જયારે તકલીફ નજરે પડે ત્યારે પ્રજાકીય વિભાજનના નુસખા શોધો અને તેને રમતા કરો એ ભારતીય જનતા પક્ષનાં રાજકારણનું સ્વરૂપ છે. કેન્દ્રનાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં હિન્દીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. દક્ષિણનાં રાજકીય પક્ષો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે વગેરે. અપેક્ષા મુજબ સામેથી પ્રતિકાર થયો. અમારા ઉપર હિન્દી લાદવામાં આવે એ ચાલાવી નહીં લેવાય વગેરે. વાત એમ છે કે રાહુલ ગાંધીની પદયાત્રા દક્ષિણ ભારતમાંથી પસાર થઈ રહી છે અને તેમને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એ એક કારણ અને બીજું કારણ એ કે, ભારતીય જનતા પક્ષ દક્ષિણ ભારતમાં કર્ણાટક છોડીને ખાસ અસ્તિત્વ ધરાવતો નથી એટલે બીજેપીનો સંપૂર્ણ મદાર ઉત્તર અને પશ્ચિમ ભારતના હિંદુઓ ઉપર છે અને એ પણ એવા હિંદુઓ જેઓ હિંદુ રાષ્ટ્રવાદી છે.
તેઓ બેરોજગારી અને ફુગાવા જેવી વાસ્તવિક સમસ્યા તરફ નજર કરતા ન થાય એ માટે આવા ફુગ્ગા છોડવામાં આવે છે. નિર્મલા સીતારમણ શિક્ષણ પ્રધાન નથી, નાણા પ્રધાન છે અને ભાષા જેવા વિષય સાથે તેમને કોઈ લેવાદેવા નથી, એ છતાં ફુગ્ગો છોડવા માટે તેમને પસંદ કર્યા એનું કારણ એ છે કે તેઓ દક્ષિણ ભારતીય છે. નિર્મલા સીતારમણ પોતે જે હિન્દી બોલે છે એ અસહ્ય હોય છે એ તો તમે જાણો જ છો. જો હિન્દી માટે આટલો બધો પ્રેમ છે તો એ ભાષા સરખી શીખતા કેમ નથી? જાહેરમાં અશુદ્ધ હિન્દી બોલવી એ હિન્દી ભાષાનું અપમાન નથી? વળી હિન્દીમાં લખતા તો તેમને આવડતું જ નથી.
તમારા ધ્યાનમાં કદાચ એક વાત નહીં આવી હોય જેના તરફ ધ્યાન દોરવાનો આ લેખમાં ઉદ્દેશ છે. એક દેશ એક ભાષા, એક દેશ એક રાષ્ટ્રધ્વજ, એક દેશ એક રાષ્ટ્રગીત, એક દેશ એક કાયદો, એક દેશ એક શિક્ષણ, એક દેશ એક ચલણ, એક દેશ એક માપ (અંગ્રેજી અને દેશીની જગ્યાએ દશાંસ), એક દેશ એક વેરો, એક દેશ એક વહીવટીતંત્ર વગેરે રાષ્ટ્રનિર્માણ માટેની ચીજોની જરૂરિયાત 19મી સદીના ઉત્તરાર્ધમાં જ સમજાવા લાગી હતી. જરૂરિયાત સમજાવા લાગી એટલે એ વિષે ચર્ચા શરુ થઈ. ચર્ચા વ્યાપક અને સઘન હતી, પણ એક ફરક હતો. ત્યારે જે ચર્ચા થતી હતી તેના કેન્દ્રમાં ઉપાયની ખોજ હતી.
