ગ્રેડ પેની (Grad Pay) માંગણી સાથે રાજ્યમાં પોલીસ દાદાઓ (Police) આંદોલન (Protest) કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે (Gujarat Government) પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરી દીધું છે. હાલમાં રાજ્યમાં ગ્રેડ પે સિસ્ટમ નથી. પોલીસને સાતમા પગાર પંચ મુજબ પગાર મળી જ રહ્યો છે. જો કોઈએ પોલીસના પગાર મુદ્દે સોશિયલ મીડિયામાં (Social Media) ખોટી અફવાઓ ફેલાવી તો તેની ખેર નથી.
રાજ્યના પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેના મુદ્દે એક અઠવાડિયાથી આંદોલન છેડવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોલીસકર્મીઓ આ લડત ચલાવી રહ્યાં હતાં, પરંતુ ગઈકાલે ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ ધરણાં કર્યા બાદ આ આંદોલનને વેગ મળ્યો છે. આજે રાજ્યભરમાંથી પોલીસ કર્મચારીઓ ગાંધીનગર જઈ રહ્યાં છે. ગાંધીનગરમાં બાળકો અને પત્ની સાથે પોલીસકર્મીઓ ધરણાં પર બેઠાં હતાં. પોલીસના આંદોલનના લીધે રાજ્ય સરકાર હલી ગઈ હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) તાબડતોબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને આ સમગ્ર મામલે અભ્યાસ શરૂ કર્યો હતો. મિટીંગમાં પોલીસ કર્મચારીઓની 23 માંગણીઓ પર ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. મિટીંગ બાદ IGP બ્રિજેશ ઝા દ્વારા એક પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી.
બ્રિજેશ ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ પોલીસની માંગણીઓ પર ચર્ચા કરવા માટે મિટીંગ બોલાવી હતી. પગાર ઉપરાંતની સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારવા બાબતની છે. તેથી ગૃહમંત્રીએ અન્ય રાજ્યોમાં કેટલો ગ્રેડ પે આપવામાં આવે છે તેની વિગતો મંગાવી છે. હાલમાં ગુજરાતમાં સાતમા પગારપંચ અનુસાર પગાર અપાય છે, તેથી સીધો પગાર વધારો શક્ય નથી. બીજી તરફ સોશિયલ મીડિયામાં જે રીતની કોમેન્ટ થાય છે તે નહીં થાય તે માટે પણ પોલીસ ઉચ્ચ અધિકારીએ સચેત કર્યા હતા.
કેટલો મળે છે પોલીસને પગાર? કેમ આંદોલન છેડ્યું?
પોલીસ જે રીતે કામગીરી કરે છે તેટલો પગાર મળતો નથી તેવી ફરિયાદ છે. LRDમાંથી 12 વર્ષે કોન્સ્ટેબલ બને ત્યાં સુધી પગારમાં કોઈ ફેરફાર થતો નથી. 1800 રૂપિયાનો ગ્રેડ પે મેળવતા પોલીસને 20 હજાર રૂપિયા પગાર મળે છે પણ જો 2800 રૂપિયા ગ્રેડ પે થાય તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે. વળી, અન્ય સરકારી કર્મચારીઓની જેમ પોલીસ પણ પોતાના યુનિયન માટે લડે છે કારણ કે અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી નથી જેથી પોતાની માગોને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી અને ફરજના કલાકો નક્કી નહી હોવાના કારણે શારીરિક-માનસિક યાતનાઓ ભોગવે છે. પોલીસ કોન્સ્ટેબલના કામના કલાકો નક્કી નથી આથી લાંબા સમયથી માંગ હોવા છતાં પણ કોઈ નિષ્કર્સ ન આવતા આંદોલનનું રણશિંગુ ફુંકાયું છે.