે લંઘાઈ ગયેલા રીંગણાની જેમ પડયા હોઇએ પણ તેઓ આટલેથી જ અટકતા નથી. થોડી વાર વીડિયો ચાલે કે તરત જ તે મુરબ્બી બોલે, ‘પેલા બ્રાઉન સફારીવાળા અંકલને જોયા?’ આ સાંભળી આપણે આજુબાજુ જોવા માંડીએ તો મુરબ્બી કહે, ‘અરે, બહાર નહીં! આપણા વીડિયોમાં, TVમાં!’ આપણે ખરેખર તો ન જ જોયા હોય છતાં ‘હા’ કહીએ એટલે તે બોલે, ‘તેઓ મારા ફઇબાના દીકરાના સગા સાઢુ થાય.’ આપણે કહીએ, ‘વાહ, બહુ સરસ! એમનું સફારી પણ ખૂબ સરસ છે.’ ‘અરે એ તો બહુ મોટી પાર્ટી છે. દિવસમાં ત્રણ સફારી બદલે છે.’
‘વાહ, જમાવટ કહેવાય!’ ‘તેમને નટ – બોલ્ટનું કારખાનું છે. રોજના ટ્રકના નટ – બોલ્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે.’ આપણાથી પુછાઈ જાય કે આંટાવાળા કે આંટા વગરના? ‘તમામ વેરાઈટીઝ. વળી ટોટલી માલ એક્સપોર્ટ કરે છે. લોકલ માર્કેટમાં એમને રસ જ નથી.’ આપણે જરાક રાહતનો શ્વાસ લઈએ. ત્યાં તેઓ એક મહિલાને બતાવીને બોલે, ‘પેલા સહેજ જાડા એવા મદ્રાસી સેલાવાળા મેડમ છે ને તે પેલા સફારીવાળાના મોટા સાળી થાય.’ મેં કહ્યું, ‘હા, એ મદ્રાસી ડેલાવાળા મેડમ પણ પૈસેટકે સમૃદ્ધ લાગે છે!’
‘અરે, ડેલાવાળા નહીં, સેલાવાળા! સેલું એટલે એક પ્રકારની સાડી.’ હું મનોમન બોલ્યો, ‘આ સેલા યાદ રાખવાનું સહેલું નથી. સફારી અને સેલા પહેરે એ લોકોને વગર મફતના યાદ રાખવાના આપણે! આ કઠણાઈ કોને કહેવી?’ ત્યાં વળી એક મોઢું ચડાવીને ફરતો શખ્સ બતાવીને બોલ્યા, ‘પેલા બ્લૂ બ્લેઝરવાળા ભાઈ છે તે મદ્રાસી સેલાવાળા મેડમના સગા ભાઈ થાય.એટલે કે પેલા બ્રાઉન સફારીવાળાનો સાળો થાય.’ તેણે આ રીતે સફારી, સેલા અને બ્લેઝરનો આખો આંબો મારી સામે ચીતર્યો. ફરી તેઓ આકાશદર્શન કરાવતા બોલ્યા, ‘જુઓ જુઓ’
મેં કહ્યું, ‘જોઉં છું ને! તમે શરૂ કર્યું ત્યારનો જોઉં છું. હવે બીજું કંઈ જોવાનું છે જ ક્યાં!’ ‘એમ નહીં પેલી રેઇનબો કલરના ટી – શર્ટવાળીને જુઓ.’ ‘તમે કહો એને જોઉં. મારે તો હવે એ જ કરવાનું છે ને!’ ‘અરે યાર એમ નહીં, એ ‘મેરિનો’ છે’ ‘હા, લાગે છે તો મેરિનો જેવી જ!’ ‘એટલે તમે મેરિનોને ઓળખો છો!?’ ‘ના જરાય નહીં! પણ ઓસ્ટ્રેલિયામાં થતાં ‘મેરિનો ઘેટાં’ આવા હૃષ્ટપુષ્ટ હોય છે.’ ફરીથી તે મોઢેથી ‘ચકક ચકક ચકક’ જેવો નકારાત્મક અવાજ કરીને બોલ્યા, ‘હું તમને જે કહેવા માગું છું તે સમજો.’ ‘તમે શું કહેવા માગો છો એ જ સમજાતું નથી.’ ‘સમજાઈ જશે, સમજાઈ જશે આગળ ઉપર બધું સમજાઈ જશે.’
‘જુઓ પેલી ભરાવદાર શરીરવાળી રેઈનબો કલરના ટી – શર્ટવાળી મેરિનો ખરીને, તે બ્લૂ બ્લેઝર વાળાની ડોટર થાય.’ ત્યાર બાદ તેમણે ફરીથી એક યુવતી બતાવીને કહ્યું, ‘…અને પેલી પર્પલ ટોપવાળી અને બ્લૂ બરમુડાવાળી બેલા તેની કઝિન થાય.’ મને થયું કે મારે હવે બહુ સાવધાન રહેવું પડશે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ સંબંધીઓ ભયજનક રીતે વધતા જાય છે. જો યાદ નહીં રાખું તો એકબીજા સાથે આડા(- અવળા) સંબંધો રચાઈ જશે. જો આ રીતે જ સગાં – સંબંધીઓ વધતા જશે તો મારા મગજમાં ક્યાંય જગ્યા જ નહીં રહે. મગજની મેમરી ફૂલ થઇ જશે અને મગજ હેંગ થઇ જશે. મગજને ફોર્મેટ મારવું પડશે. તે આગળ બોલ્યા, ‘તે બ્લૂ બરમુડાવાળીનું આપણા નાના બાબા સાથે ગોઠવવાનો પ્લાન છે.’ (બોલો! લગ્ન કરવાના છે તોય બાબો જ!)
