નવી દિલ્હીઃ હોંગકોંગ ક્રિકેટ ટીમે અજાયબી કરી બતાવી છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયરની મેચમાં હોંગકોંગે મંગોલિયા સામે 9 વિકેટે જીત મેળવી હતી. ચોંકાવનારી વાત એ હતી કે હોંગકોંગે માત્ર 10 બોલમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ મેચમાં હોંગકોંગને જીતવા માટે 18 રનનો ટાર્ગેટ હતો.
આજે 31 ઓગસ્ટ શનિવાર ના રોજ બ્યુમસ ઓવલ કુઆલાલંપુર ખાતે રમાયેલી આ મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હોંગકોંગનો આ નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. મંગોલિયાની ટીમ માત્ર 14.2 ઓવરમાં 17 રનમાં સમેટાઈ ગઈ હતી. મોંગોલિયન બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.
મોંગોલિયા માટે મોહન વિવેકાનંદને 18 બોલમાં સૌથી વધુ 5 રન બનાવ્યા હતા. જ્યારે લુવસાંજુન્દુઇ એર્ડનબુલગન, દાવસુરેન જામિઅન્સુરેન અને ગેન્ડેમ્બરેલ ગેમ્બોલ્ડે બે-બે રન બનાવ્યા હતા.
આ ભારતીય મૂળના બોલરે ઈતિહાસ રચી દીધો
હોંગકોંગ તરફથી એહસાન ખાને પાંચ રનમાં ચાર વિકેટ લીધી હતી. જ્યારે અનસ ખાન અને યાસીમ મુર્તઝાએ બે-બે વિકેટ લીધી હતી. જો કે, આ બધાની વચ્ચે ફાસ્ટ બોલર આયુષ શુક્લાએ ગજબનું પર્ફોમન્સ દર્શાવ્યું હતું. તેણે 4 ઓવરમાં એકપણ રન આપ્યા વિના એક વિકેટ લીધી હતી. ભારતીય મૂળના આયુષ શુક્લા T20 ઈન્ટરનેશનલમાં પોતાની ચારેય ઓવર મેડન નાંખનાર ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા માત્ર સાદ બિન ઝફર (કેનેડા) અને લોકી ફર્ગ્યુસન (ન્યુઝીલેન્ડ) જ આ કરી શક્યા હતા.
સાદ ઝફરે વર્ષ 2021માં કૂલિજમાં T20 વર્લ્ડ કપ અમેરિકા રિજન ક્વોલિફાયર મેચમાં પનામા સામે 4-4-0-2નો સ્પેલ ફેંક્યો હતો. લોકીએ આ સિદ્ધિ T20 વર્લ્ડ કપ 2024માં પાપુઆ ન્યૂ ગિની સામે હાંસલ કરી હતી. પાપુઆ ન્યુ ગિની સામે લોકીએ 4-4-0-3ના જાદુઈ આંકડા સાથે મેચ સમાપ્ત કરી હતી.
મેચમાં હોંગકોંગ તરફથી જીશાન અલી 15 રને અણનમ અને કેપ્ટન નિઝાકત ખાન 1 રન પર અણનમ પરત ફર્યા હતા. જેમી એટકિન્સન (2) એકમાત્ર બેટ્સમેન આઉટ થયો હતો. એટકિન્સનનું સ્થાન ઓડ લુટબાયરે લીધું હતું. હોંગકોંગની ટીમે પણ કેટલાક પ્રસંગોએ એશિયા કપમાં ભાગ લીધો છે. આવી સ્થિતિમાં તેમના ખેલાડીઓને મોટી ટીમો સામે રમવાનો અનુભવ છે.