સુરતઃ સુરત(Surat) જિલ્લા(District) હોમગાર્ડ(Home guard)માં સિટી કમાન્ડન્ટ(City Commandant) તરીકે ફરજ બજાવતા વિવાદી સંજય પટેલે(Sanjay Patel) માસમા પાસે અકસ્માત કરી રાહદારીનું મોત નીપજાવ્યું હતું. આ ઘટના બાદ અકસ્માત કરેલી સરકારી ગાડી રિપેર કરાવી બારોબાર પુરાવાનો નાશ કરી પોતે ફરાર હતા. આ વિવાદમાં મોટા પાયે તપાસ પણ શરૂ થઇ હતી અને આ તપાસ બાદ ગૃહ વિભાગ દ્વારા તેમને તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવી દેવાયા છે.
- અકસ્માત કેસમાં ફરાર હોમગાર્ડના સિટી કમાન્ડન્ટ સંજય પટેલને ગૃહવિભાગે પદ પરથી હટાવ્યા
- ઓલપાડમાં રાહદારીનું અકસ્માતમાં મોત નીપજાવી પુરાવાનો નાશ કર્યો હતો
- અનેક વખત વિવાદમાં સપડાયેલા સંજય પટેલને આખરે પદ પરથી હટાવાયા
સંજય કાંતિલાલ પટેલ (ઉં.વ.53) (રહે.,સરસ્વતી રો હાઉસ, દાંડી રોડ, મોરાભાગળ)ને વર્ષ-2019માં જિલ્લા હોમગાર્ડમાં કમાન્ડન્ટની પોસ્ટ પર નિમાયા હતા. જો કે, ત્યારથી તે સતત વિવાદમાં રહ્યા હતા. દારૂની મહેફિલ માણવાથી લઈ અનેક વિવાદમાં તેમનું નામ સામેલ હતું. ફાર્મહાઉસમાં દારૂના ગ્લાસ સાથે તેમના ફોટા પણ ફરતા થયા હતા. આ મામલો મીડિયામાં પણ ઊછળ્યો હતો. આ વિવાદો વચ્ચે તાજેતરમાં જ ગત તા.14 જાન્યુઆરીએ સરકારી વાહન પોતે ચલાવી જતી વખતે અકસ્માત કરી એક રાહદારીનો જીવ લીધો હતો.
અકસ્માત બાદ રાતો રાત કર્યો હતો પુરાવાનો નાશ
સંજય પટેલે ગત તા.14 જાન્યુઆરીએ માસમા ગામ પાસે એક રાહદારીને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીનું મોત નીપજ્યું હતું. ઓલપાડ પોલીસે આ અકસ્માતની ઘટના બાદ ફરિયાદ દાખલ કરી હતી. સંજય પટેલ સરકારી બોલેરો લઈ જતી વખતે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સંજય પટેલે રાતોરાત પુરાવાના નાશ કરી પોતે ફરાર થયા હતા. ઓલપાડ પોલીસે ગાડીના સ્પેરપાર્ટ્સ જમા કરી લીધા હતા. આ અંગે બાદમાં પુરાવા નાશ કર્યાનું સાબિત થયું હતું. એફએસએલ ઓફિસરના સ્થળ નિરીક્ષણનો અભિપ્રાય પણ આમાં સામેલ હતો. આ સિવાય આરટીઓમાં લાઇસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ બાદ સંજય પટેલને પદ પરથી હટાવવાનો ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.