મેં કહ્યું, ‘ગોઠવી જ નાખો, કરો કંકુના.’ ‘…પણ એમ ડાયરેક્ટ કેવી રીતે ગોઠવાય?’ ‘તો ઇનડાયરેક્ટ ગોઠવો, પણ ગોઠવો. ડાયરેક્ટ વાત કરો ને.’ ‘તમને હજુ ખ્યાલ નથી. આ સગાઈમાં એવું હોય કે આપણે ડાયરેક્ટ વાત કરીએ તો વાત ટકે નહીં.’ ‘તો..ઓ..ઓ..ઓ..?’ ‘પેલા બ્લૂ બ્લેઝરવાળા બરમુડાવાળીના પપ્પાને વાત કરે તો મેળ પડી જાય.’ મને થયું કે એમણે કપડાની સગાઈ કરાવવાની છે કે શું? બરમુડા સાથે બ્લેઝરની સગાઈ કરવાની છે?!’ વળી વચ્ચે વચ્ચે તેઓ મારી ટેસ્ટ પણ લેતા હતા કે મને તેમના બધા કપડાછાપ સગાંસંબંધીઓ મોઢે થયા કે નહીં. તેથી તેમણે પૂછ્યું, ‘…એટલે કે બ્લૂ બ્લેઝરવાળા કોણ એ તો ખ્યાલ આવ્યો ને?’
હકીકતમાં મને કોઈ જાતનો ખ્યાલ આવ્યો નહોતો. કોઈ જાતના કલર ડિઝાઇન મગજમાં બેઠા નહોતા. મારી પાસે કેટલાં કપડાં છે તે પણ મને યાદ નથી રહેતું તો એ મદ્રાસી સેલા, બ્લૂ બ્લેઝર, રેઇનબો ટીશર્ટ અને બરમુડા ક્યાંથી યાદ રહે? મેં ભગવાનને પ્રાર્થના કરી કે ‘હે પ્રભુ તેમના નાના બાબાનું બ્લૂ બરમુડાવાળી સાથે લાકડે માંકડું ગોઠવાઈ જાય તો સારું. તો મારા પછી એમના ઘેર આવનારે આ બધું જોવું ન પડે.’ હું ભગવાનને એવી પ્રાર્થના કરતો હતો ત્યાં તે બોલ્યા, ‘બ્લેઝરવાળાને પેલા મદ્રાસી સેલાવાળા મેડમ જરાક છેડા અડાડેને તો આપણા નાના બાબાનું ગોઠવાઈ જાય. દીવો લઈને ગોતવા જાવ તોય આવી છોકરી મળે નહીં!’ મેં કહ્યું, ‘ગોઠવાઈ જશે, ભાઈ ગોઠવાઈ જશે! તમે ધીરજ રાખો. બરમુડાવાળી સાથે નહીં તો જીન્સવાળી, સ્કર્ટવાળી સાથે જામી જશે. તમે નિરાંત રાખો.’
‘પણ મદ્રાસી સેલાવાળા મેડમને છેડા અડાડવા માટે આપણે વજનદાર ભલામણ કરાવવી પડે.’ સેલાવાળાની વાત સાંભળી ફરીથી મને થેલા ઉપાડવાનું મન થયું પણ રાતના સાડા અગિયાર વાગ્યા હતા અને આ વીડિયો આલ્બમ કુલ 4 કલાકનો હતો. એકાએક મારા મગજમાં ઝબકારો થયો. હું વોશરૂમ જવા ઊભો થયો. પાછો આવ્યો ત્યાં લાઈટ ગઈ. તે મુરબ્બી પાછા કહેવા માંડ્યા, ‘આપણા બાબાનું બાકી રહી ગયું ને! આ લાઈટ ગઈ.’ મેં કહ્યું, ‘હવે અંધારામાં કાંઈ ન થાય. સૂઈ જાવ. સવારે પાછા મદ્રાસી સેલાથી ઉપાડજો એટલે ગોઠવાઈ જશે.’ આટલું કહી હું અગાશીમાં જઈને સૂઈ ગયો. સૂતા ભેગી સવાર. વહેલી સવારે 5 વાગ્યે મેં મેન ફ્યુઝ ચડાવ્યો અને લાઈટ આવી. પેલા મુરબ્બી ઊઠીને મદ્રાસી સેલાવાળાની ઉપાડે તે પહેલાં મેં થેલા ઉપાડ્યા. નક્કી કર્યું કે ચાપાણી બસ સ્ટેશને જઈને પીઇશ. આમ કહી હું ગુડબાય કીધા વિના પોચા પગે નીકળી ગયો.
ગરમાગરમ
જમીન – મકાનની આગઝરતી તેજી વખતે અમારા ગામના એક ભાઈએ 5 કરોડનો રોડ ટચ પ્લોટ લીધો! પછી ધોમકડેડાટ મંદી આવી. પછી એક વાર અચાનક તે ભાઈ મળી ગયા. મેં પૂછ્યું, ‘’પેલા તમારા 5 કરોડના ‘રોડટચ પ્લોટ’નું શું થયું?’’
તે બોલ્યા, ‘’પ્લોટને મૂકો તડકે ને 5 કિલો લોટનું કરી દો એટલે રોટલા ભેગા થઈએ.’
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)