Business

સ્પોર્ટસમાં રચી રહી છે ઇતિહાસ આજની યુવતીઓના અંદાઝ છે ખાસ

આજની મોટાભાગની ફિમેલ્સ પોતાના શરીરને કોમળ બનાવવા અને તેની કોમળતા ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે ત્યારે આપણા શહેરમાં કેટલીક યુવતીઓ એવી પણ છે કે જેઓ પોતાના શરીરને મજબૂત અને ફિટ તો રાખે જ છે સાથે સાથે સાથે તેના બળે વિવિધ સ્પર્ધાઓ જીતીને શહેરનું નામ પણ રોશન કરી ચૂકી છે. જી હા, આજે આપણે એવી યુવતીઓને મળીશું કે જેમણે સખત મહેનત કરીને પોતાનું બોડી એવી રીતે ટ્રેઈન કર્યું છે કે તેઓ આજે પાવર લિફ્ટિંગ જેવા ક્ષેત્રમાં નેશનલ લેવલે મેડલ મેળવી ચૂકી છે અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધવાની તૈયારી પણ કરી ચૂકી છે

સ્ટ્રોંગ વુમન બનવા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું: ચૈતાલી પટેલ
અડાજણ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ચૈતાલી પટેલ જણાવે છે કે, હાલમાં હું ફેશન મૉડેલ તરીકે કામ કરું છુ. મને એક વુમન તરીકે સ્ટ્રોંગ બનવું હતું જેથી હું મારે અમુક કામો માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નહીં પડે જે છોકરાઓ જ કરતા હોય. માટે મે વુમન ફિઝીક્સમાં આગળ વધવાનું વિચાર્યું, તેના માટે મેં મારા નાજુક મસલ્સને ટાઈટ કર્યા અને ખાવામાં ઓટ્સ, ગ્રીન ટી, સલાડ અને ફ્રૂટ્સ ખાવાના શરૂ કર્યા જેથી મને પ્રોટીન અને સ્ટાર્ચ મળી રહે. આજે જ્યારે છોકરીઓ આ ક્ષેત્રમાં આવતા પહેલા ખાસ્સો વિચાર કરે છે ત્યારે મારા પરિવારે મને આગળ વધવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો અને મને એ જણાવતા ખુશી થાય છે કે આજે મારા કારણે કેટલીક યુવતીઓ મોટિવેટ થઈને મને મેસેજ કરે છે.’

80% મહિલાઓના પરિવારજનો ટ્રેનીંગ માટે ના પાડી દે છે: સોહન સાલવી
ફિટનેસ ટ્રેનર સોહન સાલવી જણાવે છે કે, છેલ્લા 8 વર્ષમાં મેં 15 થી 20 યુવતીઓને ટ્રેનીંગ આપી છે જે પૈકી ડિસ્ટ્રિક્ટ લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે 12 થી 13 સ્પર્ધકો વિજેતા નિવડવામાં સફળ થયા છે. મારી પાસે ટ્રેનીંગ માટે આવતા 80 ટકા ખેલાડીઓને ઘરેથી ના પાડવામાં આવે છે કારણ કે ટ્રેનીંગ માટે દર મહિને આશરે 20 થી 30 હજાર જેટલો ખર્ચ થતો હોય છે. જેમાં એકલા ડાયટ પાછળ જ 15 હજાર રૂપિયા ખર્ચાય જાય છે. કારણ કે પ્રોપર ડાયટ આપવા માટે તેમાં પ્રોટીન, ગ્લુટેન ઉપરાંત અન્ય સપ્લીમેંટ્સ આપવા પડે છે. જ્યારે ફિમેલના અંગો નાજુક  હોવાથી તેના હોર્મોન્સ એક્ટિવ કરવા માટે પણ અલગ સપ્લીમેંટની જરૂર પડે છે. જો કે ટ્રેનીંગ શરૂ થાય તે પહેલા તેમની બોડીનો પ્રોફાઇલ રિપોર્ટ કઢાવવામાં આવે છે અને તેમાં જો કોઈ પ્રોબ્લેમ જણાય તો તેની ટ્રીટમેન્ટ કર્યા બાદ ફરીથી તે ઓકે આવે ત્યાર બાદ જ તેની આગળની ટ્રેનીંગ શરૂ કરીએ છીએ.’

અઠવાડિયામાં 2 દિવસ ટ્રેનિંગ માટે સમય ફાળવી શક્તી: સાનિયા સુલતાન
25 વર્ષીય સાનિયા સુલતાન જણાવે છે કે, ‘મને પાવર લિફ્ટિંગનો શોખ તો હતો જ પણ ટ્રેનર નહિ મળવાને કારણે આ ક્ષેત્રમાં આગળ વધવાની હિંમત થઈ નહીં પણ પછી સચિન ખાતે એક જીમમાં ટ્રેનિંગ શરૂ કરી. જોબ કરવાની સાથે 4 વર્ષની દીકરી હોવાથી અઠવાડિયામાં 2 દિવસ સચિન ટ્રેનિંગ માટે ફાળવી શક્તી હતી. બોડીને મજબૂત પણ બનાવવાનું હોવાથી બહારનું ખાવાનું સદંતર બંધ કરી દીધું અને ઈંડા, નોનવેજ, પ્રોટીન પાવડર અને મલ્ટિવિટામિન શરૂ કરી દીધા. મારી અને મારા ટ્રેનરની મહેનત તથા મમ્મી-પપ્પા ના સપોર્ટના પરિણામે હું 4 વાર નેશનલ લેવલે ચેમ્પિયનશિપ જીતી ચૂકી છું અને 8 વાર સ્ટ્રોંગ વુમન ઓફ ગુજરાતનો ખિતાબ પણ મેળવી ચૂકી છું અને હવે ઇન્ટરનેશનલની તૈયારી કરી રહી છુ.

બોક્સિંગ બાદ પાવર લિફ્ટિંગ શીખી: રીયા ઉપાધ્યાય
23 વર્ષીય રીયા ઉપાધ્યાય જણાવે છે કે, ‘પાવર લિફ્ટિંગ માટે સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે અને હું બ્રાહમણ હોવાના કારણે માસ કે ઈંડા ખાઈ શક્તી નથી પણ હું વેજીટેબલ, ફ્રૂટ્સ, પ્રોટીન પાઉડર, સ્પ્રાઉટ્સ, પનીર વગેરે ખાઈને બોડી મજબૂત રાખતી અને સ્ટ્રોંગ બનવા માટે સાંજે જોબ પરથી પરત આવીને 3 થી 4 કલાક પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરવા માંડી. મારી મહેનતના પરિણામે હું પાવર લિફ્ટિંગમાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છું જેમાં મારા પરિવાર અને કોચનો સારો સપોર્ટ મળ્યો છે’

Most Popular

To Top