Charchapatra

ગૃહમંત્રીના ઘરઆંગણે: શરમ શરમ

ગૃહમંત્રીના ગામમાં અને પોલીસ સ્ટેશનથી માંડ બે કિલોમીટર દૂર અડાજણમાં સૂર્યોદય પછી ધોળા દિવસે સાત લાખની લૂંટ થાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નાક પર હાથ ફેરવી તે સલામત હોવાનો સંતોષ લે ત્યારે હસવું આવે કે સરકારને હવે નાક ક્યાં રહ્યું છે?! સરકારને સબ સલામત હોવાનો ઢંઢેરો પીટવામાં આનંદ આવે છે પણ લોકોને ખબર છે કે ‘રૂપો’ ગયો અને ‘ભૂપો’ આવ્યો. લોકોનું ચારે બાજુથી તેલ નીકળી રહ્યું છે. રસોઈમાંથી તેલ ગાયબ થઈ ગયું છે. તમામ તંત્રો અને તમામ લોકો લાચાર પ્રજાજનોનું તેલ કાઢી રહ્યા છે. સરકાર પોતે મેટ્રો ટ્રેનના ખ્વાબમાં લોકોને ચિરનિદ્રામાં મોકલી રહી છે. લક્ઝરી બસવાળા અને પેલા કાનાણી વચ્ચેના ગજગ્રાહમાં લોકો પીલાઈ રહ્યાં છે. ઇમ્પેક્ટ ફીના નામે લૂંટવાની મુદત વધી રહી છે. લુંટારુ ઘરે આવીને પણ લૂંટી રહ્યા છે અને શાસક પક્ષ નાટક બતાવે છે જેનું નામ છે રામરાજ્ય. લોકો ખોબે ખોબા મત આપીને એ નાટક વિના મૂલ્ય માણી રહ્યા છે, પણ આવા બનાવો પછી તેઓ કિંમત માંડશે કે આ નાટકનું મૂલ્ય તેઓ કેટલું ચૂકવી રહ્યા છે.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

દેશના લેભાગુ રાજકીય પક્ષો
દેશના 23 લેભાગુ રાજકીય પક્ષોએ વિક્રમ રકમ ગણી શકાય એવા 4000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલ છે તેવું ઈન્કમ ટેક્ષના વર્ષ 2022ના ઈન્કમટેક્ષના પાડેલ દરોડાઓમાં બહાર આવેલ છે. નવાઈની વાત એ છે કે વર્ષ 2021ના ઈન્કમટેક્ષના દરોડામાં આવેલા આ પ્રકારના કેટલાક રાજકીય પક્ષો પુન: વર્ષ 2022માં ફરીથી નવા નામે સક્રિય થયાનું આવકવેરાના દરોડાઓમાં બહાર આવેલ છે. આવકવેરાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોકટર, વકીલ, જેવો પ્રોફેશનલ અને 10-20 લાખના પગારદારો સહિત 75 લાખથી એક કરોડના પગાર ધરાવનારાઓ પણ આ બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવેલ છે. તદુપરાંત 50 થી વધુ ચાર્ટડ એકાઉન્ટની બોગસ ડોનેશનના કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવેલ છે.

કાગળ પરના લેભાગુ રાજકીય પક્ષો રોકડ આપનારને ચેક અને ચેક આપનારને રોકડ આપતા આ ખાનગી તેમ જ જાહેર ક્ષેત્ર તેમજ સહકારી બેન્કના અધિકારીઓએ યોગ્ય કેવાયસી વિના ખાતાં ખોલી મદદ કર્યાનું દરોડામાં બહાર આવેલ છે. આશા રાખીએ કે વર્ષ 2023 આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. દેશમાં આવા લેભાગુ રાજકીય પક્ષોની જેમ દેશમાં ડીલીસ્ટ કરેલા રાજકીય પક્ષોની વિક્રમ સંખ્યા 337 થયેલ છે. જેમાંના 86 અસ્તિત્વ વગરના રજીસ્ટર્ડ ગેરકાયદે રાજકીય પક્ષોને યાદીમાંથી દેશના ચૂંટણી પંચે વર્ષે 2022માં દૂર કરેલ છે જે લોકશાહીના હિતમાં આવકાર્ય હોઈ અભિનંદનીય છે.

દેશની લોકશાહીને વધુ મજબૂત કરવા દેશના ચૂંટણી પંચે અસ્તિત્વ વગરના તેમજ લેભાગુ રાજકીય પક્ષોને સમય સમય પર દૂર કરતાં રહેવાની પણ હવે જરૂરી બને છે, જેથી દેશમાં રાજકીય પક્ષોની વિશ્વની શકય મોટી લોકશાહી એવા આપણા દેશને નામોશી મળતી હોઈ દેશના ચૂંટણી પંચે દેશના રાજકીય પક્ષો બાબતે હજુ વધુ જરૂરી કડક પગલાંઓ લેવાની જરૂર છે. બિનજરૂરી પુન: ચૂંટણી ખર્ચાઓ અટકાવવાની જરૂર છે. દેશમાં કોઈ મા-બેટાની પાર્ટી છે, કોઈ બાપ-બેટાની પાર્ટી છે, કોઈ ભત્રીજાની પાર્ટી છે, તો કોઈ ભાઈ-ભાઈની પાર્ટી છે જેને હવે પરિવારવાદમાંથી મુક્ત કરીને લોકશાહીના હિતની દેશની પાર્ટી બનાવવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top