‘સ્કેમ 1992’ વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી ફૂલ ડિમાંડમાં છે. આઠ ગુજરાતી ફિલ્મ અને બે હિન્દી ફિલ્મો કરી ચુકેલા પ્રતિકની ‘ભવાઇ’ ફિલ્મ પહેલી ઓકટોબરે રજૂ થઇ રહી છે. છે હિન્દી ફિલ્મ પણ ગુજરાતનો કથા વિષય ધરાવે છે જેમ કેતન મહેતાની ‘મીર્ચ મસાલા’ ફિલ્મ હતી. ‘વિઠ્ઠલ તીડી’ નામની ગુજરાતી વેબ સિરીઝને સફળ બનાવી ચુકેલા પ્રતિક ગાંધી સાથે ‘ભવાઇ’માં એન્દ્રિતા રે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. હાર્દિક ગજ્જર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.
એન્દ્રિતા રે આમ તો કન્નડ, બંગાળી ફિલ્મો થઇ પચ્ચીસેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે પણ ‘ભવાઇ’થી તે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી મારશે. જો કે ‘મેં જરૂર આઉંગા’ તેની ડેબ્યુ ફિલ્મ ગણાય છે પણ જયાં સુધી નામ ન મળે ત્યાં સુધી બધી જ ફિલ્મોને પહેલી ગણવી જોઇએ. એન્દ્રિતાની અટક રે છે પણ સત્યજીત રે સાથે તેને કોઇ સગપણ નથી. ઉદયપુરમાં તે જન્મી છે ને પછી મુંબઇ, બેંગ્લોર રહી છે. આ કારણે જ તેને ચારેક ભાષા આસાનીથી આવડે છે. રાજસ્થાનમાં તે હિન્દી બોલતી, મુંબઇ ત્યારે થોડું મરાઠી પણ આવડવા લાગેલું પણ બેંગ્લોર ગયા પછી કન્નડ બોલતી થઇ ગઇ અને ઘરે બંગાળીમાં બોલતી હતી.
બેંગ્લોરમાં ભણતી હતી ત્યારે જ તેણે મોડલીંગ શરૂ કરેલું અને તેથી કન્નડ ફિલ્મો મળવી શરૂ થઇ. કન્નડ પછી હિન્દીમાં ‘અ ફલેટ’ નામની થ્રીલરમાં તેણે કામ કરેલું પણ તેમાં તેને નામ નહોતું મળ્યું. બંગાળીમાન તેને ‘બચ્ચન’ નામની કોમેડી થ્રીલર મળી જેમાં તે મુખ્ય અભિનેત્રી હતી ત્યાર બાદ વળી ‘અમર અપોંજન’ મળી. પરંતુ કન્નડ ફિલ્મોમાં તેને વધુ સફળતા મળી છે એટલે અત્યારે પણ તેની ત્રણ ફિલ્મો બનીને તૈયાર છે.
ગયા વર્ષે ‘ધ કેસીનો’ નામની હિન્દી વેબસિરીઝમાં આવી ત્યારે જ આ ‘ભવાઇ’ ફિલ્મનું નક્કી થઇ ગયેલું કારણ કે એ વેબ સિરીઝના બે દિગ્દર્શકોમાં એક હાર્દિક ગજ્જર ને બીજા તુષાર ભાટિયા હતા. હવે પ્રતિક સાથે ફિલ્મ મળવાથી ઘણી ખુશ છે. હકીકતમાં તે હાર્દિક ગજ્જરની ‘રાવણ લીલા’માં પણ પ્રતિક ગાંધી સાથે જ આવી રહી છે. ‘મેં જરૂર આઉંગા’ એક હોરર-મિસ્ટરી ફિલ્મ હતી એટલે તેની નોંધ લેવાય નહોતી પણ ‘ભવાઇ’ અને ‘રાવણલીલા’ના વિષય ઇન્ટ્રેસ્ટિંગ છે. દિગંત સાથે ચારેક વર્ષ પહેલાં પરણી ગયેલી એન્દ્રિતા અત્યારે 36 વર્ષની છે અને છતાં તેનો ચહેરો કોલેજ જતી છોકરીનો છે. તેને આવું કહો તો તે હસે છે ને કહે છે કે હું બંગાળી છું એટલે આમ લા્ગતી હોઇશ. તે કહે છે કે તમે મને મારી કારકિર્દી વિશે પૂછો ને હિન્દીમાં હવે વધારે કામ મળે તેવી આશા રાખો. કન્નડ ફિલ્મોમાં તો કામ કરીશ પણ હિન્દીના પ્રેક્ષક પાસે ય સફળતાની ઇચ્છા કરું છું.