આણંદ : આણંદના વાસદ ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે જતી પોલીસ વાન ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં તેમાં સવાર જવાનો ઘવાયાં હતાં, જ્યારે એક હોમગાર્ડનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે વાહન ચાલક જવાન સામે ગુનો નોંધ્યો છે. બોરસદના બોદાલ ગામે રહેતા કનુભાઈ અંબાલાલ પરમારના મોટા ભાઈ અશોકભાઈ અંબાલાલ પરમાર (ઉ.વ.36) હોમગાર્ડ યુનિટમાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવે છે. જેમાં વાસદ પોલીસ સ્ટેશનમાં નાઇટમાં ફરજ સોંપવામાં આવી છે.
દરમિયાનમાં 28મી નવેમ્બરના રોજ સાડા નવેક વાગ્યાના સુમારે અશોકભાઈ વાસદ પોલીસ ખાતે નાઇટની નોકરીમાં હાજર થયાં હતાં. બીજા દિવસે સવારે એટલે કે બુધવારની વ્હેલી સવારે પાંચેક વાગે વાસદ રેલવે ઓવર બ્રીજ પર બોરસદથી વાસદ તરફ રોડે ડીવાયડરની પાળીમાં પોલીસ ગાડીને અકસ્માત થયો હતો. જેમાં હોમગાર્ડ જવાન અશોકભાઈનું મૃત્યું નિપજ્યું હતું અને તેમને વાસદ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યાં છે. આ અંગેની જાણ થતાં કનુભાઈ તુરંત હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જેમાં વાસદ રેલવે ઓવરબ્રીજના ડીવાયડરની પાળીમાં વાહન અથડાવવાથી અકસ્માત સર્જાયો હોવાનું અને ડ્રાયવર પોલીસ કર્મચારી રૂષીકકુમાર ગોરધનભાઈ હતાં. જેમની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડ્રાઇવર રૂષીકકુમાર ગોરધનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ ને પણ ઇંજા પહોંચી હતી. જે સંદર્ભે વાસદ પોલીસે વાહન ચાલક પોલીસ જવાન રૂષીકકુમાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.