ફાગણ પૂનમ એટલે હોલિકાત્સવ. સમાજના બધા જ લોકો આ તહેવાર આનંદથી ઉજવે છે. માનવી સમાજને સારું માર્ગદર્શન આપનારો આ તહેવાર છે. હોળીની એક સરસ પૌરાણિક કથા છે. હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો. રાક્ષસ એટલે નિષ્ઠુર નીચ કૃત્ય કરનારો, મનમાની કરનારો, ધર્મમાં ન માનનારો અને સમાજને દુ:ખ આપનારો, શેતાની માણસ. એ રાજા હતો, તેને સર્વત્ર સોનું જ દેખાય. હિરણ્ય એટલે સોનું. જે તેના નામમાં હતું. ફકત સ્વૈરાચાર અને ભોગમાં આસકત આ રાજન ખાઓ-પીઓ અને મઝા કરો એવી એની નીતિ હતી. પ્રજાના સુખ દુ:ખ પર એનું દુર્લક્ષ હતું અને પોતાને જ એ પરમેશ્વર સમજતો હતો. અવિચારી કૃતઘ્ન હતો. એની મહારાણી જયારે ગર્ભવતી હતી ત્યારે મુનિવર્ય નારદના આશ્રમમાં રહેતી હતી. ત્યારે એમના ગર્ભ પર ઉચિત બ્રહ્મ સંસ્કારનું સિંચન થયું હતું અને રાણી ઉત્તમ સદાચારી, લોકભોગ્ય વિચાર કરતાં હતાં.
એજ પવિત્ર, સાત્વિક માતાના કુખે ભકતરાજા પ્રહલાદનો જન્મ થયો હતો. દુષ્ટ અને નીતિશૂન્ય હિરણ્ય કશ્યપનો પુત્ર પ્રહલાદ નાનપણથી જ વિષ્ણુ સેવક શ્રી હરિનારાયણનો ભકત તરીકે પ્રસિધ્ધ થવા લાગ્યો. પાપી બાપને તે મંજુર ન હતું, એણે પ્રહલાદને સમજાવાનો પ્રયત્ન કર્યો પણ પ્રહલાદ તો નારાયણમય બન્યો હતો. તેથી રાજાએ પ્રહલાદને મારવાના પ્રયત્નોમાં તેને બાળીને ભસ્મ કરી દેવાનો દાવ રચ્યો. પ્રહલાદની ફોઇબાને વરદાન હતું કે તે સદ્બુધ્ધિથી કર્મ કરે તો તેને અગ્નિ બાળશે નહિ, પણ દુર્બુધ્ધિવશ કર્મ કરે તો અગ્નિ એનું બાળવાનું કામ કરશે જ. ભરપૂર છાણા અને સુકા લાકડાની ભવ્ય ચિતા બાળીને ફોઇબા પોતાના ખોળામાં પ્રહલાદને લઇને ચિતામાં બેઠા. અન્ય ઇશ્વરનું નામ લેવાનો અંજામ શું થાય છે તે બતાવવા માટે પ્રજાજનોને પણ પ્રહલાદનું અગ્નિદહન જોવા બોલાવ્યા હતા. ચિતાને આગ ચાંપી. આગ ભડકી ઉઠી. પ્રહલાદ નારાયણ નારાયણ ગાતો હતો. સંપૂર્ણ ચિતા ખાક બની. એમાં ફકત ફોઇબા હોલિકાનું જ ભસ્મ થયું અને શ્રીહરિ ભકત પ્રહલાદ તો હેમખેમ સુરક્ષિત રહ્યો. અસદ્બુધ્ધિનો વિનાશ થાય છે અને સદ્બુધ્ધિનો હંમેશા વિજય થાય છે એ સત્ય પ્રહલાદની ભકિતમાંથી મળે છે. પ્રહલાદ જેવા એકાગ્ર, એક નિષ્ઠ થઇને પોતાના ઇશ્વરને ભજવા જોઇએ. સત્ય ઇશ્વરનો પ્રહલાદ સાથી છે. પણ હવે એક પ્રશ્ન ઉભો થયો છે. જે હોલિકાએ પ્રહલાદ જેવા બાળક પ્રભુભકત નિષ્પાપને બાળવાનો પ્રયત્ન કર્યો, તે હોલિકાનું આપણે હજારો વર્ષોથી પૂજન અર્ચન શા માટે કરીએ છીએ? હોલિકાને માતાનું બિરુદ શા માટે આપીએ છીએ? તેનું એક સમર્થક ઉત્તર છે.
પ્રસંગ સ્વયં બતાવે છે કે પ્રહલાદે લોકહૃદયને જીતી લીધું હતું અને લોકોની અંત:કરણીય પ્રાર્થના અગ્નિદેવે સાંભળી છે અને કોઇને વરદાન મળ્યું હોય તો એનો ઉપયોગ સાચા માર્ગે કરવો જોઇએ. કુમાર્ગનો પરિણામ મૃત્યુ દંડમાં આવે છે. એટલે ઘરઘરમાં ચાલતું હોલિકા પૂજન અગ્નિ પૂજા છે, તે હવે સામુદાયિક રીતે કરવામાં આવે છે તે લોક શ્રધ્ધા છે. હોલિકા પૂજન એટલે અસદ્વિચારો, અસત્ય કર્મ, દુર્વિચાર વગેરે સમાજ દ્રોહી કર્મોને નષ્ટ કરવા માટેની પૂજા છે અને સદ્વૃત્તિના રક્ષણ માટે સત્વૃત્તિનો જન્મ થવા માટેની મહાપૂજા છે. તેથી જ લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે. ફોઇબા હોલિકાએ પ્રહલાદને પોતાનું બાળક સમજીને ખોળામાં બેસાડયો હતો અને તે સમયે સંતાન જેવો જ વહાલ કર્યો હતો તેઓ હોલિકા માતા સમાન છે. હોળીનો ઉત્સવ ફાગણના નવ રંગોથી સમાજ જીવનને નયનરમ્ય બનાવે છે. દરેક ઉત્સવોમાં સંયમ, શિસ્ત પાળવી આવશ્યક છે. ઉત્સવ બધા માટે શિક્ષક છે, ગુરુતુલ્ય છે. એના વડે આપણામાં સત્વૃત્તિ જાગ્રત થવી જોઇએ. હોલિકા અગ્નિમાં દૂર્વિચાર, કામુકતાવ્યસનો અને વિકારોને, વિકૃતિને બાળવું જોઇએ. હોળીનું પૂજન સત્માર્ગનું પૂજન છે. હોળીનો પૂનમ ચંદ્રમા શિતલતા આપે છે અને અગ્નિ દુષ્ટતાને બાળે છે. તો બોલિયે ‘હોળી માતાની જય’