Comments

બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીને કારણે તેની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે?

કોઈ પણ લોકશાહી દેશમાં તેના નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. આ સ્વતંત્રતા દેશના કે વિદેશના મીડિયાને પણ હોવી જોઈએ. મીડિયાને લોકશાહીમાં ચોથી જાગીર ગણવામાં આવે છે. મુક્ત મીડિયા લોકશાહીમાં શાસકોને આપખુદ બનતા રોકે છે અને તંદુરસ્ત ભિન્ન મતની ભૂમિકા ભજવે છે. જો કોઈ પણ દેશમાં કોઈ ગંભીર કારણો સિવાય મીડિયાની સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવે તો માનવું પડે કે તે દેશના શાસકોને લોકશાહી માફક આવતી નથી. ભારતમાં બીબીસીની ઓફિસો પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા તેનો સંબંધ બીબીસી દ્વારા ગુજરાતનાં રમખાણો પર બે ભાગમાં તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે જોડવામાં આવે છે.

આ ફિલ્મ ઉપર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે ઘટના પણ ભારતની લોકશાહી માટે રેડ સિગ્નલ સમાન હતી. જો ભાજપને ડોક્યુમેન્ટરીના કન્ટેન્ટ બાબતમાં કોઈ વાંધો હોય તો તેઓ પોતાનો સત્તાવાર અભિપ્રાય જાહેર કરીને હિસાબ ચૂકતે કરી શક્યા હોત. તેને બદલે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવાની પ્રજાની સ્વતંત્રતા ઉપર હુમલો કરીને સરકારે નિર્દેશ આપ્યો હતો કે તેમાં કેટલીક સંવેદનશીલ બાબતો છે, જે બાબતો સરકાર પ્રજાથી છૂપાડી રાખવા માગે છે. સરકારના પ્રતિબંધ છતાં આ ફિલ્મ કરોડો લોકોએ જોઈ તેને કારણે સરકાર રઘવાઈ થઈ છે. આવેશમાં આવીને બીબીસીને સજા કરવા તેની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું ચિત્ર ઉપજે છે.

ભાજપના મોરચાની સરકારે બીબીસી પર દરોડા પાડીને તમામ વિદેશી મીડિયા સામે જંગ જાહેર કરી દીધો છે. વિદેશી મીડિયા એટલી તાકાત ધરાવે છે કે સરકારને પણ ઉથલાવી શકે છે. રાજીવ ગાંધીનું બોફોર્સ કૌભાંડ સ્વીડીશ રેડિયો દ્વારા જ બહાર પાડવામાં આવ્યું હતું. અદાણી જૂથ બાબતના હિન્ડનબર્ગ રિપોર્ટને વિદેશી મીડિયા દ્વારા મહત્ત્વ આપવામાં આવ્યું તેને કારણે તેના શેરોમાં કડાકો બોલી ગયો હતો. વિદેશી મીડિયાની નરેન્દ્ર મોદી સામેની ઝુંબેશ મોદી સરકાર માટે ગંભીર પડકાર છે.

બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કઈ દુ:ખતી નસ દબાઈ ગઈ હતી, તેની ચર્ચા કરતાં પહેલાં બીબીસીની તાકાતનો પરિચય મેળવીએ. બીબીસી દુનિયાનું સૌથી જૂનું અને કર્મચારીઓની સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટું બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન છે. તેની સ્થાપના ૧૯૨૪માં રેડિયો સર્વિસના માધ્યમથી રોયલ ચાર્ટર હેઠળ થઈ હતી. હવે તે રેડિયો ઉપરાંત ટીવી અને ડિજિટલ મીડિયા સર્વિસ પણ ધરાવે છે. બીબીસી બ્રિટીશ સરકાર સાથે વિશેષ કોન્ટ્રેક્ટ ધરાવે છે. બીબીસીમાં કુલ ૨૨,૦૦૦ કર્મચારીઓ છે, જેમાંના ૧૯,૦૦૦ સરકારી નોકરીમાં છે. ૨૦૨૧માં બીબીસીની આવક આશરે ૫.૩૩ અબજ પાઉન્ડ (૫૩,૩૦૦ કરોડ રૂપિયા) જેટલી હતી. બ્રિટનના ૬૧ ટકા જેટલા નાગરિકો બીબીસીના ગ્રાહકો છે અને નિયમિત તેનું લવાજમ ભરતા હોય છે. બીબીસીની સેવાઓ દુનિયાના ૨૦૦ દેશોના ૩૦ કરોડ ઘરોમાં ૧૨૦ કરોડ લોકો જોતા હોય છે.