ખોજ એ વાતની હતી કે આ કેવી રીતે સાકાર થઈ શકે? વ્યવહારમાં જોવા મળતી અને જે તે સમાજમાં રૂઢ થઈ ગયેલી વિવિધતાઓની વચ્ચે એક સરખાપણું કેવી રીતે લાવવું? આખો વિમર્શ ઉપાયલક્ષી હતો. વિમર્શ કરનારાઓએ મુખ્યત્વે બે ભેદ પાડ્યા. એક રાષ્ટ્રનિર્માણ માટેની જરૂરી ચીજો અને બીજી રાષ્ટ્રીય વ્યવહાર માટેની ચીજો. એક ચલણ, એક તોલ-માપ, એક તંત્ર વગેરે રાષ્ટ્રીય વ્યવહાર માટેની જરૂરી ચીજો હતી. અને એમાં પણ ઉતાવળ કરવામાં નહોતી આવી. મોટી વયના વાચકોને યાદ હશે કે આઝાદી પછી એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી જુનાંનવાં બન્ને ચલણ અને તોલમાપ ચાલતાં હતાં. નોટબંધીની જેમ રાતોરાત પરિવર્તન કરવામાં નહોતું આવ્યું.
તો કહેવાનું તાત્પર્ય એ કે રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્તરે ભાવનીક અને વ્યવહારિક એકતા સાધવા માટે જે ચર્ચા ચાલતી હતી એ મુખત્વે ઉપાયલક્ષી હતી. એક સરખું શિક્ષણ હોવું જોઈએ, પણ તેમાં અલગ અલગ પ્રાંતો, તેનો ઈતિહાસ અને પરંપરા, તેના હીરોઝ વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. શાણા અને સમજદાર લોકો આના ઉપાય સૂચવતા હતા. એક ભાષા હોવી જોઈએ, પણ તેમાં પ્રાંતીય ભાષાઓ (જે પ્રાંતોમાં વસનારાઓની માતૃભાષા છે અને જેથી તેના માટે તે વિશેષ છે) ને પણ આદરપૂર્વકનું સ્થાન મળવું જોઈએ. એકના ભોગે બીજાને નહીં.
જે ભાષા અપનાવવાની છે (દેખીતી રીતે હિન્દી) એ ભાષા બને એટલી સરળ હોવી જોઈએ કે જેથી અપનાવનારને અપનાવવામાં ઝાઝી મુશ્કેલી ન પડે. આના ઉપાય શોધવામાં આવ્યા હતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સ્થાપવામાં આવી હતી. સરળ લિપિના પ્રયોગ કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાની પ્રચાર સભા દક્ષિણનાં રાજ્યોમાં કામ કરતી હતી. હિન્દીના પ્રચાર માટે કોવિડ અને એવી બીજી પરીક્ષાઓ શરુ કરવામાં આવી હતી. પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવતા હતા. એ જમાનામાં લોકો પોતાનાં નામની સાથે ડીગ્રી (જેમકે BA) ઉપરાંત કોવિડ પણ લખતા.
ટૂંકમાં દેશને જોડવાની સાચી નિસ્બત હતી એટલે રાષ્ટ્રીય એકતાનો આખો વિમર્શ ઉપાયલક્ષી હતો અને ઉપાય અજમાવવામાં આવતા હતા. ઘણા લોકોએ તો આખી જિંદગી આવા કામ પાછળ ખર્ચી હતી.હિન્દુત્વવાદીઓનો અભિગમ જુદો છે. તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે એક દેશ એક … ની વાત કરશે અને પછી જોશે કે આનો વિરોધ કોણ કરે છે. તેમને વિરોધીઓને વીણવામાં, જુદા તારવવામાં રસ છે. ઉપર કહ્યા એ લોકોને પણ વિરોધ અને વિરોધીઓનો સામનો કરવો પડતો હતો, પણ તેઓ વિરોધીને જીતવાનો પ્રયાસ કરતા હતા અને સરળ સ્વીકાર્ય ઉપાય બતાવતા હતા.
માત્ર બતાવતા નહોતા, અજમાવતા હતા. હિન્દુત્વવાદીઓને માત્ર અને માત્ર વિરોધીઓને નોખા તારવવામાં જ રસ છે કે જેથી મંદબુદ્ધિ ધરાવનારાઓને ભોળવી શકાય કે જુઓ આ લોકો દેશના દુશ્મન છે અને અમે સાચા દેશપ્રેમી છે. નિર્મલા સીતારમણે જાણીબૂજીને નિવેદન કર્યું હતું. તેમને ખબર હતી કે કેટલાક વિરોધ કરવાના છે અને વિરોધ કરનારાઓને નોખા તારવવામાં છે અને નોખા તારવ્યા પછી તેમને દેશના દુશ્મન ઠરાવવાના છે અને એ દ્વારા પોતાને સાચા દેશપ્રેમી સિદ્ધ કરવાના છે. ઉપાયમાં તેમને કોઈ રસ નથી.
