નશો કહે કે જુનૂન, વિવિધ પ્રકારના માણસોમાં કંઈક એવું વિશિષ્ટ હોય છે કે જેને નોંધપાત્ર કહી શકાય. આપણા શહેરના એક આધેડને પણ કંઈક આવું જ ઝુનૂન છે, ચાલવાનું. માત્ર ચાલવાનું કહેવા કરતાં પદયાત્રા કહીએ તો વધુ સારું લાગે. કારણકે દર વર્ષે આ ભગત કોઈને કોઈ તીર્થસ્થાનની પદયાત્રા કરે છે. તેઓ એકલા નહીં પરંતુ આખું પદયાત્રા સંઘ છે. અલબત્ત દિવાળી બાદ તેમણે સુરતથી છેક અયોધ્યા સુધીની અંદાજે 1400 કિ.મી. જેટલી પદયાત્રા, ઉજ્જૈન બાદ તદ્દન એકલા જ કરી છે.
- સુરતથી ડાકોર માટે 100 પદયાત્રી હતાં, અયોધ્યા માટે 8 જણાં નક્કી થયા, પરંતુ અન્ય 7 પાછા વળી ગયા
- 80 વર્ષીય ધનસુખકાકા સહિત બે પદયાત્રીએ ઉજ્જૈન સુધી સાથ આપ્યો પરંતુ આગળ વધી શક્યા નહીં
શહેરના રામપુરા અંધારાની ખૂણમાં સાગર એપાર્ટમેન્ટમાં રહેતાં અને હીરાબજારમાં રિદ્ધિ સિદ્ધિ નામે સેન્ડવીચ, ફાસ્ટફૂડનો વ્યવસાય કરતાં હિતેશભાઈ પટેલને લોકો જયશ્રી રામ તરીકે પણ ઓળખે છે. કારણકે એક હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા હોવા ઉપરાંત તેનાથી પણ વધુ તેઓ ધર્મ, ભજન, પૂજન, ઉપવાસ, યાત્રા જેવી પ્રવૃત્તિમાં મોટાભાગે ઓતપ્રોત રહેતા હોય છે.
હિતેશભાઈએ જણાવ્યું કે તેઓ જય રણછોડ યુવક મંડળ નામના પગપાળા સંઘ સાથે સંકળાયેલા છે અને દર વર્ષે દિવાળી બાદ નવા વર્ષની ત્રીજથી તેઓ કોઈપણ તીર્થની પદયાત્રા સંઘ સાથે કરે છે. આ વખતે અયોધ્યા પદયાત્રાનું નક્કી થયું હતું, પરંતુ ખૂબ લાંબું અંતર હોવાથી કેટલા ભાવિકો જોડાશે તે નક્કી ન હતું, જો કે આઠેક માણસો જોડાય તેવી ગણતરી હતી. છતાં 100 જેટલા પદયાત્રીઓએ ત્રીજની મળસ્કે ચાલવું શરૂ કરી દીધું હતું.
આ તમામ અગ્યારસના દિવસે ડાકોર પહોંચ્યા હતાં અને આરતી કરી, ધ્વજા ચઢાવી થોડો વિશ્રામ લીધો હતો. જો કે ત્યારબાદ અયોધ્યા જવા માટે હિતેશભાઈની સાથે માત્ર બે જ ભાવિકો નક્કી થયા. જેમાં સલાબતપુરામાં રહેતાં 80 વર્ષીય ધનસુખભાઈ અને અમિત પટેલ નામના ભાવિકે અયોધ્યાના માર્ગે પદયાત્રા શરૂ કરી હતી.
ત્રણેય પદયાત્રી 7 દિવસે ઉજ્જૈન પહોંચ્યા પરંતુ ત્યાં પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે 80 વર્ષીય ધનસુખકાકાની તબિયત થોડી લથડી અને તેમણે આગળ જવાનું માંડી વાળ્યું. અમિત પટેલે પણ કહ્યું કે મારો સાથ અહીં સુધીનો જ છે. જો કે હિતેશભાઈએ અયોધ્યા જવાનો નિશ્ચય અડગ રાખ્યો અને તેમણે એકલા જ ચાલવાનું શરૂ કરી દીધું. હિતેશભાઈના જણાવ્યા મુજબ તે સુરતથી 39મા દિવસે અયોધ્યા પહોંચ્યા હતાં અને રામલલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
1998માં તિરૂપતિ બાલાજીની પણ પદયાત્રા કરી હતી
હિતેશભાઈએ જણાવ્યું કે દર વર્ષે તેઓ કોઈને કોઈ તીર્થની પદયાત્રા કરે છે. 1998માં સૌથી લાંબી પદયાત્રા તેમણે તિરૂપતિ બાલાજીની કરી હતી, ત્યાં તેઓ 36 દિવસે પહોંચ્યા હતાં. આ ઉપરાંત ગત વર્ષે તેમણે દ્વારકાની પદયાત્રા કરી હતી. તે સિવાય રાજસ્થાનના રણુજા, કચ્છના આશાપુરા, રાજસ્થાનના શ્રીનાથજી, અંબાજી સહિતના અનેક તીર્થસ્થાનો પર તેઓ પદયાત્રા કરી ચુક્યા છે.