ભારતમાં બ્રિટીશ રાજ હતું ત્યારથી ૧૯૨૪થી બીબીસી જોવાતું કે સંભળાતું આવ્યું છે. ૧૯૭૦ના દાયકામાં બીબીસીએ ભારત બાબતમાં બે વાંધાજનક દસ્તાવેજી ફિલ્મો બનાવી તેને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મો ‘કલકત્તા’અને ‘ફેન્ટમ ઇન્ડિયા’નામની હતી. ૧૯૭૫માં તત્કાલીન વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતમાં કટોકટી લાદી હતી અને મીડિયા પર પ્રિસેન્સરશીપ લાદવામાં આવી હતી. ત્યારે ભારતના નાગરિકો સાચા સામચાર મેળવવા માટે બીબીસી રેડિયો સાંભળતા હતા. બીબીસીએ પ્રિસેન્સરશીપના કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેના ઉપર બીજી વાર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

બીબીસીના ભારતના પ્રતિનિધ માર્ક ટુલીને ૨૪ કલાકમાં ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ભારતની બહાર રહીને પણ બીબીસી રેડિયો કટોકટી બાબતના સાચા સમાચારો પ્રસારિત કરતું રહ્યું હતું. ૧૯૭૭માં કટોકટી ઉઠાવી લેવામાં આવી હતી અને લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસ હારી ગઈ હતી અને જનતા પાર્ટી જીતી ગઈ હતી તેના સમાચારો પણ સૌથી પહેલાં રેડિયો બીબીસી પર બ્રેક કરવામાં આવ્યા હતા. ૧૯૮૪માં શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેના સમાચાર ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવે તે પહેલાં બીબીસી પરથી પ્રસારિત કરવામાં આવ્યા હતા. બીબીસીના સંવાદદાતા માર્ક ટુલીને આ સમાચાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ડોક્ટર પાસેથી મળ્યા હતા, જેમાં સુરક્ષા કર્મીની ગોળીથી ઘાયલ થયેલાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને દાખલ કરવામાં આવ્યાં હતાં.

નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેમને મીડિયા સાથે બારમો ચંદ્રમા રહ્યો છે. મીડિયાની ટીકાઓની પરવા કર્યા વિના લોકપ્રિયતાનાં મોજાં ઉપર સવાર થઈને તેઓ ચૂંટણીઓ જીતતા રહ્યા છે. મીડિયાની તેમના માટેની દુશ્મનાવટ તેમનું કાંઈ બગાડી શકી નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા તે પછી તેમણે પોતાના વફાદાર પત્રકારો સિવાયના કોઈ પત્રકારને મળવાનું જ બંધ કર્યું હતું. વડા પ્રધાન બન્યા પછી તેમણે ભારતમાં ભાગ્યે જ કોઈ પત્રકાર પરિષદ યોજી હશે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ભારતની મોટા ભાગની ટીવી ચેનલો તેમના વિરોધમાં હતી. તેમના મીડિયા મેનેજરોએ સામ,દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને એક પછી એક ચેનલોને મોદીને વફાદાર બનાવી હતી. જે મોદીવિરોધી પત્રકારો આ ચેનલોમાં કામ કરતા હતા તેમને નોકરી છોડવી પડી હતી કે પોતાની વફાદારી બદલવી પડી હતી. છેલ્લે એનડીટીવી જૂથ બાકી રહી ગયું હતું તેને ગૌતમ અદાણીના જૂથે ખરીદી લીધું હતું. દરરોજ સાંજે પ્રાઈમ ટાઈમ કાર્યક્રમ દ્વારા સરકારની ટીકા કરતા રવીશ કુમારને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મીડિયા સલાહકારો દ્વારા ભારતીય મીડિયા પર દિગ્વિજય પ્રાપ્ત કરી લેવામાં આવ્યો તે પછી પણ બીબીસી દ્વારા સરકારવિરોધી નીતિ ચાલુ રાખવામાં આવી તે સરકારની આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. તેમાં બીબીસી દ્વારા ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો બાબતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી તે ઊંટની પીઠ પરનાં છેલ્લાં તણખલાં જેવી સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કેટલીક એવી હકીકતો ઉખેળવામાં આવી હતી, જેને નરેન્દ્ર મોદી ભૂલવા માગતા હતા અને પ્રજાને પણ ભૂલવાડવા માગતા હતા.

દાખલા તરીકે ૨૦૦૩ની ૨૬ માર્ચે ભાજપના નેતા અને મોદીના રાજકીય હરીફ હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી તે રહસ્ય પરથી આજ દિન સુધી પડદો ઉપાડી શકાયો નથી. તેમના કથિત હત્યારાઓને હાઈ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા તે પછી બહાર આવ્યું હતું કે હરેન પંડ્યાની હત્યાની સુપારી સોહરાબુદ્દીન શેખને આપવામાં આવી હતી, જેની પાછળથી બનાવટી અથડામણમાં હત્યા કરી નાખવામાં આવી હતી. સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર કરનારા પોલિસ અધિકારી ડી. જી. વણઝારા તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી અમીત શાહના વિશ્વાસુ હતા. સોહરાબુદ્દીનનો કેસ ચલાવતા હાઈ કોર્ટના જજ લોયાનું પણ શંકાસ્પદ સંયોગોમાં મોત થયું હતું.  આ બધી વાતો લોકો ભૂલી ગયા હતા, પણ બીબીસીની ડોક્યુમેન્ટરીમાં તેને ફરીથી તાજી કરવામાં આવી હોવાની સજા કદાચ તેને કરવામાં આવી છે.

Most Popular

To Top