ઉપર કહી એ રાષ્ટ્રને જોડવાની કોઈ બાબતે ઉપાયલક્ષી ચર્ચા તેમણે કરી નથી અને કોઈ ઉપાય બતાવ્યો નથી. ઉપાયમાં તેમને રસ નથી એટલે ઉપાય લઈને પ્રજાની વચ્ચે જવાનો અને જિંદગી ખર્ચવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. એક ઉદાહરણ બતાવો. એક પણ નહીં મળે, મારી ગેરંટી. તેમને તો માત્ર વિરોધ કરનારાઓને નોખા તારવવામાં જ રસ છે. હવે કહો કે સાચો દેશપ્રેમી કોને કહેવાય? જે જરૂરિયાત અને તેની સાથે ઉપાય બતાવે એ કે માત્ર ગળા ફાડીને જરૂરિયાત જ બતાવ્યા કરે? જે વિરોધ કરનારને જીતવાનો પ્રયાસ કરે એ કે પછી તેને નોખા તારવીને દુશ્મન કરાર કરે એ?
જે ઉપાયોની ખોજ કરે, ઉપાયો અજમાવે, ઉપાયોમાં સુધારાઓ કર્યા કરે, ઉપાયો માટે જિંદગી ખર્ચે એ કે પછી નોખા તારવેલાઓને ગાળો દેવામાં અને દેવડાવવામાં આયખું વિતાવે એ? વિચારો, સાચો દેશપ્રેમી કોને કહેવાય? હિન્દી ફિલ્મોમાંના નાના પાટેકરની માફક તાર સ્વરે જુદા તારવેલા વિરોધીઓને ગાળો દે એ કે પછી તામિલનાડુના ગામડામાં કોઈ એક ઝુંપડામાં બેસીને તમિલ બાળકની પાટીમાં દેવનાગરી ભાષાનો अ પાડે એ? હિન્દી અને દેવનાગરી લિપિના પ્રચારકને તામિલોએ માર્યા હોય કે ગામડામાંથી ભગાડી મુક્યા હોય એવી એક ઘટના બતાવો.
પ્રેમ, રચનાત્મક અભિગમ અને ઉપાય લઈને લોકોની વચ્ચે જાવ તો લોકો જરૂર સાંભળવાના છે. બીજું વિરોધ કરનારાઓ તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતા. બહુમતી પ્રજા ખોજ અને ઉપાયમાં ભાગીદાર બનવા તૈયાર હોય છે પણ હિન્દુત્વવાદીઓને આમાં કશામાં રસ નથી. તેમને તો ઉલટું આવું કયારેય ન બને એમાં રસ છે. હિંદુઓને કોમવાદી બનાવવા માટે અને બનાવેલાઓના ચિત્તની અંદર દાખલ કરવામાં આવેલું કોમી ઝેર જળવાઈ રહે એ માટે વિરોધીઓ ક્યારેય નાબૂદ ન થાય એમાં રસ છે. માટે પ્રેમ, રચનાત્મક અભિગમ અને કારગત ઉપાયમાં જોખમ છે. તો પછી સાચા દેશપ્રેમી કોણ? જો બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય તો આજુબાજુમાં કોઈ સમજદાર માણસ હોય એને પૂછી જુઓ કે દેશ માટે સાચી નિસ્બત કોણ ધરાવે છે? તમે જો સાચા દેશપ્રેમી હો તો કોઈ ડાહ્યા વડીલને પૂછી જુઓ કે તમારે કયો માર્ગ અપનાવવો જોઈએ, ઉપાયનો કે આરોપનો? જીતીને સાથે લેવાનો કે નોખા તારવીને ગાળો દેવાનો?