SURAT

આકરી ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા સુરતમાં પક્ષીઓની થઈ આવી દયનીય હાલત

સુરત: (Surat) ઉનાળાની (Summer) ઋતુ ચાલી રહી છે. ત્યારે પક્ષીઓને (Birds) ડીહાઇડ્રેશન (Dehydration) થવાના બનાવ વધી ગયા છે. જીવદયા સંસ્થાઓને પ્રતિદિવસ 4થી 5 પક્ષીને ડીહાઇડ્રેશન થવાના કોલ મળી રહ્યા છે. શહેરી વિસ્તારમાં રહેતાં કબૂતર, પોપટ, ચકલી, કોયલ સહિતનાં પક્ષીઓને પીવા માટે પાણી મળતું ન હોવાથી પક્ષીઓ ડીહાઇડ્રેશનનો શિકાર બની રહ્યાં છે.

  • ઉનાળાની ઋતુમાં શહેરી વિસ્તારમાં પક્ષીઓને પીવાનું પાણી નહીં મળતાં ડીહાઇડ્રેશનના બનાવ વધ્યા
  • પ્રતિ દિવસ 4થી 5 પક્ષી ઉનાળામાં હીટવેવને કારણે અસરગ્રસ્ત
  • ઘરની બારી, ટેરેસ ઉપર પક્ષીઓ માટે કૂંડાં કે કોઈપણ વાસણમાં પાણી મૂકવા જીવદયા સંસ્થાની અપીલ

શહેરમાં તાપમાનનો પારો ઊંચો જવાને કારણે પક્ષીઓ હીટવેવથી બીમાર પડી રહ્યાં છે. પૂરતા પ્રમાણમાં પક્ષીઓને શહેરી વિસ્તારમાં પાણી મળતું નથી. જેથી કબૂતર, પોપટ, ચકલી, કોયલ, કાગડા સહિતનાં પક્ષીઓ હીટવેવને કારણે ડીહાઇડ્રેશનથી બીમાર પડી રહ્યાં છે. શહેરોની સરખામણીમાં ગામડાંમાં તળાવ, નહેર, નાળાંમાંથી પીવાનું પાણી મળી જતાં પક્ષીઓ આકરી ગરમીથી પોતાનો બચાવ કરી લે છે. પરંતુ શહેરમાં પીવાનું પાણી નહીં મળતાં વિતેલા ત્રણ મહિનામાં 100થી વધુ પક્ષીને ડીહાઇડ્રેશન થયું છે. જે પૈકી 10થી વધુ પક્ષીઓ મોતને પણ ભેટ્યાં છે. શહેરી વિસ્તારમાં પક્ષીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. વૃક્ષો પણ ઓછાં હોવાને કારણે પક્ષીઓ ઠંડકનો સહારો પણ લઇ શકતાં નથી. પરિણામે શહેરી વિસ્તારમાં વસતાં પક્ષીઓ ડીહાઇડ્રેશનનો ભોગ બની રહ્યાં છે.

પ્રયાસ જીવદયા સંસ્થાના દર્શન દેસાઇએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં શહેરી વિસ્તારમાં રહેતાં પક્ષીઓને પાણી નહીં મળતાં ડીહાઇડ્રેશનના કોલ વધી ગયા છે. દર વર્ષે ઉનાળામાં પક્ષીઓને ડીહાઈડ્રેશન થાય છે. પ્રતિ દિવસ 4થી 5 કોલ જીવદયા સંસ્થાને મળે છે. અસરગ્રસ્ત પક્ષીઓને રિહેબ સેન્ટર ઉપર લઇ જવાય છે. જ્યાં તેમને મલ્ટિવિટામીન તેમજ પાણી આપી સાજા કરવામાં આવે છે. ત્યારબાદ મોટા કેજમાં તેમને રાખવામાં આવે છે. પક્ષીઓ ફરીથી ઊડી શકે ત્યાં સુધી તેમને રિહેબ સેન્ટર ઉપર રાખ્યા બાદ છોડી દેવામાં આવે છે. દર્શન દેસાઇએ શહેરીજનોને અપીલ પણ કરી છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરની બારી તેમજ ટેરેસ ઉપર છાંયડામાં પાણીનાં કૂંડાં અથવા તો કોઇપણ વાસણમાં પાણી મૂકે તો ચોક્કસ પક્ષીઓને બચાવી શકાય તેમ છે.

Most Popular

To Top