ગામે ગામ સ્વાગત, છતાં રાતવાસો ઢાબા પર કે મંદિરોમાં
હિતેશભાઈએ કહ્યું કે તેઓ પગપાળા જ્યાં પણ પહોંચતા અને જાણ થતી કે છેક સુરતથી પદયાત્રી અયોધ્યા જઈ રહ્યાં છે, તો ત્યાં તુરંત ભાવિકો આવી પહોંચતા અને તેમની આગતા સ્વાગતા કરતાં. બિસ્કીટ, પાણીની બોટલ, ફ્રૂટ્સ વિગેરે આપતાં. કોઈ રોકડ પણ આપતાં કે કોઈ ચઢાવો પણ ધરતાં. જો કે મને ઢાબા પર જ રાતવાસો ગમતો. ઢાબાવાળા જમવા કે ચા-નાસ્તાના પૈસા પણ લેતા નહીં અને સૂવાની વ્યવસ્થા કરી આપતા. કેટલાક ગામોમાં મંદિરોમાં રાતવાસો આહ્લાદક રહ્યો હતો.
રોજનું અંદાજે 45 કિ.મી. જેટલું અંતર કપાતું
હિતેશભાઈએ જણાવ્યું કે હું રોજ 45 કિ.મી. જેટલું અંતર કાપતો. પરંતુ ત્રણેક દિવસ થોડી તબિયત લથડી હતી એટલે તે દિવસો દરમિયાન 30થી 35 કિ.મી.નું અંતર જ કાપી શક્યો હતો. મોટાભાગે ચાલવા સાથે શરીરમાં સ્ફૂર્તિ ઉમેરાતી રહે છે. સાથે જ નવી જગ્યા, નવું વાતાવરણ, નવા લોકો સાથે સતત પરિચય થાય એટલે પદયાત્રાનો ઉત્સાહ બેવડાતો રહે છે. તો મનમાં પ્રભુના દર્શનની ઈચ્છા હોય એટલે થાક તો ભાગ્યે જ લાગે છે, હરીસ્મરણ કરતાં રસ્તો કપાઈ જાય છે.
12000 રૂપિયામાં અયોધ્યા ઉપરાંત છપૈયા, કાશી જઈ પરત સુરત ફર્યો
કેટલો ખર્ચ થયો? તેના જવાબમાં હિતેશભાઈએ કહ્યું કે 12000માં બધું પતી ગયું. અયોધ્યાથી તેઓ ભગવાન સ્વામીનારાયણના જન્મસ્થળ છપૈયા પણ પગપાળા જ ગયા હતા. જો કે ત્યાંથી તેઓ અયોધ્યા બસમાં પરત ફર્યા. અયોધ્યાથી તેઓ કાશીની યાત્રાએ ટ્રેનમાં ગયા અને ફરી બસમાં અયોધ્યા પરત ફર્યા. અયોધ્યામાં આઠેક દિવસનું રોકાણ કર્યું અને ત્યાંથી બસમાં ઉજ્જૈન અને ઉજ્જૈનથી પણ બસમાં સુરત પરત ફર્યો.
પદયાત્રામાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનુભવ માણવા લાયક
હિતેશભાઈએ કહ્યું કે પદયાત્રાથી કુદરતને ઓળખવાની તક મળે છે. દરેકે દરેક ગામ, સ્થળે પ્રકૃતિ અલગ અલગ હોય છે, કુદરનું સૌંદર્ય મન ભરીને માણી શકાય છે. ક્યારેક કુદરની વિવિધ કરામત હૃદયને શાતા આપનારી હોય છે. તો બીજી તરફ ગામે ગામ જુદા જુદા પ્રકારના માણસો, પશુ-પક્ષીઓને પણ મળવા માણવાનો મોકો મળે છે, જે ખરેખર માણવા લાયક હોય છે.
