સુરત: સુરતમાં (Surat) હિટ એન્ડ રનની (Hit and run) ચોંકાવનારી ઘટનાના CCTV સામે આવ્યા છે .ડિંડોલીમાં એક કાર (Car) ચાલકે બાઈક સવારને (Bike) અડફેટે લઈ કારમાં ફસાયેલી બાઇક 700 થી 800 મીટર સુધી ઘસળી ગયો હતો. અડધા રસ્તા સુધી બાઈક ચાલકને પણ ઢસડ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનામાં બાઈક ચાલકનો ચમત્કાતિક બચાવ થયો છે. સમગ્ર ઘટના સીસીટીવી સામે આવતા પોલીસ (Police) પણ ચોંકી ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના ખૂબ જ ગંભીર છે. એક બાઇક અને તેના સવાર ને 800 મીટર સુધી ઘસડીને લઈ જવાયો અને કશું પણ અનહોની ન થઈ એ ચમત્કાર સિવાય બીજું કંઈ ન કહેવાય, જોકે હિટ એન્ડ રનની ઘટના ને લઈ ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સુરતમાં અમદાવાદના તથ્ય વાળી ઘટના થતી રહી ગઈ હોવાની યાદ તાજી થઈ ગઈ છે. ડીંડોલીમાં કાર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકને અડફેટે લઈ ભાગી જવાના ઇરાદે બાઇક અને તેના ચાલકને ઘસડી ગયો હોય એ વાતને નકારી શકાય નહીં, ડીંડોલીના શુભ વાટિકાથી સુમુખ સર્કલ સુધી વચ્ચે બનેલી આ અકસ્માતની ઘટના બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના honda shine મોટર સાયકલ સવાર સાથે બની છે. પોતાની બાઇલ પર સવાર એક યુવક રાત્રે 8:00 વાગ્યાના સમય દરમ્યાન શુભ વાટિકા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે ઓવર સ્પીડમાં રસ્તા પર દોડી રહેલ કાર ચાલકે પાછળથી યુવકને અડફેટે લીધો હતો. કાર ચાલકે યુવકને ડીંડોલીના શુભ વાટીકા પાસે ટક્કર મારી સુમુખ સર્કલ સુધી ઘસડી લઈ ગયો હતો. કાર ચાલકે પાછળથી ટક્કર માર્યા બાદ બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને તેની સાથે યુવક પણ ફસાઈ ગયો હતો. આજ રીતે કારચાલક રસ્તા પરથી યુવકને ઢસડતો ઢસડતો શુભ વાટિકા થી લઈ ડીંડોલી ના સુમુક સર્કલ સુધી 700 થી 800 મીટર સુધી લઈ ગયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન ની આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે કારચાલક તેની કારની નીચે બાઇકને ઢસડીને લઈ જઈ રહ્યો છે. કાર બાઈકની એ હદે ઘસડતો લઈ જઈ રહ્યો છે કે રસ્તા પરથી તણખલાઓ પણ ઉડતા જોવા મળ્યા હતા. તેમ છતાં કારચાલક કારને ઉભી રાખવાને બદલે ઓવર સ્પીડમાં ભગાવતો હોવાનું દેખાય છે. આ દરમિયાન રસ્તા પર ઉડતા તણખલાઓ અને અવાજને લઈ આસપાસથી લોકો કારચાલક સામે કાર ઊભી રાખવા બૂમો પાડતા પણ દેખાય છે. કારચાલક સામે લોકો ફિટકાર દર્શાવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનની આ ઘટનામાં સદનસીબે બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. બાઈક ની સાથે ચાલક પણ કારમાં અકસ્માત સાથે ફસાઈ ગયો હતો. પરંતુ બાઈક ચાલક યુવક અધ વચ્ચેથી ફંગોળાઈ જતા તેને હાથ અને પગમાં ઇજાઓ પહોંચી હતી. અને સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. લાઈવ ઘટના બાદ ડીંડોલી પોલીસની નાઈટ પેટ્રોલિંગ કરતી 18 નંબરની પીસીઆર વન ની ટીમ સાથે ઘટના સ્થળે તપાસ કરવા પહોંચી હતી. જોકે ત્યારબાદ આ ગંભીર અકસ્માત માં કોઈ જ પ્રકારની તપાસ હાથ ધરી ન હતી.
ભોગ બનનાર યુવક આ અંગે ફરિયાદ ન કરતા પોલીસે પણ પોતાની નિષ્ક્રિયતા દાખવી હતી.બનાવ અંગે ડીંડોલી પોલીસ મથકના પીઆઇ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અકસ્માતના બનાવ અંગે અમને જાણ થઈ છે પરંતુ હજુ સુધી અકસ્માતને લઈ કોઈ ફરિયાદ કરવા પહોંચ્યું નથી. જેથી આ અંગે હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બનાવને લઈ પોલીસને કઈ કાર હતી અને આટલો ગંભીર અકસ્માત સર્જીને ભાગી ગયો છે તેને પકડવા સુધીની પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. જેને લઈ લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.